નેધરલેન્ડસની એક સ્વૈચ્છિક સંસ્થાએ હમણાં એક સ્ફોટક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે વિશ્વની જાણીતી ટેક કંપનીઝ નવી ટેકનોલોજીની મદદથી કેવી રીતે વિશ્વમાં વ્યાપક હિંસાનું જોખમ વધારી રહી છે તેની વિગતો આપી છે. આ રિપોર્ટમાં વિશ્વની ૫૦ ટેક કંપનીની કામગીરી ત્રણ રીતે તપાસવામાં આવી ઃ
- શું કંપની એવી કોઈ ટેકનોલોજી વિકસાવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો જીવલેણ ઉપયોગ કરી શકતી હોય?
- શું કંપની તેને સંબંધિત મિલિટ્રી પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે?
- શું કંપની શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવાનું ટાળી રહી છે?
આ રિપોર્ટ અનુસાર એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ વિશ્વ માટે જોખમરૂપ કિલર રોબો ડેવલપ કરવાના પ્રોજેક્ટ્સમાં સંકળાયેલ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લશ્કરી હેતુ માટે ઉપયોગ કરવા વિશેનાં સંશોધનો સતત વધી રહ્યાં છે અને છેલ્લા થોડા સમયથી તે વિશે મોટો વિવાદ પણ ચાલી રહ્યો છે.
ગયા વર્ષે ગૂગલે આ વિવાદને વધુ હવા આપી હતી. ગૂગલ કંપની અમેરિકન મિલિટરી સંસ્થા પેન્ટાગોન સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, જેમાં ડ્રોનથી લેવાતા વીડિયોમાં ચોક્કસ લોકોને ઓળખવા માટે મશીન લર્નિંગ વિક્સાવવામાં આવે છે. ગૂગલે આ પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રેક્ટ રીન્યુ કરવાનું ટાળ્યું હતું.
પેન્ટાગોન ‘જોઇન્ટ એન્ટરપ્રાઇઝ ડીફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ નામનો એક ક્લાઉડ આધારિત પ્રોજેક્ટ વિક્સાવી રહી છે અને માઇક્રોશોફ્ટ તથા એમેઝોનને આ કોન્ટ્રેક્ટ મેળવવાની આશા છે, જ્યારે ગૂગલે તેમાં ભાગ લેવાનું ટાળ્યું છે.
આ રિપોર્ટ અનુસાર વિવિધ ટેક કંપનીઝ અને મિલિટરી સંસ્થાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એવાં હથિયારો વિકસાવી રહી છે જેની મદદથી ચોક્કસ જાતિ કે વંશના લોકોને ઓળખીને એક સાથે ખતમ કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, આ હથિયારોની તાકાત અણુબોમ્બ જેટલી જ છે, ફક્ત તેમાં ઇમારતોને કોઈ નુક્સાન થતું નથી!
વિવિધ ટેક કંપનીઝના કર્મચારીઓ આવા હેતુઓ માટેના ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં જોડાવા સામે વિરોધ વ્યક્ત કરવા લાગ્યા છે.

