હવે આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ, જેમાં આપણે ઘરની બહાર ડગ માંડીએ ત્યારથી સતત કોઈની આપણા પર નજર હોય છે! એમાં પણ જો આપણા હાથમાં સ્માર્ટફોન હોય (હવે કોના હાથમાં નથી હોતો?!) તો વળી બીજી અનેક રીતે પણ આપણી દરેક હિલચાલ પર કોઈ ને કોઈની ‘નજર’ હોય છે.
ટેકનોલોજી જેમ વધુ સ્માર્ટ બનતી જાય છે તેમ તેમ આપણા અંગત જીવન પર બીજાની તરાપ પણ વધતી જાય છે. અલબત્ત સીસીટીવી કેમેરાથી જે સર્વેલન્સ થાય છે તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પોતાની જ સલામતી વધારવાનો છે.
જોકે આ પણ અર્ધસત્ય છે. ભારત જેવા લોકશાહી દેશ માટે આ વિધાન સાચું છે, પરંતુ ચીન જેવા લોખંડી અંકુશ ધરાવતા દેશમાં સીસીટીવી સર્વેલન્સનો ઉપયોગ સલામતી ઉપરાંત બીજા અન્ય હેતુઓ માટે પણ થાય છે. ચીન પોતાની સ્માર્ટ સર્વેલન્સની ટેકનોલોજી વેચવાને નામે આખા વિશ્વમાં પોતાની નજર વિસ્તારી રહ્યું છે. અભ્યાસો કહે છે કે ભારતમાં પણ સ્માર્ટ સર્વેલન્સ માટે જે સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેમાં ચીની કંપનીઓનો સિંહફાળો છે.
થોડા સમય પહેલાં બહુ ગાજેલા, વોટ્સએપથી જાસૂસીના પ્રકરણમાં પણ ઇઝરાયલની કંપનીએ આપણા દેશનાં વિવિધ રાજ્યોની પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓને આવી ટેકનોલોજી વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
આ બધું આપણી સલામતી માટે હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ એનાથી જ આપણી સલામતી જોખમાય નહીં એ પણ જોવું રહ્યું.
– હિમાંશુ

