(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જોખમી એપ્સનું વધતું દૂષણ

ખુશી કે માહિતી આપવાને નામે છેતરપિંડી કરતી એપ્સ/સાઇટ્સ વારંવાર પ્લે સ્ટોરમાંથી દૂર કરાય છે, છતાં…


આગળ શું વાંચશો?

  • સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ

  • અવાજની જાસૂસી કરતી એપ્સ

  • સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ

  • આ દૂષણનો ઉપાય શું?

  • ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી ફોટો એપ્સ

તમને સેલ્ફી લેવાનો શોખ છે?સેલ્ફી લઈને મિત્રોમાં શેર કરવાથી સંતોષ થતો નથી? તમે તમારી સેલ્ફીને જરા વધુ ઇન્ટરેસ્ટિંગ ટવીસ્ટ આપવાની ફિરાકમાં રહો છો? અથવા ભારત સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ તમને લાભ મળી શકે કે નહીં એ તમારે જાણવું છે? આધાર કાર્ડ બનાવવા સંબંધી માહિતી તમે મેળવવા ઇચ્છો છો?

આ બધી બાબતોને એક રીતે જુઓ તો એકબીજા સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં આ ત્રણેય બાબતમાં એક સામાન્ય સંબંધ જોવા મળે છે. આ ત્રણેય બાબત અને તેના જેવી બીજી ઘણી એવી બાબતો, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકોને રસ હોય તેનો લાભ લેવા માટે જાતભાતની અનેક વેબસાઇટ્સ અને એપ્સ ફૂટી નીકળે છે.

એ દેખીતું છે કે પ્લેસ્ટોરમાં એપ્સની સંખ્યા લાખોમાં પહોંચી છે પરંતુ એમાંથી ખરેખર ઉપયોગી એપ કઈ એ શોધવું ટેકનોલોજીના જાણકારો માટે પણ બહુ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સરેરાશ લોકો તરકટી એપના સાણસામાં બહુ સહેલાઇથી આવી જાય છે.

મોટા ભાગના લોકો પોતાના ફોનમાં એપ ઇન્સ્ટોલ કરતી વખતે તેના વિશે લગભગ કોઈ જ પ્રકારનું રીસર્ચ કરતા નથી, જે તેમને માટે ખરેખર જોખમી બની શકે છે.

છેલ્લા થોડા સમયમાં આ પ્રકારની બનાવટી એપ્સ કે વેબસાઇટ્સ સામે પગલાં લેવાનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ આવે નહીં ત્યાં સુધી આ પ્રશ્ન ઉકેલાય એવી આશા નકામી છે.

અહીં આપણે આવી કેટલીક જોખમી એપ્સ અને તેનાથી બચવાનાં પગલાં વિશે જાણીએ.

સેલ્ફીને બ્યુટીફૂલ બનાવતી આપતી એપ્સ

તમે પ્લે સ્ટોરમાં કેમેરા એપ્સ કે ફોટો એપ્સ કે બ્યુટી એપ્સ સર્ચ કરો તો ઢગલાબંધ એપ્સની યાદી હાજર થઈ જાય છે.


બેઝિકલી, આ એપ્સ આપણા ફોટોગ્રાફ્સ પર વિવિધ ફિલ્ટર એપ્લાય કરીને, તેને અવનવી ઇફેક્ટ આપે છે. તે ફોટોમાં તમારી સ્કીનને ચમકદાર બનાવી શકે, ખીલ કે તેના ડાઘ દૂર કરી આપે, આંખ નીચેનાં કૂંડાળાં દૂર કરી આપે, વાળના રંગ સાથે આંખનો રંગ પણ મેચ કરી આપે, ચાહો તો સ્માઇલને જરા વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી આપે… એ સિવાય પણ ઘણી બધી રીતે આવી એપ્સ, આપણા બોરિંગ ફોટોને ‘ઇન્સ્ટાગ્રામેબલ’ બનાવી આપે છે.

પણ હમણાં ‘ટ્રેન્ડ માઇક્રો’ નામની એક સાયબર-સિક્યોરિટી કંપનીએ જણાવ્યું કે આવી સંખ્યાબંધ બ્યુટી કેમેરા એપ્સ, આ બધાથી વિશેષ ઘણું બધું કરી શકતી હતી!

