મારો કમ્પ્યુટરનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે અને લગભગ બધું જ સર્ફિંગ હવે સ્માર્ટફોન પર જ થાય છે. ફોન રાતદિવસ હાથમાં રહેતો હોવા છતાં, તેમાંની ઘણી બાબતો અજાણી હોય છે અને જાતે એને જાણવા-સમજવાનો સમય હોતો નથી. ‘સાયબરસફર’માંથી ઘણી જાણકારી મળી જાય છે. અભિનંદન!
– ધીરેન્દ્ર ભટ્ટ, મુંબઈ
‘સાયબરસફર’માં આજના સમયને અનુરૂપ લેખો હોય છે. પરંતુ ડિજિટલ માર્કેટિંગને લગતી માહિતી પણ ઉમેરો તો વધુ સારું. ગૂગલ એડ નેટવર્કમાં કેવી રીતે એડ આપી શકાય, સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવાની રીતો વગેરે પર પણ લખો તો, લેખોની એક આખી સીરિઝ થઈ શકશે અને નાના પાયે બિઝનેસ કરતા, પણ નવા સમયની ટેક્નોલોજીથી ઓછા માહિતગાર લોકોને બહુ ઉપયોગી થશે.
– પરેશ જોશી, ધોરાજી
‘સાયબરસફર’માં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વિશેના લેખો ઘણા હોય છે અને તેની સરખામણીમાં કમ્પ્યુટર વિશેના લેખ ઓછા હોય છે. ખાસ કરીને વિન્ડોઝ, વર્ડ, એક્સેલ વગેરેની માહિતી વધુ આપો. કમ્પ્યુટરનો ઉપયોગ હજી થાય જ છે અને એની જાણકારીનો અભાવ નડે છે.
– નરેશ સાપરિયા, અમરેલી
હું ‘સાયબરસફર’ સાથે લાંબા સમયથી સંકળાયેલો છું. છેલ્લા લગભગ એકાદ વર્ષથી લાંબા લેખોની સાથે સાથે ટૂંકી પણ મુદ્દાસર માહિતી આપતા લેખોનું સરસ સંતુલન સધાતું હોય એવું લાગે છે. લોકોનું વાંચન ઓછું થયું છે એવું ભલે કહેવાતું હોય, લાંબા લેખો ઓછા ન કરતા.
– કલ્પેશ પ્રજાપતિ, વીસનગર
આપણી ભાષાનું ખરેખર અનોખું મેગેઝિન એટલે ‘સાયબરસફર’. ટેક્નોલોજીના વિષય પર આટલું વિસ્તૃત છતાં સરળ અને એ પણ આપણી ભાષામાં, વાંચન ભાગ્યે જ ક્યાંય મળે.
બસ, આ મેગેઝિન ટકાવી રાખજો!
– હિમાંશુ વ્યાસ, રાજકોટ
બારમા ધોરણ પછી આઇટીના અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા લેખોનું પ્રમાણ વધારશો.
– કિશોર પટેલ, મહેસાણા

