ફેસબુક અને ટવીટર પછી હવે વધુ એક ટેક જાયન્ટ ગૂગલે સ્વીકાર્યું છે કે તેના કેટલાક યૂઝર્સના પાસવર્ડ પણ, અસલામત રીતે પ્લેઇન ટેક્સ્ટમાં સેવ થયા હતા. સામાન્ય રીતે જુદી જુદી વેબસર્વિસ દ્વારા પોતાના યૂઝર્સના પાસવર્ડ ‘હેશ’ તરીકે ઓળખાતા એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સેવ કરવામાં આવે છે જેથી એ વેબસર્વિસના કર્મચારીઓ પણ કોઈના પાસવર્ડ જાણી શકતા નથી.
જોકે ગૂગલે સ્પષ્ટતા કરી છે કે તેની સિસ્ટમમાંની એક ખામીને કારણે આવું થયું છે અને આ ખામીથી માત્ર જીસ્યૂટના બહુ થોડા યૂઝર્સના પાસવર્ડ જોખમાયા હતા.
આનો અર્થ એ થયો કે જો તમે username@gmail.com પ્રકારનું ફ્રી જીમેઇલ કે ગૂગલ એકાઉન્ટ ધરાવતા હો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરી નથી. માત્ર ગૂગલ પરના બિઝનેસ અને કોર્પોરેટ્સ એકાઉન્ટસને આ ખામીની અસર થઈ છે.
એ ખાસ નોંધવા જેવું છે કે ગૂગલની આ ખામી છેક ૨૦૦૫થી હતી (‘ગૂગલ ફોર વર્ક’ સર્વિસ શરૂ થઈ એના પણ એક વર્ષ પહેલાં) અને છતાં આટલા વર્ષો સુધી કોઈના ધ્યાનમાં આવી નહોતી. ગૂગલે હવે જોખમાયેલા પાસવર્ડ પોતે જ બદલીને જીસ્યૂટના એડમિનિસ્ટ્રેટર્સને જાણ કરવાની શરૂઆત કરી છે.