તમે જે ફોનમાં બેન્કિંગ એપ્સનો પણ ઉપયોગ કરતા હો, એ ફોનમાં તદ્દન અજાણી એપ્સ ઇન્સ્ટોલ ન કરવી.

જેમ કે, આવી એપ ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે યૂઝર ફોન અનલોક કરે ત્યારે તેમને ફૂલ સ્ક્રીનની જાહેરાતો દેખાવાનું શરૂ થાય. આવી એપે સ્પષ્ટપણે જણાવ્યું હોતું નથી કે તે આ રીતે જાહેરાતો બતાવશે, એટલે યૂઝરને પહેલાં તો કઈ એપને કારણે આવું થાય છે એ સમજાતું નથી.

આવી જાહેરાતો મોટા ભાગે પોર્નોગ્રાફિક કન્ટેન્ટની હોય અથવા કોઈ ને કોઈ પ્રકારની તરકટી વેબસાઇટ તરફ દોરી જતી હોય (જેમ કે ‘તમે આઇ-ફોન જીત્યા છો, મેળવવા માટે અહીં ક્લિક કરો!’) જ્યાં આપણું ઈ-મેઇલ એડ્રેસ કે ફોન નંબર વગેરે વિગતો માગવામાં આવે.

ફોટોગ્રાફનું એડિટિંગ કરી આપવાની સગવડ આપતી કોઈ પણ એપમાં, આપણે આપેલા ફોટોગ્રાફને એ એપના સર્વરમાં પહોંચાડવામાં આવે છે અને પછી, આપણે જણાવેલાં ફિલ્ટર તેના પર લગાવીને એ નવો ફોટો આપણને પરત આપવામાં આવતો હોય છે.

પરંતુ સિક્યોરિટી કંપનીની તપાસમાં, આવી એપ્સ આપણો ફોટોગ્રાફ પોતાના સર્વરમાં પહોંચાડીને પરત આપવાને બદલે, ‘એપ અપડેટ કરવાની જરૂર છે’ એવો મેસેજ આપી દેતી હતી. આવા ફોટોઝનો સોશિયલ મીડિયા પર બનાવટી પ્રોફાઇલ ક્રિએટ કરવામાં ઉપયોગ થઈ શકે છે.

આમ તો એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ‘પ્લે પ્રોટેક્ટ’ નામની એક સુવિધા છે, જેની મદદથી સિસ્ટમ એપ્સ સ્કેન કરીને તે સલામત છે કે નહીં તે તપાસે છે. આવી એપ્સ એવા કીમિયા અજવામાવતી હતી, જેથી ગૂગલ તેનું એનાલિસિસ કરી ન શકે!

આમાંની કેટલીક એપ્સ ઇન્સ્ટોલ થયા પછી પોતાનો આઇકન જ ગાયબ કરી દેતી હતી, જેથી સરેરાશ યૂઝર તેને સહેલાઈથી અનઇન્સ્ટોલ ન કરી શકે. પ્લે સ્ટોરમાં લાખો ડાઉનલોડ્સ પછી, હવે ગૂગલે આવી ૨૯ એપ્સ દૂર કરી છે.

આવી એપ્સથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ જ છે કે ફોનમાં બિનજરૂરી એપ્સ ઇન્સ્ટોલ કરવી નહીં! ખાસ કરીને, તમે જે ફોનમાં બેન્કિંગ એપ્સનો પણ ઉપયોગ કરતા હો, એ ફોનમાં જેનું ક્યારેય, ક્યાંય નામ સાંભળ્યું કે વાંચ્યું ન હોય એવી એપ્સ ઇન્સ્ટોલ ન કરવી.

અવાજની જાસૂસી કરતી એપ્સ

થોડા સમય પહેલાં એવો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે ગૂગલ પ્લે સ્ટોરમાંની સેંકડો ગેમ્સ તથા આઇઓએસ એપ સ્ટોરમાંની અમુક ગેમ્સ પણ, ‘ઓટોમેટેડ કન્ટેન્ટ રેક્ગ્નિશન’ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણી જાસૂસી કરતી હતી.

