તરકટી ઈ-મેઇલ મોકલીને આપણને સકંજામાં લેવાની રીત જૂની છે, પણ તેમાં નવી નવી તરકીબો ઉમેરાઈ રહી છે. એક ઓનલાઇન ક્વિઝનો લાભ લઈને તમે આ બાબતની તમારી સમજ કેટલી ધારદાર છે તે તપાસી શકો છો.
આગળ શું વાંચશો?
- ફિશિંગ સમજાવતી ક્વિઝ
- જોખમી યુઆરએલ કેવી રીતે પારખશો?
- તરકટી ઈ-મેઇલ્સ પારખવામાં તમે કેટલા સ્માર્ટ પુરવાર થયા? જાણો દરેક મેઇલમાં ક્યાં, શું ગરબડ હતી?
આપણે સૌ રોજબરોજ ઈ-મેઇલનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આપણે ઉપયોગી ઈ-મેઇલ્સ ઉપરાંત એવા પણ કેટલાક ઈ-મેઇલ્સ ઇનબોક્સ સુધી પહોંચી જાય છે, જેનો ઇરાદો જુદા જુદા એકાઉન્ટના આપણા પાસવર્ડ ચોરવાનો કે આપણા ડિવાઇસમાં માલવેર ઘૂસાડવાનો હોય છે. ઈ-મેઇલની જેમ, સોશિયલ મીડિયા પર આવેલી લિંક પણ જોખમી હોઈ શકે છે.
તમે જો એમ માનતા હો કે તમે આવા તરકટી ઈ-મેઇલ સહેલાઇથી ઓળખી શકો છો તો કદાચ તમે ભૂલ કરો છો. નિષ્ણાતો કહે છે કે ઈ-મેઇલ ફિશિંગ સાયબર હુમલાનો સૌથી સામાન્ય પ્રકાર છે. રોજે રોજ લાખો લોકો ઈ-મેઇલ ફિશિંગનો ભોગ બને છે.
અગાઉ આવા મેઇલ્સ પારખવા સહેલા હતા – નબળું ફોર્મેટિંગ, લખાણમાં પાર વગરની ભૂલો, નબળી ઇમેજિસ વગેરેને કારણે ઈ-મેઇલ્સ બનાવટી હોવાનું પરખાઈ આવતું પરંતુ હવે આખી વાત વધુ ને વધુ સોફેસ્ટિકેટેડ બની રહી છે. તમામ મહત્ત્વની ઈ-મેઇલ સર્વિસિસ આપણને બનાવટી ઈ-મેઇલ્સથી બચાવવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેમ છતાં તમારો પણ અનુભવ હશે કે કોઈને કોઈ રીતે આવા ફિલ્ટર્સની નજર ચૂકાવીને બનાવટી ઈ-મેઇલ્સ આપણી નજર સુધી પહોંચી જાય છે. ઘણી વાર એવું પણ બને છે કે હેકર્સ આપણી કોઈ નજીકની વ્યક્તિએ જ મેઇલ મોકલ્યો હોય એવી માયાજાળ રચીને આપણને બનાવટી મેઇલ મોકલે છે.
ફિશિંગ સમજાવતી ક્વિઝ
આ બધું ધ્યાનમાં રાખીને ‘જિગ્સો’ નામની ગૂગલની એક સહયોગી કંપનીએ દુનિયાભરના દસ હજારથી વધુ પત્રકારો અને અન્ય અગ્રણી લોકો સાથે યોજેલી સાયબર સેફ્ટી વિશેની તાલીમના આધારે એક ઓનલાઇન ક્વિઝ તૈયાર કરી છે.
પર પહોંચીને આ ક્વિઝનો લાભ લઈ શકો છો. અહીં તેના દરેક તબક્કાની સમજ આપી છે. તમે જોશો તેમ તરકટી ઇમેલ્સને ઓળખવા એ આપણે ધારીએ છીએ એટલું સહેલું નથી.
