લેસર મેપિંગ અને ગેમિંગ ડિટેઇલિંગથી કેથેડ્રલનું અગાઉનું સ્વરૂપ ચોક્સાઈથી જાણી શકાશે!
ગયા મહિને ફ્રાન્સ રાજધાની પેરિસમાં ઐતિહાસિક નોત્ર-દામ કેથેડ્રલમાં ભીષણ આગ લાગી, જેમાં આઠમી સદીની આ અતિ પ્રાચીન ઇમારતને વ્યાપક નુકસાન થયું.
આ પ્રાચીન ઇમારતનું ધાર્મિક મહત્ત્વ એટલું બધું છે કે તેને રિસ્ટોર કરવા માટે એટલે કે નવેસરથી પહેલાં જેવું કરવા માટે ખુદ ફ્રાન્સના પ્રમુખે કેથેડ્રલની બહાર ઊભા રહીને દાન એકત્ર કરવાનું દેશવ્યાપી અભિયાન આરંભ્યું.
એક તરફ આખા વિશ્વમાંથી આ કેથેડ્રલના રિસ્ટોરેશન માટે નાણાનો પ્રવાહ વહેવાનો શરૂ થયો છે તો બીજી તરફ આ ભગીરથ કાર્યમાં ટેકનોલોજી પણ સિંહફાળો આપશે એવું સ્પષ્ટ થવા લાગ્યું છે.
આ અતિ પ્રાચીન ઇમારતમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને અંકુશમાં લેવા માટે ૪૦૦થી વધુ ફાયર ફાઇટર્સનો કાફલો કામે લગાડવો પડ્યો. દેખીતું છે કે આવી વિનાશક આગને કારણે ઇમારતનો ઘણો મોટો ભાગ ભસ્મીભૂત થયો. હવે તેને પહેલાં જેવું જ સ્વરૂપ આપવું હોય તો એ માટે તેના અગાઉના સ્વરૂપની અત્યંત બારીક અને ચોકસાઇભરી માહિતી જરૂરી છે.
આ દૃષ્ટિએ લેસર સ્કેનિંગ અને વીડિયો ગેમિંગ ટેકનોલોજી મદદરૂપ થશે એવી આશા છે.
દર વર્ષે આ કેથેડ્રલની એક કરોડ ત્રીસ લાખ લોકો મુલાકાત લેતા હતા. કેથેડ્રલના લાકડાના વિશાળ દરવાજા પસાર કરીને અંદર દાખલ થતાંવેંત આ પ્રાચીન ઇમારતની ભવ્યતા સૌને અભિભૂત કરતી હતી. આ ઇમારત કોણે બાંધી અને કેવી રીતે બાંધી એ વિશે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ જે નજરે દેખાતું હતું એને આવનારાં વર્ષો માટે જાળવી લેવામાં માટે જુદા જુદા પ્રકારે ઘણા પ્રયાસો થતા રહેતા હતા.
કેથેડ્રલનું થ્રી-ડી મેપિંગ
એવા એક પ્રયાસના ભાગરૂપે એન્ડ્રયુ ટેલન નામના એક ઇતિહાસકારે લેસર ટેકનોલોજીને કામે લગાડીને કેથેડ્રલનું થ્રી-ડી મેપિંગ કર્યું હતું. આ પદ્ધતિમાં, એક ટ્રાયપોડ પર મુકેલા સાધનમાંથી નીકળતાં લેસર કિરણો તેની ચારે તરફ વિસ્તરેલી ઇમારતના દરેકે દરેક પોઇન્ટ સુધી પહોંચીને લેસર સ્કેનર અને એ પોઇન્ટ વચ્ચેનું અંતર અત્યંત ચોકસાઈથી માપે છે.
આવું દરેક માપ એક રંગીન ડોટથી દર્શાવવામાં આવે છે, જેની મદદથી છેવટે સમગ્ર કેથેડ્રલની થ્રી-ડી ઇમેજ તૈયાર થઈ. એન્ડ્રયુ ટેલનના મતે જો લેસર સ્કેનિંગ યોગ્ય રીતે થયું હોય તો તેનાથી સર્જાતી થ્રી-ડી ઇમેજ અને વાસ્તવિક ઇમારતના માપમાં માંડ પાંચ મિલિમીટર જેટલો નજીવો તફાવત રહે છે.
એન્ડ્રયુ ટેલને કેથેડ્રલની અંદર અને આજુબાજુથી આવી રીતે એક અબજથી વધુ પોઇન્ટ્સનો ડેટા એકઠો કર્યો હતો. ટેલનની આ મહેનત આગમાં ભસ્મીભૂત થયેલા કેથેડ્રલના રિસ્ટોરેશનમાં મદદરૂપ થશે.

લેસર બીમ્સથી નોંધાયેલાં પોઇન્ટ્સને આધારે મળતો ડેટા એકમેક સાથે જોડીને, ઇમારતનું આખું માળખું દર્શાવતું એક ‘પોઇન્ટ ક્લાઉડ’ તૈયાર કરવામાં આવે છે.

તેની સાથોસાથ ઇમારતની વધુ સ્પષ્ટ ઓળખ મેળવવા પોઇન્ટ ક્લાઉડ પર સંખ્યાબંધ તસવીરોનું આવરણ કરવામાં આવે છે.

તેની સાથોસાથ લેસર પોઇન્ટ ડેટા ક્લાઉડની મદદથી ઇમારતનું થ્રી-ડી મોડેલ તૈયાર કરવામાં આવે છે.

આ બધાના અંતે, છેવટે ઇમારતના વાસ્તવિક ચિત્ર જેવું જ ‘રેન્ડરિંગ’ કરવામાં આવે છે. ગૂગલ અર્થમાં જોવા મળતી થ્રી-ડી ઇમેજીસ કંઈક આવી જ ટેક્નોલોજીનું પરિણામ છે.
ગેમિંગ ટેક્નોલોજી
એ સિવાય અત્યાધુનિક ગેમિંગ ટેકનોલોજી પણ આ કેથેડ્રલના રિસ્ટોરેશનમાં મદદરૂપ થાય એવી સંભાવના છે. એક્સ બોક્સ-૧ અને પ્લે સ્ટેશન-૪ માટે ડિઝાઇન થયેલી ‘અસાસિન્સ ક્રીડ યુનિટી’ નામની એક વીડિયો ગેમમાં આખો પ્લોટ ફક્ત એક શહેર, પેરિસ પર આધારિત છે. તેમાં પણ નોત્ર-દામ કેથેડ્રલનું આ ગેમમાં ખાસ મહત્ત્વ છે. કોઈ એક શહેરનું આ અગાઉ આટલું ઝીણવટભર્યું ડિટેઈલિંગ કોઈ ગેમમાં થયું નથી.

યુબીસોફ્ટ નામની ગેમ ડેવલપમેન્ટ કંપનીએ આ ગેમ તૈયાર કરી છે. મૂળ નોત્ર-દામ કેથેડ્રલના નિર્માણમાં ૧૮૨ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પરંતુ ગેમની એક આર્ટિસ્ટે બે વર્ષ જેટલો સમય ગાળીને આ કેથેડ્રલનું અત્યંત વિગતવાર ડિજિટલ મોડેલિંગ તૈયાર કર્યું છે.
આમ ગેમ માટે તૈયાર થયેલું ડિટેઇલિંગ હવે કેથેડ્રલના રિસ્ટોરેશનમાં મદદરૂપ થશે!