આ એપ જો આપણે ઇન્સ્ટોલ કરીએ તો તે સતત એક્ટિવ રહે છે અને આપણી આસપાસ ટીવી પર કોઈ મૂવીઝ કે કોઈ ટીવી શો ચાલુ હોય તો તેને ઓળખી લે છે. તમને ખ્યાલ હશે કે ‘શઝામ’ અને એપલ સિરી, ગૂગલ આસિસ્ટન્ટ કે માઇક્રોસોફ્ટ કોર્ટના જેવા વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ કોઈ પણ ગીત સાંભળીને તેને વિશે કેટલીય માહિતી આપણને ઇન્ટરનેટ પરથી તારવી આપે છે.

આપણા ફોનમાં રહેલી પેલી ગેમ્સની એપ તેને જે કંઈ સંભળાય તે કેપ્ચર કરીને એવા એડ નેટવર્કને મોકલે છે, જે અવાજ ઓળખવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

આ સાઉન્ડ બાઇટ્સમાં જે ટીવી શો કે મૂવીઝનો સાઉન્ડ પકડાય તેને આધારે આપણી પસંદ-નાપસંદ નક્કી કરીને, એ મુજબ આપણા એડવર્ટાઇઝિંગ પ્રોફાઇલ તૈયાર થાય છે. મતલબ કે આપણે કોઈ ચોક્કસ ટીવી ચેનલ વારંવાર જોતા હોઈએ અને એ ચેનલ ઇન્ટરનેટ પર જાહેરાત કરતી હોય, તો આપણને, આપણા સર્ફિંગ વખતે એ જ ચેનલની જાહેરાત વારંવાર બતાવવામાં આવે!

જો તમે હમણાં એન્ડ્રોઇડના લેટેસ્ટ પાઇ વર્ઝનવાળો નવો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો હોય કે તમારા ફોનમાં એન્ડ્રોઇડ ૯ વર્ઝનનો અપડેટ મળી ગયો હોય તો તમારા માટે ખુશખબર એ છે કે આ વર્ઝનથી તમારા ફોનમાંની કોઈ પણ એપ જ્યારે સ્ક્રીન પર ચાલુ ન હોય ત્યારે સ્માર્ટફોનના માઇક્રોફોન કે કેમેરાનો ઉપયોગ કરી શકશે નહીં (એટલે જ લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનવાળો કે ઝડપથી નવું વર્ઝન મળે એવો ફોન લેવો હિતાવહ હોય છે).

એન્ડ્રોઇડ ૯થી આવું થવાનું પ્રમાણ ઘટશે અને જો તમારી પાસે એન્ડ્રોઇડનું છઠ્ઠું કે ત્યાર પછીનું વર્ઝન હોય તો તમે એપ્સને આપેલી મંજૂરીઓ તપાસીને રદ પણ કરી શકો છો.

કોઈ એપ તમારી જાણ બહાર તેને સંભળાતા અવાજ કે દેખાતાં દૃશ્યો કેપ્ચર ન કરે તેવું ઇચ્છતા હો તો સ્માર્ટફોનના સેટિંગ્સમાં એપ્સ પરમિશન્સ શોધીને તેમાં તમારા ફોનમાંની કઇ કઈ એપ્સ માઇક્રોફોન અને કેમેરાની એક્સેસ ધરાવે છે તે તપાસી જુઓ.

જે એપમાં દેખીતી રીતે માઇક્રોફોન અને કેમેરાની એક્સેસ જરૂરી હોય (જેમ કે વોટ્સએપ, જો તમે તેમાં વોઇસ મેસેજ અને ફોટો લઇને શેર કરતા હો) તેના સિવાયની બિનજરૂરી એપ્સને આવી એક્સેસની મંજૂરી હોય તો તે રદ કરી દેવી હિતાવહ રહેશે.

