(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ મેપ્સ

અમેરિકા અને ઉત્તર કોરિયા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો? તો કયા દેશના કયા અમુબોમ્બથી કેટલી જાનહાનિ થઈ શકે એનો ખાસ્સો સચોટ અંદાજ આપણે જાણી શકી છીએ.

આગળ શું વાંચશો?

  • અમેરિકાનાં અણુશસ્ત્રોની યાદી

  • ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ

  • ન્યૂકમેપ

  • મિસાઇલમેપ

  • અમેરિકન ટાર્ગેટ્સ

  • ભારત-પાકિસ્તાનનું અણુયુદ્ધ

ઓગસ્ટ મહિનો આવતાં જ ભારતના આઝાદી દિનની સાથોસાથ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર પર અમેરિકાએ અનુક્રમે ઓગસ્ટ ૬ અને ઓગસ્ટ ૯, ૧૯૪૫ના દિવસે ફેંકેલા અણુ બોમ્બની યાદ તાજી થાય છે. એ બંને હુમલાનો મૃત્યુ આંક ૨,૨૬,૦૦૦  સુધી પહોંચ્યો હોવાનું કહેવાય છે અને પછીનાં ઘણાં વર્ષો સુધી જન્મેલાં બાળકો પર પણ તેની અસર જોવા મળી હતી.

આવી તારાજી સર્જનારા અણુબોમ્બની ટેકનોલોજી આજના સમય કરતાં ૭૪ વર્ષ જૂની હતી. જો આજની ટેકનોલોજી સાથે સર્જાયેલા અણુ બોંબથી, આજના સમયે અણુ વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો?

અમેરિકા અને ઉત્તર કોરિયા કે અમેરિકા અને ઇરાક વચ્ચે અને બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ અવારનવાર સર્જાય છે, નિષ્ણાતો કહે છે કે આજના સમયમાં કોઈ પણ બે દેશ વચ્ચેનું મોટું યુદ્ધ સહેલાઇથી અણુયુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.

આપણે ઇચ્છીએ કે એવી સ્થિતિ ક્યારેય ન આવે, પણ આવે તો?

અમેરિકાનાં અણુશસ્ત્રોની યાદી

એક સમયે જ્યારે અમેરિકા અને એ સમયના સોવિયેત સંઘ વચ્ચેનું શીતયુદ્ધ તેની ચરમસીમાએ હતું ત્યારે બંને દેશોએ પોતપોતાના સૈન્યને અણુશસ્ત્રોથી સજ્જ કરવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે વિશ્વના અન્ય દેશો પણ આ હરીફાઈમાં જોડાવા લાગ્યા. એક મત એવો પણ છે કે એકમેક પાસે અણુશસ્ત્રો હોવાને કારણે જ જુદા જુદા દેશો યુદ્ધની અંતિમ સ્થિતિ સુધી પહોંચતા નથી.

નિષ્ણાતોનો એક મત એવો છે કે યુદ્ધો ટાળવા માટે કુલ ૩૦૦થી વધુ અણુશસ્ત્રોની જરૂર નથી, તેમ છતાં હાલમાં ફક્ત અમેરિકા અને રશિયા બંને પાસે અંદાજે ૭૦૦૦થી વધુ અણુશસ્ત્રો હોવાનો અંદાજ છે.

વર્ષ ૨૦૧૫માં અમેરિકાએ પહેલી વાર, સોવિયેત સંઘ સાથે યુદ્ધની સ્થિતિમાં જે જે સ્થાનો પર અમેરિકાએ અણુબોમ્બ ઝીંકવાની તૈયારી રાખી હતી તેની યાદી જાહેર કરી હતી. ૮૦૦ પાનાના એ ડોક્યુમેન્ટમાં સોવિયેત સંઘ ઉપરાંત મુખ્યત્વે પૂર્વ યુરોપ, ચીન અને ઉત્તર કોરિયાનાં ૧૧૦૦ લક્ષ્યોની યાદી દર્શાવવામાં આવી છે.


