સ્માર્ટફોનના કેમેરાના મેગાપિક્સેલ વધારવાની હરીફાઈ તો ચાલુ જ છે, ત્યાં હવે સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા વધવા લાગી છે! કઈ રીતે કામ લાગે છે, આ વધારાના કેમેરા? આવો સમજીએ!
આગળ શું વાંચશો?
- સ્માર્ટફોનના કેમેરામાં નવી રેસ
- સ્માર્ટફોનમાં કેમેરા: અવરોધ અને લાભ
- ફોટોગ્રાફીનો પાયાનો સિદ્ધાંત
- ટેલિફોટો લેન્સ
- વાઇડ એંગલ લેન્સ
- ડેપ્થ સેન્સર
- મોનોક્રોમ લેન્સ
- અન્ય પ્રકારના કેમેરા
- વાઇડ એંગલનાં વિવિધ ઉદાહરણ
દિવાળી તદ્દન નજીક આવી ગઈ છે! દર વર્ષની જેમ, આ વર્ષે પણ તમે નવા સ્માર્ટફોન સાથે દિવાળી ઉજવવા ઇચ્છતા હો તો દર વર્ષની જેમ, આ વર્ષે પણ તમે જબરી અને મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હશો!
સ્માર્ટફોનના માર્કેટમાં દર વર્ષે કંઈક નવું આવે છે, જે આપણી મૂંઝવણનું કારણ બને છે. આ વર્ષેની મૂંઝવણ છે, સ્માર્ટફોનમાં કેટલા અને કેવા પ્રકારના કેમેરા હોવા જોઈએ? કેમ કે હવે મોબાઇલ ફોન બનાવતી કંપનીઝમાં કેમેરાની બાબતે હરીફાઈ શરૂ થઈ છે!
એક સમયે આપણા મોબાઇલમાં કેમેરા હતા જ નહીં, એ હવે યાદ કરવું પણ મુશ્કેલ બને છે. હવે કેમેરામાં આગળ અને પાછળ બંને તરફ કેમેરા હોય એ તો ઠીક માત્ર પાછળની તરફ એક બે નહીં પણ ત્રણ કે ચાર કેમેરા હોય એવું પણ હવે ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યું છે.
નીચે આપેલી યાદી જરા ધ્યાનથી જુઓ:
- થોડા સમય પહેલાં લોન્ચ થયેલા હુવેઈ પી૨૦ પ્રો નામના ફોનમાં પાછળની બાજુ ત્રણ કેમેરા છે. એક કેમેરા ૪૦ મેગાપિકસેલનું મેઇન સેન્સર ધરાવે છે, જે આરજીબી (રેડ, ગ્રીન અને બ્લુ – ડિજિટલ ઇમેજના મૂળ રંગો) ઝીલવા માટે છે, બીજો ૨૦ મેગાપિકસેલનો કેમેરા ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ કલર્સ ઝીલવા માટે છે અને ત્રીજો ૮ મેગાપિકસેલનો કેમેરા ૩x ઝૂમની સગવડ આપે છે.
- એ જ અરસામાં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી એ૯ ફોનમાં ચાર કેમેરા છે. આ ચારમાંથી એક કેમેરા ૨૪ મેગા પિક્સેલ ઓટો ફોક્સ સાથેનો લેન્સ ધરાવે છે. બીજો કેમેરા ૧૦ મેગાપિક્સેલનો છે, જે ૨x ઓપ્ટિકલ ઝૂમની સગવડ આપે છે, ત્રીજો કેમેરા ૮ મેગા પિકસેલનો વાઇડ લેન્સ ધરાવે છે, જે ૧૨૦ ડિગ્રીનું ફિલ્ડ ઓફ વ્યૂ આપી શકે છે અને ચોથો પાંચ મેગાપિકસેલનો ડેપ્થ-સેન્સિંગ લેન્સ છે! મતલબ કે જો ફોટોગ્રાફ ખેંચનાર આ ચારેય કેમેરાનો સૂઝબૂઝ સાથે ઉપયોગ કરી શકે તો એ લગભગ ગમે તે પ્રકારની પ્રકાશની સ્થિતિમાં પરફેક્ટ ફોટોગ્રાફ લઈ શકે!
- નોકિયાનો આગામી નોકિયા ૯ પ્યોરવ્યૂ ફોન પાછળની તરફ પૂરા પાંચ કેમેરા ધરાવે છે!
- નોકિયા વધુ એક એવો ફોન પણ આવી રહ્યો છે, જેમાં બે-ચાર નહીં, ફોનની બેક સાઇડ પર પૂરા સાત કેમેરાનું ઝૂમખું છે! તો લાઇટ નાની એક નવી કંપની પાંચ કેમેરા અને નવ કેમેરા સાથેના ફોન લાવી રહી હોવાનું કહેવાય છે!