સરકારી યોજનાઓ સંબંધિત એપ્સ/વેબસાઇટ્સ

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮માં ‘આયુષ્યમાન ભારત યોજના’ની જાહેરાત કરી એ પછી જોતજોતામાં આખા દેશમાં એક વાત દાવાનળની જેમ ફરી વળી કે આ યોજનાનો દેશના ૧૦ કરોડથી વધુ પરિવારોને લાભ મળશે. જોકે મોટા ભાગની વિશાળ પાયાની યોજનાઓમાં બને છે તેમ આ યોજનાનો લાભ લેવા પોતાનું નામ નોંધાવવું પડે કે કેમ, એ માટેની પ્રક્રિયા શું છે વગેરે બાબતોની અનેક ગૂંચવણો લોકોમાં હતી, જેનો લાભ લેવા માટે સંખ્યાબંધ બનાવટી એપ્સ/વેબસાઇટ્સ શરૂ થઈ ગઈ.

સ્થિતિ એવી આવી કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે આયુષ્યમાન ભારત યોજના વિશે ખોટી માહિતી ફેલાવતી ૬૮ મોબાઇલ એપ્લિકેશન્સ અને ૫૪ વેબસાઇટ્સ સામે એફઆઇઆર દાખલ કરવી પડી.

વર્ષ ૨૦૧૭ના અરસામાં જુદી જુદી અનેક સરકારી-બિનસરકારી યોજનાઓનો લાભ લેવા કે મોબાઇલ સીમકાર્ડ મેળવવા જેવી બાબતો માટે આધારકાર્ડ હોવું અનિવાર્ય હતું ત્યારે પણ આધારકાર્ડ સંબંધિત સેવાઓ આપવાનો દાવો કરતી સંખ્યાબંધ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સ ફૂટી નીકળી હતી.

છેવટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઈ)એ કાયદેસર પગલાં લઇને આવી સાઇટ્સ બંધ કરાવી હતી અને બનાવટી એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરાવી હતી.

આ જ પ્રકારે ભીમ એપ, નવું ઘર ખરીદવામાં સબસિડી આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના કે સરકારી નોકરી અપાવતી યોજનાઓ કે પછી મોબાઇલ કંપની રિલાયન્સ જિઓની મોબાઇલ સંબંધિત કે ફાઇબર કેબલ દ્વારા ડેટા સર્વિસ સંબંધી ‘જાણકારી’ આપવાનો દાવો કરતી કેટલીયે વેબસાઇટ્સ કે મોબાઇલ એપ્સની પ્લે સ્ટોરમાં ભીડ છે.

આ દૂષણનો ઉપાય શું?

તરકટી કે બનાવટી એપ્સ અને વેબસાઇટ વિશે લોકોમાં જાગૃતિ એ જ સૌથી અસરકારક ઉપાય છે. માત્ર કાયદાથી આ સમસ્યા ઉકલે એવી શક્યતા ઓછી છે. મુશ્કેલી એ છે કે પ્લે સ્ટોરમાંથી કોઈ એક એપ દૂર કરવામાં આવે તો તરત તેના જેવું જ નામ અને કામ કરતી બીજી એપ્સ બિલાડીના ટોપજેમ ફૂટી નીકળે છે.

જેમ કે પેલી સિક્યોરિટી કંપનીના અહેવાલ પછી પછી ગૂગલે ફોટો પર ફિલ્ટર એપ્લાય કરતી જે એપ્સ પ્લે સ્ટોરમાંથી દૂર કરી તેમાંની એક Pro Camera Beauty નામની એપ પણ હતી. હવે આ નામની એપ સર્ચ કરો તો એ નથી મળતી, પણ Beauty Pro Camera નામની એપ મળી આવે છે!

આ એપ પાંચ હજારથી વધુ વાર ડાઉનલોડ થઈ હોવાનું બતાવવામાં આવે છે, પણ તેનો રીવ્યૂ એક જ વ્યક્તિએ આપ્યો છે અને એ કહે છે કે આ  ‘ફેક એપ’ છે.

