પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન બનાવવું પ્રમાણમાં સહેલું છે. આપણે એક પછી એક સ્લાઇડ ઉમેરતા જઈએ અને તેમાં જોઇતી ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો, ઓડિયો વગેરે ઉમેરતા જઇએ એટલે આપણું પ્રેઝન્ટેશન તૈયાર!
મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે આપણે આ પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરવાનું હોય. પ્રેઝન્ટેશનમાંની ઇમેજિસને કારણે તેની ફાઇલ સાઇઝ મોટી થઈ જતી હોય છે.
આવા પ્રેઝન્ટેશનને બીજા સાથે શેર કરતાં પહેલાં જો આપણે ઇમેજિસને કમ્પ્રેસ્ડ કરી લઇએ તો તેની ફાઇલ સાઇઝ ઘણી ઓછી થઇ જાય છે.
એ માટે પ્રેઝન્ટેશન માટેની કોઈ પણ ઇમેજને સિલેક્ટ કરો. હવે મથાળાની રીબનમાં ‘ફોર્મેટ સેકશન’ જોવા મળશે. તેમાં સૌથી પહેલા ‘એડજસ્ટ’ વિભાગમાં ‘કમ્પ્રેસ્ડ પિકચર્સ’ના વિકલ્પ પર ક્લિક કરો.
આથી પૂછવામાં આવશે કે તમે માત્ર સિલેક્ટ કરેલા પિક્ચરને કમ્પ્રેસ્ડ કરવા ઇચ્છો છો કે પ્રેઝન્ટેશનમાંના તમામ પિકચર્સને? જો પ્રેઝન્ટેશન શેર કરવાનું હોય તો તમામ પિક્ચર્સ કમ્પ્રેસ્ડ કરવા યોગ્ય રહેશે.
‘ઓપ્શન્સ’ પર ક્લિક કરતાં દરેક ઇમેજને ૯૬, ૧૫૦ કે ૨૨૦ ડીપીઆઈ (ડોટ પર ઇંચ)ના રેઝોલ્યુશનમાં સેવ કરવાના વિકલ્પ મળશે. જરૂરિયાત મુજબ પસંદગી કરો.
દરેક ઇમેજના ક્રોપ કરેલા ભાગને ડિલીટ કરવાનો વિકલ્પ ટીક કરવાનું પણ ભૂલશો નહીં. આ રીતે તમારા પ્રેઝન્ટેશનની ફાઇલ સાઇઝ ઘણી નાની થઈ શકશે.