‘ટેઇક ધ ક્વિઝ’ બટન પર ક્લિક કરતાં આપણને એક નામ અને ઈ-મેઇલ એડ્રેસ પસંદ કરવાનું કહેવામાં આવશે. એ સાથે જ કહેવામાં આવશે કે આપણે આ બંને બાબત અસલી આપવાની કોઈ જરૂર નથી, તેમજ આપણે જે નામ અને ઈ-મેઇલ એડ્રેસ આપતું તે આપણા ડિવાઇસની બહાર જશે નહીં.
આગળ આપેલી ક્વિઝના પ્રશ્નો વાંચતા જાઓ અને મોબાઇલમાં દરેક પ્રશ્ન/ઈ-મેઇલને બરાબર જોઈ, લિંક્સ તપાસીને નક્કી કરો કે એ મેઇલ સાચો હશે કે પછી બનાવટી?
ધારો કે આપણે CyberSafar નામ પસંદ કર્યું અને trial@gmail.com ઈ-મેઇલ એડ્રેસ આપ્યું. ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરતાં આપણને, આપણા ઇનબોક્સમાં આવ્યા હોય એવી રીતે વારાફરતી આઠ ઈ-મેઇલ બતાવવામાં આવશે. આપણે એ ઈ-મેઇલનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને કહેવાનું રહેશે કે આ ઈ-મેઇલ ફિશિંગનો પ્રયાસ છે કે પછી ‘લેજિટિમેટ’ એટલે કે યોગ્ય છે, જોખમી નથી. આપણો જવાબ આપવા માટે ઉપરની તરફ બે બટન આપેલાં છે.
ક્વિઝનો આશય આપણને હરાવવાને બદલે જાણકારી આપવાનો આશય વધુ છે. દરેક પ્રશ્નની શરૂઆતમાં ઈ-મેઇલમાં આપણે કઈ બાબત પર ધ્યાન આપવા જેવું છે એ પણ કહેવામાં આવશે. સાથે એવી પણ ધરપત આપવામાં આવે છે કે ઈ-મેઇલમાં આપેલી કોઈ લિંક ખરેખર કામ કરતી નથી તેથી તેના પર ક્લિક કરવાથી કોઈ જોખમી વેબપેજ પર પહોંચી જઇએ તેવું બનશે નહીં!
તો આગળ વધો અને તમારું નોલેજ તપાસી જુઓ – ઓલ ધ બેસ્ટ!
નીચેની લિંક ક્લિક કરીને સીધા ક્વિઝની સાઇટ પર પહોંચો અથવા નીચે આપેલા સ્ક્રીનશોટ્સ તપાસતા જાઓ.
લેખમાં આગળ, ક્યા મેઇલમાં કેવી ગરબડ છે તેની સમજ વાંચવાનું ભૂલશો નહીં.
https://phishingquiz.withgoogle.com/
૧ તમને ગૂગલ ડોકમાંથી કોઈ ઈ-મેઇલ આવ્યો છે…
તમારા પર આવેલો આ મેઇલ ધ્યાનથી જુઓ. તમારા કોઈ મિત્રે ગૂગલ ડોકમાંનું કોઈ ડોક્યુમેન્ટ તમારી સાથે શેર કર્યંુ છે. તમને શું લાગે છે? આ મેઇલ સાચો હશે કે બનાવટી? એક ઇશારો – મેઇલમાંની લિંક જરા વાર પ્રેસ કરીને તેની લિંક તપાસી શકો છો.
૨ તમને કોઈએ ફેક્સ મોકલ્યો હોવાનો ઈ-મેઇલ…
ફેક્સનો ઉપયોગ બહુ ઘટી ગયો છે, છતાં માની લો કે આવો કોઈ મેઇલ તમારા પર આવ્યો. તેમાંનું બધું જ, સેન્ડરનું નામ, એડ્રેસ, લિંક્સ વગેરે તપાસીને તમે કહો કે આ મેઇલ સાચો હશે કે બનાવટી? તમે ચિંતા વિના લિંક ક્લિક કરી શકો છો
3 કોઈ જૂના પરિચિતે ફોટોગ્રાફ શેર કર્યો…
સ્કૂલ કે કોલેજમાં આપણા કોઈને કોઈ મિત્ર એવા હોય, જેને લોકો ટૂંકમાં ‘કેડી’ કે ‘ડીજી’ જેવા નામે ઓળખતા હોય.
