ઇન્સ્ટાગ્રામ પર તમે માત્ર નજીકના, ગાઢ ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહેવા માગતા હો તો હવે એ શક્ય બન્યું છે, પણ તેનું ઓટો-સ્ટેટસ ફીચર ધ્યાન આપવા જેવું છે.
ઇન્સ્ટાગ્રામમાં હમણાં હમણાં બે રસપ્રદ ફેરફાર થયા છે. ઇન્સ્ટાગ્રામ કંપની ફેસબુકની માલિકીની છે, એટલે તેના આ બંને નવા ફેરફાર, દેખીતી રીતે આપણી પ્રાઇવસીને સંબંધિત છે!
યંગ જનરેશન હવે ફેસબુકથી વધુ ‘ઇન્સ્ટા’ પર એક્ટિવ રહેવા લાગી છે. તમે પણ એના પર ઠીક ઠીક એક્ટિવ હો તો તમારે તેમાં આવેલા બે ફેરફાર ખાસ જાણવા જેવા છે.
જો તમે ઇન્સ્ટાગ્રામની બધી બારિકીઓથી વાકેફ ન હો તો તમને જાણીને કદાચ હળવો આંચકો લાગશે કે ઇન્સ્ટાગ્રામમાંના ‘ફોલોઇંગ’ ફીચરને કારણે, ઇન્સ્ટાગ્રામ પર તમે જે વ્યક્તિને ફોલો કરી રહ્યા હો, તે ઇન્સ્ટાગ્રામ પર શું કરી રહ્યા છે એ તમે જોઈ શકતા હતા. આનો બીજો અર્થ એ થયો કે તમને ફોલો કરી રહેલા લોકો, તમે ઇન્સ્ટાગ્રામ પર જે કંઈ કરી રહ્યા હો એ બધું જ જાણી શકતા હતા!
ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ઘણા સમયથી વિવાદાસ્પદ હતું કારણ કે ઘણા લોકોને તો ઇન્સ્ટાગ્રામમાં આવું કોઈ ફીચર છે એની પણ જાણ નહોતી!
ઇન્સ્ટાગ્રામે હવે ‘ફોલોઇંગ’ને સ્થાને, માત્ર તમને પોતાને સંબંધિત હોય, જેમ કે કોઈ નવી વ્યક્તિએ તમને ફોલો કરવાનું શરૂ કર્યું હોય તો તે તમે જોઈ શકો છો.
ઇન્સ્ટાગ્રામમાં આવેલો બીજો ફેરફાર આ જ મુદ્દાનો છે. જેમ ફેસબુક પર આપણે પબ્લિકલી સ્ટેટસ અપડેટ કરી શકીએ છીએ, પણ મેસેન્જરની મદદથી યૂઝર સાથે ડાયરેક્ટ મેસેજની આપલે કરી શકીએ છીએ એ જ રીતે હવે ઇન્સ્ટાગ્રામમાં ‘થ્રેડ્સ’ નામની નવી, અલગ મેસેજિંગ એપ ઉમેરાઈ છે. આ એપ તમારે અલગથી ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડે છે.
મૂળ ઇન્સ્ટાગ્રામ એપમાં તમે ‘ડાયરેક્ટ’ ફીચરની મદદથી જુદા જુદા લોકો સાથે ડાયરેક્ટ મેસેજિસની આપલે કરી શકતા હતા, હવે, ઇન્સ્ટાગ્રામ જેને ‘કેમેરા-એપ’ કહે છે તે ‘થ્રેડ’ એપ ઉમેરવાથી, ઇન્સ્ટાગ્રામમાં ‘ડાયરેક્ટ’ ટેબમાં, તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે ફોટોની આપલે અને વીડિયો કોલિંગ સરળ બને છે. આ એપ, ઇન્સ્ટાગ્રામમાંના ‘ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ’નો ઉપયોગ કરતી હોવાથી, તમે ખરેખર નજીકના મિત્રો સાથે જ પ્રાઇવેટલી કનેક્ટ થઈ શકો છો.
ફેસબુકમાં કોઈ પણ વ્યક્તિ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકે અને તમે તે સ્વીકારો તો પછી બંને વ્યક્તિ ફેસબુક પર એકબીજા વિશે ઘણું જોઈ-જાણી શકે છે. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં ‘ક્લોઝ્ડ ફ્રેન્ડ્સ લિસ્ટ’ બનાવી શકાય છે અને એ રીતે, ખરેખરા મિત્રો સાથે વધુ પ્રાઇવેટ રીતે સંપર્કમાં રહી શકો છો.
જોકે આ જ એપનું ‘ઓટોમેટિક સ્ટેટસ’ ફીચર ખાસ્સું વિવાદાસ્પદ બને તેમ છે. જો તમે એને ઓન કરો, તો તે તમારું લોકેશન, બેટરીનું લેવલ વગેરે પૂછે છે અને પછી, જો તમે એરપોર્ટ પર હો તો આપોઆપ તમારું સ્ટેટસ બદલીને ‘એટ ધ એરપોર્ટ’ કરે છે કે શોપિંગ કરી રહ્યા હો તો સ્ટેટસ આપોઆપ બદલાઈને ‘શોપિંગ’ થઈ જાય છે – તમારું એક્ઝેક્ટ લોકેશન કે તેનું નામ શેર થતું નથી, પણ તમારી એક્ટિવિટી સતત નજીકના મિત્રો સાથે શેર થતી રહે છે!
આવું ચોવીસે કલાકનું ઓટો-સ્ટેટસ તમને કેટલું ગમશે એનો બધો આધાર તમે કેટલા ‘સોશિયલ‘ છો તેન પર છે!

