મશીન લર્નિંગથી કેવા ચમત્કાર સર્જાઈ શકે છે એના ઘણાં ઉદાહરણ આપણી સામે આવવા લાગ્યાં છે. આવું વધુ એક ઉદાહરણ ટૂંક સમયમાં આપણને ગૂગલ ફોટોઝમાં મળશે અને તેનો આપણે લાભ પણ લઈ શકીશું.
છેક મે ૨૯૧૮માં ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન ગૂગલે જાહેરાત કરી હતી કે તે ગૂગલ ફોટોઝ એપમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝને રંગીન બનાવી શકાય તેવા ફીચર પર કામ કરી રહી છે. પરંતુ ત્યારે ગૂગલે આ ફીચર ક્યારે ઉપલબ્ધ થશે તેના સમયનો અંદાજ આપ્યો નહોતો.
એ પછી આ વર્ષની કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે હવે ટૂંક સમયમાં આ ફીચર મળી જશે. એ જાહેરાતને પાંચેક મહિના થયા છે ત્યારે હવે ગૂગલ ફોટોઝ એપના ૪.૨૬ વર્ઝનમાં આ ફીચર કેટલાક યૂઝર્સને દેખાવા લાગ્યું છે.
તમારી એપમાં આ ફીચર આવી જાય એ પછી તમે ફોટોઝમાં કોઈ પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ઓપન કરશો અને તેને માટે એડિટ મોડમાં જશો ત્યારે ‘કલરાઇઝ’ કરવાનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ હજી ‘બીટા’ તબક્કામાં છે એટલે બીટાનું ટેગ જોવા મળશે, તેમજ સિસ્ટમ આપણને કહેશે પણ ખરી કે આ ફીચર પર હજી કામ ચાલી રહ્યું છે અને તેનાં પરિણામો સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આપણે ‘કલરાઇઝ’ ફિલ્ટર પસંદ કરીશું એ પછી એપ ઇમેજને એનેલાઇઝ કરશે અને તેને યોગ્ય લાગે એ રીતે ઇમેજમાં રંગો પૂરશે. એ પછી આપણે એ ઇમેજનું કલર્ડ વર્ઝન મૂળ ઇમેજની કોપી તરીકે લાયબ્રેરીમાં સાચવી શકીશું.
પરિણામો હજી ઘણાં નબળાં છે પણ સમય જતાં તેમાં જબરો સુધારો થશે એ નક્કી છે!