આવા કોઈ, તમારા જાણીતા ‘ટીકે’ તરફથી તમને આ મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે ‘આ ફોટો યાદ છે?’ સાથે એ ફોટોની લિંક પણ છે.
માની લો કે કોઈ ‘ટીકે’ ખરેખર તમારો દોસ્ત હતો. એનો મેઇલ જોઈને તમને એણે કયો ફોટો મોકલ્યો છે એ જોવાની ચટપટી થઈ ગઈ? બધું તપાસીને કહો કે મેઇલ સાચો હશે કે બનાવટી?
૪ ડ્રોપબોક્સમાં તમારી સ્ટોરેજ પૂરી થવા આવી છે…
આવો મેઇલ આપણને છેતરવાની જૂની ટ્રિક છે એ તમે જાણો છો. આ મેઇલમાંની બધી વિગતો બરાબર ધ્યાનથી જુઓ. તેમાંની લિંક પણ જરા પ્રેસ કરીને ચેક કરી જુઓ. આ પણ એ જ પ્રકારની છેતરપિંડી છે કે પછી આ ખરેખર ડ્રોપબોક્સનો મેઇલ હોઈ શકે?
૫ સ્કૂલમાંથી એક નવો રિપોર્ટ તમને મોકલાયો છે…
સ્કૂલમાંથી તમને સામાન્ય રીતે કયા મેઇલ આઇડી પરથી મેઇલ આવે છે તે આ પેજ પર ઉપર લખ્યું જ છે. મેઇલમાં કોઈ લિંક પણ નથી. ફક્ત એટેચમેન્ટ છે અને એ તો પીડીએફ ફાઇલ છે. શું લાગે છે, મેઇલ બનાવટી હશે કે પછી સાચો?
૬ ગૂગલે તમને ચેતવ્યા છે, પાસવર્ડ બદલી નાખો…
ગૂગલ તરફથી મેઇલ આવ્યો છે – કોઈએ તમારો પાસવર્ડ ચોર્યો લાગે છે, ગૂગલે ચોરને તમારું એકાઉન્ટ એક્સેસ કરવા દીધું નથી, પણ તરત પાસવર્ડ બદલી નાખવા સૂચવ્યું છે. તમને આ મેઇલ બનાવટી હોવાની શંકા છે, પણ પુરાવા શા છે?
૭ ફરી ગૂગલે તમને ચેતવ્યા, એકાઉન્ટ જોખમમાં છે…
ફરી ગૂગલ તરફથી મેઇલ આવ્યો! કોઈ તમારો પાસવર્ડ ચોરવા મથી રહ્યું છે. મેઇલમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કદાચ ‘ફોલ્સ એલાર્મ’ પણ હોય, પણ તમે પાસવર્ડ બદલી નાખો તો સારું એમ કહીને પાસવર્ડ બદલવાની લિંક આપી છે. આ મેઇલ સાચો હશે કે ખોટો?
૮ તમારી જાણીતી સર્વિસ મેઇલ એક્સેસ માગે છે…
ટ્રાવેલ પ્લાનિંગ કરી આપતી કોઈ સર્વિસમાં તમે ખાતું ખોલાવ્યું છે અને આ સર્વિસ તમારા જીમેઇલ સાથે કનેક્ટ થવા ઇચ્છે છે. દેખીતી રીતે તો, મેઇલમાં બધું બરાબર લાગે છે, તમે આ રિક્વેસ્ટ કેન્સલ કરશો કે પછી ‘એલાઉ’ બટન પર ક્લિક કરી દેશો?
જોખમી યુઆરએલ કેવી રીતે પારખશો?