એ લક્ષ્યોમાં મોટા ભાગે ઔદ્યોગિક પ્લાન્ટ્સ, સરકારી ઇમારતો, વીજમથકો વગેરે દેખીતાં લશ્કરી લક્ષ્યો ઉપરાંત અનેક લક્ષ્યો માટે ‘સામાન્ય વસતી’ એવો શબ્દ પણ જોવા મળે છે. મતલબ કે જાપાનમાં બન્યું તેમ નવા અણુુયુદ્ધની સ્થિતિમાં અમેરિકાએ લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વના ટાર્ગેટ્સ ઉપરાંત સામાન્ય વસતીને પણ પોતાનાં અણુશસ્ત્રોના નિશાન પર રાખી હતી!

યાદ રહે – આ યાદી છેક ૬૦ વર્ષ પહેલાંની છે.

એ પછી તો એક ખંડમાંથી બીજા ખંડમાં કે મહાસાગરોના તળિયે સરકી રહેલી સબમરીન્સમાંથી છોડી શકાય તેવી ન્યૂક્લિઅર મિસાઇલ્સ પણ શોધાઈ ચૂકી છે. દેખીતું છે કે અન્ય દેશો સહિત અમેરિકાની અણુતાકાત આ ૬૦ વર્ષમાં અનેકગણી વધી હશે.

પરંતુ બે ઘડી પૂરતું માની લઇએ કે અમેરિકા પાસે હજી પણ ૬૦ વર્ષ જૂની જ ટેકનોલોજી છે અને તેના ટાર્ગેટ્સ પણ ૬૦ વર્ષ પહેલાં હતા એના એ જ છે.

આ સ્થિતિ સાથે અણુયુદ્ધ થાય તો? એનો જવાબ આપણને અમેરિકાના એક પ્રોફેસર આપે છે.

ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ

અમેરિકાના ન્યૂ જર્સી શહેરના સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર એલેક્સ વેલેરસ્ટેઇન વર્ષોથી અણુશસ્ત્રો અને તેના ઇતિહાસમાં ઊંડા ઊતરેલા છે. તેમણે આ વિષય સંબંધિત, અનેક સ્રોતમાંથી જે વિશાળ ડેટા મેળવ્યો છે, તે વધુ સહેલાઈથી સમજાવે તેવાં ઇન્ટરએક્ટિવ ડેટા વિઝ્યુઅલાઇઝેશન્સ તેમણે તૈયાર કર્યાં છે. આવાં બે વિઝ્યુઅલાઇઝેશન છે ‘ન્યૂકમેપ’ અને ‘મિસાઇલમેપ’.

આ બંને ડિજિટલ નક્શા પરસ્પર સંકળાયેલા છે અને યુદ્ધ સમયે જુદા જુદા દેશો પોતપોતાની મિસાઇલ્સથી બીજા દેશનાં શહેરો પર અણુબોમ્બ ઝીંકે તો તેનાથી કેટલું નુક્સાન થઈ શકે તે આ નક્શા પર જોઈ શકાય છે.

ન્યૂકમેપ

આ ડિજિટલ નક્શો જોવા માટે આ પેજ પર પહોંચોઃ https://nuclearsecrecy.com/nukemap (આ મેપ્સ પીસી પર વધુ સારી જોઈ શકાશે).

તમે પહેલી વાર આ પેજ પર પહોંચશો ત્યારે તમારા આઇપી એડ્રેસને આધારે તમારું જ ગામ/શહેર બતાવવામાં આવશે.  આ મેપ પર, તમે પોતે કોઈ દેશના પ્રમુખ, વડા પ્રધાન, સૈન્યના વડા કે સરમુખત્યાર હો એ રીતે, કોઈ પણ લક્ષ્ય પસંદ કરીને ત્યાં અણુવિસ્ફોટ કરી શકો છો અને તેનાથી કેટલા પ્રમાણમાં તારાજી થાય તેનો અંદાજ જાણી શકો છો. આ કલ્પના દુઃખદ છે, પણ અણુશસ્ત્રોની સંહારક્ષમતા જાણવાનો બીજો જોઈ રસ્તો નથી.

