જુદી જુદી કેબ એપમાં, આપણી મુસાફરીની વિગતો સ્વજન સાથે લાઈવ કરવાની સગવડ હોય છે. આ સગવડ હવે ડાઇરેક્ટ ગૂગલ મેપમાં પણ ઉમેરાઈ છે.
વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં વિવિધ શહેરોમાં ઉબર, ઓલા જેવી એપ કેબ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે. આંગળીના ઇશારે આપણા આંગણે ટેકસી પહોંચાડી આપતી આ સર્વિસ ઘણી બધી રીતે સગવડભરી છે પરંતુ હજી પણ મોટા પ્રમાણમાં લોકો અજાણ્યા શહેરમાં આવી સર્વિસનો લાભ લેતા ખચકાય છે. તેમની મુખ્ય ચિંતા હોય છે સલામતી.
એપ કેબના ડ્રાઇવર્સ દ્વારા એકલ દોકલ મુસાફરની કનડગતના કિસ્સાઓ અવારનવાર અખબારોમાં ચમકતા હોવાથી લોકોને આવી સર્વિસ પર, ખાસ કરીને અજાણ્યા શહેરમાં જલદી વિશ્વાસ ન બેસે એ સ્વાભાવિક છે.
આમ તો આવી સર્વિસમાં જ કેટલાક સેફ્ટી ફીચર્સ હોય છે. જેમ કે આવી ટેકસીમાં મુસાફરી શરૂ કર્યા પછી આપણે આપણું લોકેશન અને ટેક્સી-ડ્રાઇવરની વિગતો આપણા કોઈ પરિચિત સાથે શેર કરી શકીએ છીએ. પરંતુ અજાણ્યા શહેરમાં આપણે એકલા હોઇએ ત્યારે આ સુવિધા ખાસ ઉપયોગી રહેતી નથી.
આના ઉપાય તરીકે ગૂગલ મેપ્સ દ્વારા ખાસ ભારત માટે ‘સ્ટે સેફર’ નામનું એક નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે, જે હાલમાં માત્ર એન્ડ્રોઇડ એપ પર ઉપલબ્ધ છે. આ ફીચરને કારણે જો ટેકસીનો ડ્રાઇવર આપણા નિર્ધારિત રૂટને બદલે કોઈ બીજી તરફ ટેકસી લઈ જાય તો ગૂગલ મેપ્સ તરફથી આપણને એલર્ટ મળે છે.
તમે કોઈ અજાણ્યા શહેરમાં, કોઈ ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હો કે પ્રમાણમાં અજાણ્યા લોકો સાથે કારમાં સફર કરી રહ્યા હો, ત્યારે આ ફીચરનો લાભ લેવા માટે…
- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સનું લેટેસ્ટ વર્ઝન હોવાની ખાતરી કરો (એ માટે પ્લે સ્ટોરમાં જઇને ગૂગલ મેપ્સ સર્ચ કરો અને જરૂર હોય તો તેને અપડેટ કરો).
- હવે તમે જ્યારે પણ એપ કેબમાં બેસો ત્યારે કેબમાં જે લોકેશન આપ્યું હોય એ જ લોકેશન ગૂગલ મેપમાં પણ સર્ચ કરો.
- ડિરેકશન પેજ ક્લિક કરતાં એ સ્થળે પહોંચવાનો રૂટ બતાવાશે. તેની સાથોસાથ ‘સ્ટે સેફર’નું બટન પણ જોવા મળશે. તેને ક્લિક કરો
- અહીં આપણને બે વિકલ્પ મળશે. આપણી ટ્રીપ અને તેનો લાઇવ પ્રોગ્રેસ મિત્રો સાથે શેર કરવો અથવા આપણી ટેકસી રૂટ કરતાં ૦.૫ કિલોમીટરથી વધુ બીજી દિશામાં જાય તો એલર્ટ મેળવવો.
- આ વિકલ્પ પસંદ કરતાં ટેકસી બીજી દિશામાં જાય તો આપણને એલર્ટનું નોટિફિકેશન મળે છે અને તેને ક્લિક કરતા ઓરિજિનલ રૂટની સરખામણીમાં આપણે ક્યાં છીએ તે જાણી શકાશે. જેના આધારે આપણે ડ્રાઇવરને ટકોર કરી શકીએ છીએ અથવા સલામતીના અન્ય પગલાં લઇ શકીએ છીએ!