જો તમે આગળના પેજીસ પર આપેલી ઇમેઇલમાં ફિશિંગની ટ્રિક્સ સમજાવતી ક્વિઝમાં ગંભીરતાથી ભાગ લીધો હશે તો લગભગ તમને સમજાઈ ગયું હશે કે ઇન્ટરનેટ પર મોટા ભાગની છેતરપિંડીનો એક જ રસ્તો છે – વેબસાઇટ્સ કે વેબપેજિસના એડ્રેસ એટલે કે યુઆરએલમાં કંઈક ઘાલમેલ કરવી.
સરેરાશ લોકો માટે યુઆરએલના જુદા જુદા ભાગ સમજવા ઘણા મુશ્કેલ હોય છે અને છેતરપિંડી કરનારા લોકો તેનો જ લાભ ઉઠાવે છે. અહીં આપણે કોઈ યુઆરએલ આપણને કહેવામાં આવી છે એ જ વેબસાઇટ પર લઇ જાય છે કે પછી કોઈ ભળતી જ વેબસાઇટ પર એ કેવી રીતે જાણી શકાય એ સમજીએ.
- આપણે કોઈ પણ વેબપેજની મુલાકાત લઇએ ત્યારે સ્ક્રીન પર જે કંઈ દેખાય છે એ બધું એ વેબસાઇટ જ્યાં સ્ટોર થઈ હોય તે સર્વર પરથી આવે છે.
- યુઆરએલ એટલે કે યુનિવર્સલ રિસોર્સ લોકેટર આપણા વેબ બ્રાઉઝરને આપણે જે પેજ જોવું છે તેનું સર્વર પરનું સરનામું બતાવે છે.
- જેમ કે તમે ‘સાયબરસફર’નો કોઈ લેખ વાંચી રહ્યા હો ત્યારે બ્રાઉઝરના એડ્રેસબારમાં ઉપર બતાવ્યું છે તેવું યુઆરએલ જોવા મળે છે.
- યુઆરએલ એડ્રેસની શરૂઆત પ્રોટોકોલ તરીકે ઓળખાતા એક ભાગથી થાય છે. પ્રોટોકોલને કારણે બ્રાઉઝરને ખબર પડે છે કે કયા પ્રકારની માહિતી દર્શાવવામાં આવી રહી છે.
- અહીં ફક્ત http લખ્યું હોય તો એ દર્શાવે છે કે આ એક વેબપેજ છે. જ્યારે https લખ્યું હોય તો તે દર્શાવે છે કે આ એક સલામત વેબપેજ છે.
- સામાન્ય રીતે આપણે વેબસાઇટના નામની આગળ www લખીએ છીએ, જે, જે તે વેબ એડ્રેસ પર પહોંચવા માટે અનિવાર્ય હોતું નથી, પરંતુ કેટલીક વેબસાઇટ્સ સબડોમેઇન તરીકે તેનો ઉપયોગ કરે છે.
- સબડોમેઇનનો ઉપયોગ વેબસાઇટનો કોઈ ચોક્કસ અલગ ભાગ દર્શાવવા માટે થઇ શકે છે. જેમ કે ‘સાયબરસફર’ પર લવાજમની માહિતી અને ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થાવાળો ભાગ જો અલગ સબડોમેઇન પર, ઓનલાઇન સ્ટોર તરીકે મૂકવામાં આવ્યો હોય તો તેનું એડ્રેસ આ મુજબનું હોઈ શકે છેઃ store.duplics.cybersafar.in
- કોઈ કંપની પોતાની સર્વિસને લગતા સપોર્ટ ડોક્યુમેન્ટ્સ આવા અલગ સબડોમેઇન પર રાખતી હોય તો તેનું એડ્રેસ આ મુજબનું હોય શકે છેઃ support.duplics.cybersafar.in
- સબડોમેઈન્સ સરેરાશ લોકોને ગૂંચવી શકે તેમ હોવાથી સાયબર ક્રિમિનલ્સ અહીં જ ગરબડ કરે છે. તેઓ પોતાની સાઇટની આગળ જાણીતી વેબસાઇટ્સનાં નામ ઉમેરીને લોકોને ગેરમાર્ગે દોરે છે.