યાદ રહે, આ કોઈ કાલ્પનિક ગેમ નથી. અહીં તો શક્ય એટલા વિશ્વસનીય સ્રોતોમાંથી કાળજીપૂર્વક એકઠી કરેલી સંરક્ષણને લગતી માહિતીને આધુનિક ટેક્નોલોજીની મદદથી ઇન્ટરએક્ટિવ રીતે દર્શાવીને, આજનાં યુદ્ધો કેટલાં ભયાનક બની શકે છે તેનો સચોટ અંદાજ  આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હવે, જમણી તરફની પેનલમાં, પહેલા બોક્સમાં તમારું લક્ષ્ય પસંદ કરો. ડ્રોપ-ડાઉન એરો ક્લિક કરી, વિશ્વનાં જુદાં જુદાં શહેરોની યાદીમાંથી પસંદ કરો અથવા બોક્સમાં જાતે જ કોઈ શહેરનું નામ લખો.

હવે બીજા નંબરના બોક્સમાં ‘યિલ્ડ’ એટલે કે અણુબોમ્બની કિલોટનમાં ક્ષમતા લખો. આ બાબત આપણને ગૂંચવી શકે છે, એટલે નીચેના ડ્રોપ-ડાઉન એરો ધરાવતા બોક્સની મદદ લો (જુઓ ઉપનો સ્ક્રીનશોટ). તેમાં ફક્ત ૨૦ ટનના સૌથી ‘સામાન્ય’ યુએસ અણુબોમ્બથી માંડીને. ૧૦૦ મેગાટનના ‘ઝાર બોમ્બા’ નામના રશિયાના, ડિઝાઇન થયેલા સૌથી વિશાળ બોમ્બની પસંદગી કરી શકાય છે. આ યાદી મુજબ, પાકિસ્તાનનું, ટેસ્ટ થયેલું સૌથી વિશાળ અણુશસ્ત્ર ૪૫ કિલોટનનું અને ભારતનું ટેસ્ટ થયેલું સૌથી વિશાળ અણુશસ્ત્ર ૬૫ કિલોટનનું છે.

આમાંથી કોઈ પણ એક શસ્ત્ર પસંદ કરી આગળ વધો. ત્રીજા વિકલ્પમાં અણુબોમ્બ હવામાં ફાટે (એરબર્સ્ટ) કે સપાટી પર (સરફેસ) તે નક્કી કરી શકાશે અને તેની નીચે ‘કેઝ્યુઅલ્ટીઝ’ અને ‘રેડિયોએક્ટિવ ફોલઆઉટ’ એટલે કે મૃત્યુઆંક અને રેડિયોએક્ટિવ અસર માટેનાં બોક્સ ટિક કરી દો.

હવે એડવાન્સ્ડ ઓપ્શન્સ પડતા મૂકીને, સીધા લાલ રંગના ‘ડીટોનેટ’ બટન પર ક્લિક કરો. આથી નક્શા પર તમે પસંદ કરેલા ટાર્ગેટ પર અણુવિસ્ફોટ થાય તો, ત્યાંની વસતિ અનુસાર અને અણુબોમ્બની ક્ષમતા અનુસાર કેટલા લોકો મૃત્યુ પામે, કેટલાને ઇજા પહોંચે વગેરેના આંક જોવા મળશે.

આ લેખની શરૂઆતમાં મૂકેલા નવી દિલ્હી અને ઇસ્લામાબાદના નક્શા આ જ રીતે તૈયાર કરેલા છે.

મિસાઇલમેપ

હવે, આ જ પેજના ઉપલા જમણા ખૂણે આપેલી મિસાઇલમેપની લિંક (https://nuclearsecrecy.com/missilemap/) ક્લિક કરતાં, મિસાઇલમેપ ઓપન થશે.

અહીં વિશ્વના જુદા જુદા દેશો કેવી મિસાઇલક્ષમતા (મોટા ભાગની અણુશસ્ત્રોથી ત્રાટકી શકે તેવી) ધરાવે છે તે જોઈ શકાશે.

અહીં તમે મથાળાના વિકલ્પોમાં ‘લોન્ચ પ્રીસેટ’માં ભારતના પંજાબમાંનું હલવાડા એરફોર્સ સ્ટેશન પસંદ કરો (અહીં સ્પષ્ટ લખ્યું છે કે ભારત અહીંથી મિસાઇલ છોડી શકે છે એવી આ માત્ર એક ધારણા છે).

હવે ‘મિસાઇલ પ્રીસેટ’માં, ભારતનું અગ્નિ-૩ મિસાઇલ પસંદ કરો (એ પછી અગ્નિ-૪ અને અગ્નિ-૫ના વિકલ્પ પણ છે, પણ તમે અગ્નિ-૩ પસંદ કરો).