એ પણ ખાસ નોંધવા જેવું છે કે આવી બધી જ એપ્સ કે વેબસાઇટ્સ આપણી માહિતી ચોરવાના હેતુથી જ બની હોય છે એવું નથી. ફોટોગ્રાફ પર વિવિધ ફિલ્ટર્સ એપ્લાય કરતી એપ્સના કિસ્સામાં બહાર આવ્યું તેમ તેમાં દેખીતી રીતે આપણી માહિતી ચોરવાનો હેતુ હતો. પરંતુ સરકારી યોજનાઓની માહિતી કે તેને સંબંધિત સેવાઓ આપવાનો દાવો કરતી સાઇટ્સ કે એપ્સના કિસ્સામાં મોટા ભાગે ગૂગલની જાહેરાતને આધારે કમાણી કરવાનો હેતુ હોય છે.

વેબસાઇટ્સ બનાવવી હવે બહુ સરળ છે. વેબસાઇટને આધારે, ખાસ વિશેષ સુવિધાઓ વિનાની મોબાઇલ એપ્સ બનાવવી પણ બહુ સરળ છે. આ બધું હવે બહુ નજીવા ખર્ચે તૈયાર થઈ શકે છે. બીજી તરફ ગૂગલનું એડ નેટવર્ક (એવાં અન્ય ઘણાં નેટવર્ક પણ છે) હવે હિન્દી ભાષામાંની સાઇટ કે બ્લોગ પર પણ જાહેરાત દર્શાવવાની સુવિધા આપે છે.

ત્રીજી તરફ બહુ મોટા પ્રમાણમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ વિશે લોકો એટલા જ વ્યાપક પ્રમાણમાં સર્ચ કરતા હોવાથી આવી સાઇટ્સને ટ્રાફિક પણ પૂરતો મળી રહે છે.

લોકો પોતે વિવિધ સાઇટ્સનો ઉપયોગ કરતાં પહેલાં કે એપ ડાઉનલોડ કરતાં પહેલાં એ ખરેખર સત્તાવાર કે વિશ્વસનીય છે કે નહીં એ તપાસતાં શીખે એ બહુ જરૂરી છે. જેમ કે કોઈ પણ સરકારી યોજના વિશે માહિતી મેળવવી હોય તો જે તે ખાતાની સત્તાવાર વેબસાઇટ્સ સિવાય કોઈ વેબસાઇટ્સને વિશ્વસનીય માની શકાય નહીં.

સત્તાવાર વેબસાઇટ્સ તપાસવાનો એક સૌથી સહેલો રસ્તો એ છે કે તેના યુઆરએલમાં છેલ્લે gov.in  લખેલું હોય છે અને કોઈ પણ સરકારી વેબસાઇટ પર ક્યારેય ગૂગલ કે અન્ય કોઈ નેટવર્કની જાહેરાત હોતી નથી.

આવી યોજનાઓ વિશેની કોઈ પણ એપ ડાઉનલોડ કરવાને બદલે જે તે વિભાગની સતાવાર વેબસાઇટ્સ તપાસી લેવી એ જ સૌથી સલામત રસ્તો છે.

ટૂંકી વાત એટલી કે ફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરતી વખતે કે વેબસાઇટ જોતી વખતે, કોમન સેન્સનો ઉપયોગ કરીએ!

ગૂગલે પ્લે સ્ટોરમાંથી દૂર કરેલી ફોટો એપ્સ

  1. Pro Camera Beauty
  2. Cartoon Art Photo
  3. Emoji Camera
  4. Artistic effect Filter
  5. Art Editor
  6. Beauty Camera
  7. Selfie Camera Pro
  8. Horizon Beauty Camera
  9. Super Camera
  10.  Art Effects for Photo
  11. Awesome Cartoon Art
  12. Art Filter Photo
  13. Art Filter Photo Effcts
  14. Cartoon Effect
  15. Art Effect
  16. Photo Editor
  17. Wallpapers HD
  18. Magic Art Filter Photo Editor
  19. Fill Art Photo Editor
  20. ArtFlipPhotoEditing
  21. Art Filter
  22. Cartoon Art Photo
  23. Prizma Photo Effect
  24. Cartoon Art Photo Filter
  25. Art Filter Photo Editor
  26. Pixture
  27. Art Effect
  28. Photo Art Effect
  29. Cartoon Photo Filter

(Source: www.indiatoday.in)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!