- જેમ કે google.com એ ગૂગલનું પોતાનું મેઇન ડોમેઇન છે અને તે અન્ય કોઈ કંપનીને મળી શકે નહીં. પરંતુ સાયબર ક્રિમિનલ્સ પોતાના ડોમેઇનની આગળ google.com ઉમેરી શકે છે. એટલે સરેરાશ લોકો ડોમેઇનની શરૂઆતમાં google.com વાંચીને તે વેબપેજ ગૂગલનું જ હોવાનું માની બેસે છે.
- હેકર્સ ડોમેઇનમાં જુદી જુદી રીતે ઘાલમેલ કરી શકે છે. તેઓ drive.google.com ને બદલે drive–google.com એવું યુઆરએલ બનાવીને આપણને છેતરી શકે છે.
- .com, .org, .co., .co.in, .edu વગેરે ટોપ લેવલ ડોમેઇન કહેવાય છે. આગળ કહ્યું તેમ ટોપ લેવલ ડોમેઇનની આગળ સબડોમેઇન ઉમેરી શકાય છે. ટોપ લેવલ ડોમેઇનના અંતે ફોરવર્ડ સ્લેશ (/) ની મદદથી વેબસાઇટના મૂળ ફોલ્ડરમાંના જુદા જુદા ફોલ્ડર દર્શાવવામાં આવે છે.
- આપણે કોઈ લિંક પર ક્લિક કરીને અસલી વેબસાઇટ પર જઇ રહ્યા છીએ કે નહીં તે તપાસવા માટે યુઆરએલમાંના સૌથી પહેલા ફોરવર્ડ સ્લેશ પહેલાંનું ટોપ લેવલ ડોમેઇન તપાસવું સૌથી જરૂરી છે.
તરકટી ઈ-મેઇલ્સ પારખવામાં તમે કેટલા સ્માર્ટ પુરવાર થયા? જાણો દરેક મેઇલમાં ક્યાં, શું ગરબડ હતી?
૧ મેઇલમાં આપેલું ગૂગલ ડોકનું એડ્રેસ ખોટું છે!
તમે ડોક્યુમેન્ટની લિંક કે ‘ઓપન ઇન ડોક્સ’ બટનની લિંક બરાબર ધ્યાનથી જોઈ હશે તો સમજાયું હશે કે તેમાં drive.google.com ને બદલે drive–google.com એડ્રેસ આપેલું છે, આપણને કોઈ ખોટા પેજ પર લઈ જવાનું તરકટ છે!
મેઇલમાંની કોઈ પણ લિંક આ રીતે ધ્યાનથી તપાસ્યા વિના, તેને ક્લિક કરવામાં જોખમ છે!
૨ જાણીતી કંપનીના નામ-લોગોનો ખોટો ઉપયોગ
કંપનીનું નામ eFax છે, પણ જો તમે મેઇલ મોકલનારનું નામ તપાસો તો તેમાં efacks લખેલું જોવા મળે છે. ફેક્સ ઓનલાઇન વાંચવા માટેની લિંકમાં પણ કંપનીના નામ પાછળના શબ્દો તપાસો. તેને કારણે આ પેજનું અસલી ડોમેઇન જુદું જ હોવાનું સ્પષ્ટ થાય છે.
જાણીતી કંપનીના સ્પેલિંગમાં જરા અમથો ફેરફાર કરીને આપણને છેતરવાની ટ્રિક બહુ જૂની છે, એમાં ફસાશો નહીં!
૩ ફરી, અહીં પણ આપેલું યુઆરએલ બનાવટી છે!