આથી નક્શા પર, પંજાબના એર ફોર્સ સ્ટેશનથી આ મિસાઇલ છોડવામાં આવે, તો કેટલા અંતર સુધી તે અણુહુમલો કરી શકે તેમ છે તે દર્શાવતું વર્તુળ જોવા મળશે (જુઓ ઉપરનો સ્ક્રીનશોટ). તમે જોશો કે ફક્ત અગ્નિ-૩થી ભારતે પાકિસ્તાન તો ઠીક, આખા ચીન અને રશિયાને પણ નિશાન બનાવવાની ક્ષમતા કેળવી લીધી છે. આ વર્તુળના પરીઘ પર, ટાર્ગેટના ચિહ્નને ડ્રેગ કરીને, ધારો કે, પાકિસ્તાનના કરાંચી પર લઈ જાઓ. હવે, મથાળાના વિકલ્પોમાં ‘એક્સપોર્ટ ટુ ન્યૂકમેપ’ પર ક્લિક કરશો એટલે તમે ફરી ન્યૂકમેપમાં પહોંચશો અને ત્યાં, આપણે મિસાઇલમેપમાં જે ડેટા સેટ કર્યો, એ મુજબનો અણુવિસ્ફોટ કરાંચી પર કરી, ત્યાંની અસર તપાસી શકાશે.

અમેરિકન ટાર્ગેટ્સ

આ લેખની શરૂઆતમાં આપણે વાત કરી કે અમેરિકન સરકારે, વર્ષ ૧૯૫૬નાં ન્યૂક્લિઅર ટાર્ગેટ્સની યાદી જાહેર કરી છે.

ફ્યુચર ઓફ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ નામની એક અમેરિકન સ્વૈચ્છિક સંસ્થાએ આ બધાં જ ટાર્ગેટ્સને, આપણે જેની વિગતવાર વાત કરી તે ન્યૂકમેપ પર મૂક્યાં છે.

https://futureoflife.org/background/us-nuclear-targets/ પેજ પર જઈને તમે આ લક્ષ્યો જોઈ શકો છો અને અગાઉ જોયું તેમ કોઈ પણ ટાર્ગેટ પસંદ કરી, ત્યાં અણુવિસ્ફોટની શી અસર થાય તે તપાસી શકો છો (જુઓ આગલા પેજ પરનો સ્ક્રીનશોટ).

ફરી યાદ અપાવીએ કે આ બધા ઇન્ટરએક્ટિવ મેપ્સ કોઈ ગેમ નથી. તે અણુશસ્ત્રોની ભયાનકતા અને સંભવિત સંહારક્ષમતા દર્શાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આપણે આશા રાખીએ કે એમાં દર્શાવવામાં આવેલી સંભાવનાઓ ક્યારેય વાસ્તવિકતા ન બને.

ભારત-પાકિસ્તાનનું અણુયુદ્ધ

આ લેખમાં જેની વિગતવાર વાત કરી છે તે ન્યૂકમેપની મદદથી, ભારત અને પાકિસ્તાન બંને દેશ, તેમણે જાહેર કરેલાં પરીક્ષણ અનુસારના અણુબોમ્બથી એકમેકની રાજધાની પર હુમલો કરે તો, બંને શહેરોમાં કેટલી જાનહાની થાય અને કેટલા વિસ્તારમાં અણુબોમ્બની અસર થાય તે ઉપરના બંને સ્ક્રીનશોટ્સમાં જોઈ શકાય છે. આ અંદાજ, બંને દેશોએ જાહેર કરેલા પરીક્ષણ અનુસારના અણુબોમ્બના છે, બંને દેશ પાસે એથી વધુ ક્ષમતાના અણુબોમ્બ હોઈ શકે છે. આ મેપ પર જણાવાયું છે તેમ, જે તે શહેરમાંની વસતિને આધારે જાનહાનિના અંદાજ આંકવામાં આવ્યા છે.

નક્શા પર જુદા જુદા રંગમાં અણુવિસ્ફોટની જુદી જુદી રીતે અસરો વર્તુળ મુજબ દર્શાવાઈ છે, જેની સમજ જમણી પેનલમાં અત્યંત વિગતવાર રીતે આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!