આવું તમારી સાથે ક્યારેક બન્યું હશે – તમે તમારા પીસીમાં વર્ડ કે એક્સેલમાં કોઈ ફાઇલ પર કામ કર્યું, તેને જે તે અન્ય વ્યક્તિ કે ક્લાયન્ટને મેઇલ કરી આપી, પછી તમે ઓફિસ બહાર ગયા અને ત્યાં જ પેલી વ્યક્તિનો ફોન આવ્યો કે મોકલેલી ફાઇલમાં થોડા ફેરફાર કરવાના છે, તાબડતોબ કરી આપો તો સારું!હવે મજા જુઓ. આખી દુનિયા પીસી કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં કામ કરવા ટેવાયેલી છે, પણ પોતાના સ્માર્ટફોન – મોટા ભાગે એન્ડ્રોઇડ – માં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરે છે!
તમે પણ આવા અસંખ્ય લોકોમાંના એક હો, તો તમે તમારા પોતાના સ્માર્ટફોનમાં જીમેઇલમાં, તમે મોકલેલી ફાઇલવાળો મેઇલ ઓપન કરી, તેમાંના એટેચમેન્ટને ગૂગલ ડ્રાઇવમાં ઓપન કરી, જોઈતા ફેરફાર કરીને પેલી વ્યક્તિને નવી ફાઇલ મોકલી આપો એવું થઈ શકે.
પરંતુ તમે અનુભવ્યું હશે કે આ બહુ કડાકૂટવાળું કામ છે. એટલે જ આખી દુનિયા ધીમે ધીમે ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ વળી રહી છે. ગૂગલ ડ્રાઇવની સાથોસાથ ફોનમાં ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ એપ પણ ઇન્સ્ટોલ કરી લો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસના ત્રણેય મુખ્ય પ્રોગ્રામ જેવા જ પ્રોગ્રામ આપણને કાયમ હાથવગા રહે. ડ્રાઇવમાં સેવ કરેલી ફાઇલ્સ તમે ગમે તે પીસીમાં પણ ઓપન અને એડિટ કરી શકો, ચાહો તો બીજા લોકો સાથે એ ફાઇલ શેર કરીને, એક જ ફાઇલમાં એક સાથે એકથી વધુ લોકો પણ કામ કરી શકો.
આમ ગૂગલ ડ્રાઇવને કારણે ઓફિસ પ્રોગ્રામ્સ પરનો માઇક્રોસોફ્ટનો ઇજારો તૂટી રહ્યો છે. અલબત્ત, ગૂગલનો સામનો કરવા માટે માઇક્રોસોફ્ટે ગૂગલ ડ્રાઇવ જેવી જ વનડ્રાઇવ અને ઓફિસ 365 નામે ઓનલાઇન ઓફિસ પ્રોગ્રામ્સ લોન્ચ કર્યા છે.
હવે વધુ જોશથી ગૂગલનો સામનો કરવા માટે માઇક્રોસોફ્ટે સ્માર્ટફોન માટે ‘Microsoft Office: Word, Excel, PowerPoint & more નામે એક નવી એપ લોન્ચ કરી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે તેનો પ્રીવ્યૂ લોન્ચ થઈ ગયો છે.
તેમાં જોડાવા માટે જુઓ ઃ https://techcommunity.microsoft.com/t5/Office-Apps-Blog/Office-app-for-Android-How-to-access-the-public-preview/ba-p/976713)
તમે જાણતા જ હશો કે આ પહેલાં માઇક્રોસોફ્ટે વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટની અલગ અલગ એપ્સ આપી જ છે, પણ આ નવી એપમાં, એ ત્રણેય એપ અને બીજું ઘણું એક સામટું આપી દીધુ છે.
માઇક્રોસોફ્ટ તેના ઓફિસ પ્રોગ્રામ્સનાં બિલકુલ નવાં વર્ઝન્સમાં જે રોમાંચક ફીચર્સ ઉમેરી રહી છે, તેનો આ એપમાં ઉપયોગ કરી શકાય છે. જેમ કે, તમે કોઈ પણ ટાઇપ થયેલ લખાણનો ફોટોગ્રાફ લઈને ફક્ત એક ક્લિકમાં, એ લખાણને એડિટેબલ વર્ડ ફાઇલમાં ફેરવી શકો છો! ‘સાયબરસફર’ના ટેસ્ટિંગમાં, ઇંગ્લિશ લખાણમાં આ એપ ગૂગલ કરતાં ચઢિયાતું પરિણામ આપે છે, પણ ગુજરાતી લખાણમાં એપ ગૂંચવાઈ ગઈ (ગૂગલ – ગુજરાતી કે અન્ય ભાષામાં પણ આ સુવિધા આપે છે – આપણે થોડી મથામણ કરવી પડે!). એ જ રીતે એક્સેલમાં, કોઈ પણ ટાઇપ્ડ ટેબલનો ફોટોગ્રાફ લઈને તેને એડિટેબલ એક્સેલ ટેબલમાં ફેરવી શકાય છે (અલબત્ત, ટેસ્ટિંગમાં આમાં હજી ઘણી કચાશ લાગી). તેમ છતાં, માઇક્રોસોફ્ટની આ એપ ચોક્કસપણે, ખાસ્સી પ્રોમિસિંગ છે!
સેટિંગ્સમાં જઈ, તમે માઇક્રોસોફ્ટના એકાઉન્ટમાં લોગઇન થઈ શકો છો.
એપ ઓફિસના મુખ્ય પ્રોગ્રામ્સનો એક સાથે લાભ આપે છે.
ડોક્યુમેન્ટ્સ ઉપરાંત નોટ્સ અને ઇમેજીસ પણ લઈ શકાય છે.
ડોક્યુમેન્ટસનું એડિટિંગ ખાસ્સું સરળ અને મોબાઇલ-ફ્રેન્ડલી છે.
પીડીએફ ફાઇલ્સ પર પણ ઘણાં એક્શન લઈ શકાય છે.