જૂની યાદ તાજી કરતા ફોટોઝ જોવાનું કોઈને પણ ગમે, પણ ઇન્ટરનેટ પર એવી જિજ્ઞાસા જોખમી બની શકે છે. આ કિસ્સામાં, ફોટો મોકલનારનું આખું નામ ન હોય ત્યારથી જ શંકા જાગવી જોઈએ. ફોટોની લિંક ચેક કરતાં અહીં પણ અસલી યુઆરએલ ગૂગલનું ન હોવાનું દેખાઈ આવે છે.
પીસીમાં મોબાઇલમાં આવેલી લિંક્ડ ટેક્સ્ટ કે બટનને સીધું ક્લિક કરવાને બદલે, ફક્ત માઉસ હોવર કરીને કે આંગળી જરા લાંબો સમય પ્રેસ કરવાથી તેની આખી લિંક જોવા મળે છે. તે અચૂક તપાસવી જોઈએ.
૪ આ મેઇલ ખરેખર ડ્રોપબોક્સ તરફથી છે!
અહીં ભૂલ થવાની પૂરી શક્યતા છે, પણ આ સાચો મેઇલ છે! બ્રાઉઝરમાં dropboxmail.com સર્ચ કરતાં એ અસલી હોવાનું સાબિત થશે. એકાઉન્ટ અપગ્રેડ કરવાની લિંક પણ ખરેખર dropbox.com પર લઈ જાય છે.
સામાન્ય રીતે, આવી જાણીતી સર્વિસ તરફથી જ આવ્યા હોય તેવી ડિઝાઇનવાળા, પણ બનાવટી મેઇલનું દૂષણ સતત વધતું જાય છે. આપણી સાવધાની જ આવા મેઇલ્સથી બચાવી શકે છે.
કોઈ પણ જાણીતી સર્વિસ તરફથી સ્ટોરેજ ફૂલ હોવા જેવો કોઈ દાવો કરતો મેઇલ મળે, તો ઈ-મેઇલમાંથી તેને તપાસવા જવાને બદલે, બ્રાઉઝરમાં અલગ ટેબમાં એ સર્વિસમાં લોગ-ઇન થઈ, એ દાવો તપાસી જોવો જોઈએ.
૫ આ પીડીએફનું એટેચમેન્ટ જોખમી છે!
આવા મેઇલ્સ પણ આપણને સહેલાઈથી ભરમાવી શકે છે. આપણને કોઈ જાણીતી વ્યક્તિ તરફથી અવારનવાર મેઇલ્સ આવતા હોય અને તેમાં ક્યારેક એટેચમેન્ટમાં પીડીએફ ફાઇલ્સ પણ સામેલ હોય તો, ક્યારેક આવો મેઇલ આવતાં આપણે તેને ડાઉનલોડ માટે ક્લિક કરવાની ભૂલ કરી બેસીએ.
આ મેઇલ બતાવતી વખતે આપણને કહ્યું હતું કે સામાન્ય રીતે ટીચરના કયા આઇડી પરથી ઈ-મેઇલ આવે છે. અહીં એ આઇડીમાં જરા અમથો ફેરફાર છે.
પીડીએફ ફાઇલમાં માલવેર-વાઇરસ હોઈ શકે છે. અજાણી વ્યક્તિની પીડીએફ ફાઇલ ઓપન કરવામાં જોખમ છે.
૬ આ ગૂગલને નામે થતી બનાવટ છે!
ડ્રોપબોક્સની જેમ, ગૂગલ કે તેના જેવી કોઈ પણ અન્ય સર્વિસ તરફથી આપણને આવા મેઇલ્સ આવી શકે છે. વાત આપણા જીમેઇલ એકાઉન્ટની હોય, અંદર આપેલી માહિતી બધી રીતે બરાબર લાગતી હોય એટલે સ્વાભાવિક રીતે આપણને લાગે કે ખરેખર ગૂગલે આપણને ચેતવ્યા છે, પણ દરેક વખતે એવું ન પણ હોય! અહીં no-reply@google.support એ બનાવટી એડ્રેસ છે અને પાસવર્ડ બદલવાની લિંક પણ ખોટી છે.
