ફરી એક વાર, દિવાળી નજીક આવી પહોંચી છે!
આ દિવસોમાં તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો અને બજેટનો ખાસ પ્રશ્ન ન હોય તો તમે ચોક્કસ સ્માર્ટફોનના કેમેરા બાબતે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હશો! સાથોસાથ એ પણ પ્રશ્ન સતાવતો હશે કે આખરે એક સ્માર્ટફોનમાં ત્રણ-ચાર કે પાંચ-સાત કેમેરાની જરૂર શી છે?! આ અંકમાં એ પ્રશ્નનો વિગતવાર જવાબ આવરી લેવાયો છે.
તેની સાથોસાથ, હાલમાં લોકોમાં એમપરિવહન એપ અને ડિજિલોકર વિશે પણ ખાસ્સી ઉત્સુકતા જોવા મળી રહી છે. ડિજિલોકર વિશે તો આપણે છેક ૨૦૧૬માં વિગતવાર વાત કરી ગયા છીએ તેમ છતાં, સફરમાં નવા જોડાયેલા વાચકમિત્રોના લાભાર્થે તેના ઉપયોગની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ પણ આ અંકમાં ઉમેરી છે.
‘સાયબરસફર’માં આવું અવારનવાર થઈ રહ્યું છે, જે મુદ્દાઓની આપણે ત્રણ-ચાર વર્ષ પહેલાં વાત કરી ગયા હોઈએ તેના ઉપયોગ વિશે લોકોમાં હવે જાગૃતિ આવતી હોવાથી, પુનરાવર્તનના ભય સાથે પણ કેટલીક બાબતોની ફરી વાત કરવી જરૂરી લાગે છે. સમયથી આગળ રહેવાની કદાચ આ સજા છે, પણ જૂના વાચકો દરગુજર કરશે એવી અપેક્ષા છે!
આ અંકમાં ઇંગ્લિશના અનોખા ક્લાસરૂમ સમાન ‘ક્વિલ’ વેબસર્વિસ, તેમ જ કોઈ પણ ક્ષેત્રમાં નોકરી હોય તો પણ કામ લાગે તેવી ડિજિટલ સ્કિલ્સ કેળવવા સંબંધિત લેખો પણ ગમશે.
આપ સૌને જ્ઞાનના પ્રકાશથી શોભતી અને ખુશાલીથી ઝળહળતી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.
– હિમાંશુ