જીમેઇલ જેવી કોઈ પણ સર્વિસમાંથી પાસવર્ડ બદલવાની કે તેના જેવી, અન્ય કોઈ એક્શન લેવાની લિંક આપેલી હોય તો, સાવચેતીના પગલા રૂપે પાસવર્ડ બદલવો જોઈએ, પણ ઈ-મેઇલમાંથી તે પેજ પર જવાને બદલે, બ્રાઉઝરમાં નવી ટેબમાં જ એ કામ કરવું વધુ સલામત છે.
૭ ફરી, બનાવટી યુઆરએલની ટ્રિક!
ફરી આગલા મેઇલ જેવી જ બનાવટ! ઈ-મેઇલ મોકલનાર તરીકે no-reply@google.support લખેલું છે, પરંતુ ગૂગલ કંપની આવા ડોમેઇનનો ઉપયોગ કરતી નથી. પાસવર્ડ બદલવા માટેની લિંક ધ્યાનથી તપાસીએ તો તેમાં પણ છેવટે tinyurl.com લખેલું જોવા મળે છે, મતલબ કે આ લિંક ગૂગલના પેજ પર જતી નથી.
મેઇલમાં થતી બનાવટમાં આખરે બધી રમત યુઆરએલ ફરતે હોય છે. તેને બરાબર ધ્યાનથી તપાસવું જરૂરી છે. યુઆરએલ ગમે તેટલું લાંબું હોય, તેમાં સૌથી પહેલા ‘/’ પહેલાં જે લખેલું હોય એ જ તેનું સાચું ડોમેઇન નેમ હોય છે.
૮ મેઇલ સાચો, છતાં સાવધાની જરૂરી!
આ મેઇલ સાચો છે, ગૂગલ તરફથી જ આવેલો છે, છતાં પૂરતું ધ્યાન આપવા જેવો છે! આપણે કોઈ એપને આપણા જીમેઇલ એકાઉન્ટની એક્સેસ આપીએ એ હવે સામાન્ય છે, એમ કરતાં ગૂગલ તરફથી આપણી મંજૂરીની ખાતરી માટે આવો મેઇલ આવે છે.
આપણા એકાઉન્ટમાં થર્ડ પાર્ટીને એક્સેસ આપતાં, તેની ખરાઈ કરતા મેઇલમાં તે થર્ડ પાર્ટીની લિંક હોય છે તથા તે આપણા મેઇલ એકાઉન્ટમાં શું કરી શકશે તે સ્પષ્ટપણે જણાવેલું હોય છે. તે બરાબર વાંચી-સમજીને જ મંજૂરી આપવી!
આ ક્વિઝ ખરેખર તો આપણને ઈ-મેઇલ દ્વારા છેતરપિંડીની કેટલીક જૂની કે નવી ટ્રિક્સ સમજાવવા માટે જ ડિઝાઇન થયેલી છે, એટલે તમે લગભગ બધા ઈ-મેઇલ બનાવટી હોવાનુું કહી દો તો પણ સારા માર્કે પાસ થઈ જાવ, પણ દરેક બનાવટી ઈ-મેઇલ કઈ કઈ રીતે જોખમી છે તેનાં કારણ સમજીએ એ બહુ અગત્યનું છે.
વાત ઈ-મેઇલની હોય કે વોટ્સએપની, તેમાં આવતી લિંક્સમાં જ બનાવટ કરીને આપણને જોખમી પેજીસ તરફ દોરી જવામાં આવતા હોય છે. એક વાર આવી બનાવટ કઈ કઈ રીતે થાય છે તે સમજાઈ જાય તો આપણે પોતે ભરમાઈશું નહીં અને એવી લિંક્સ ફોરવર્ડ કરીને આપણા મિત્રો-સ્વજનોને કોઈ જોખમી પેજ તરફ દોરીશું પણ નહીં!
ઇન્ટરનેટ પર સતર્કતામાં જ સલામતી સમાયેલી છે.