- જોકે આ બધામાં શિરમોર સમાચાર છે એલજી ઇલેક્ટ્રોનિક્સના. એક સમાચાર મુજબ, ગયા વર્ષે જ આ કંપનીએ યુએસની પેટન્ટ ઓફિસમાં, ફોનમાં પાછળની બાજુએ સોળ કેમેરાનું ચોકઠું હોય તેવી ડિઝાઇનની પેટન્ટ કરાવી છે.
સ્માર્ટફોનના કેમેરામાં નવી રેસ
સ્માર્ટફોન્સ મેન્યુફેક્ચર કરતી કંપનીઝમાં અત્યાર સુધી, કઈ કંપની વધુ મેગાપિક્સેલના કેમેરા આપે છે તેની રેસ ચાલતી હતી.
ઝાયોમી કંપનીએ થોડા સમય પહેલાં ૪૮ મેગાપિક્સેલ અને ત્યાર પછી ૬૪ મેગાપિક્સેલના ફોન લોન્ચ કરીને તહેલકો મચાવી દીધો હતો. હવે સેમસંગ ગેલેક્સી એ૭૦ નામનો ફોન પણ ૬૪ મેગાપિક્સેલના કેમેરા સાથે લોન્ચ કરશે તેવા સમાચાર છે. આ રેસમાં આગળ રહેવા ઝાયોમી કંપની હવે ૧૦૮ મેગાપિક્સેલના કેમેરા ધરાવતા સ્માર્ટફોન પર કામ કરી રહી હોવાના સમાચાર છે! વધુ મેગાપિક્સેલની સાથોસાથ હવે, વધુ કેમેરા ધરાવતા સ્માર્ટફોનની પણ રેસ શરૂ થઈ છે.
વર્ષ ૨૦૧૧માં એચટીસી કંપનીએ પહેલી વાર ડ્યુઅલ કેમેરા ધરાવતો ફોન રજૂ કરીને આ રેસ શરૂ કરી. તેના સાત વર્ષ પછી હુવેઈ કંપનીએ ત્રણ કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો અને હવે આ રેસ આપણે જોયું તેમ બેમાંથી સોળ કેમેરાએ પહોંચે તેવી શક્યતા છે!
એલજીએ જે પેટન્ટ મેળવી તે મુજબ, ફોનમાં ૧૬ કેમેરા લેન્સ અને સેન્સર્સ એકબીજાથી થોડા થોડા જુદા એંગલે ગોઠવવામાં આવશે. જેને કારણે એક જ દૃશ્યની જુદા જુદા એંગલથી તસવીર લઈ શકાશે અને તસવીર લીધા પછી નક્કી કરી શકાશે કે ક્યા એંગલથી લેવાયેલી તસવીર સૌથી સારી લાગે છે.
એ પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક એંગલથી લેવાયેલી તસવીરના ભાગને બીજા એંગલથી લેવાયેલી તસવીરના ભાગ પર મૂકી શકાશે. જેમ કે લેખના બીજા પેજ પરની તસવીરમાં બતાવ્યું છે તેમ, એક ટેડીબેરની એક સાથે અલગ અલગ એંગલથી તસવીર લીધા પછી માત્ર તેના માથાના ભાગને બદલી શકાશે.
પહેલી નજરે આ ટેકનોલોજી રોમાંચક લાગે છે પરંતુ આવું શક્ય બનશે એ પછી આવો ફોન ધરાવતી કોઈ પણ વ્યક્તિ બહુ સહેલાઈથી અન્ય લોકોની તસવીરો સાથે પોતે ઇચ્છે એવી રીતે ચેડાં કરી શકશે.
આવો ૧૬ કેમેરાવાળો ફોન તો આવે ત્યારે ખરો, પણ અત્યારના ત્રણ-ચાર કેમેરાવાળા ફોન જોઈને પણ આપણને સવાલ થાય કે આપણા ફોનમાં આટલા બધા કેમેરાની જરૂર છે ખરી? અને જો જરૂર હોય તો આ દરેક કેમેરા કેવી રીતે કામ કરે છે?
આપણે જાણવાનો પ્રયાસ કરીએ.
સ્માર્ટફોનમાં કેમેરા: અવરોધ અને લાભ
આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવ્યા નહોતા ત્યારે પેલા ‘એઇમ એન્ડ શૂટ’ પ્રકારના કેમેરા જબરજસ્ત લોકપ્રિય થયા હતા. એવા કેમેરાની તો સ્માર્ટફોનમાંના કેમેરાએ ક્યારની છૂટ્ટી કરી દીધી, પણ સમય સાથે સ્માર્ટફોનમાંના કેમેરા ખાસ્સા એડવાન્સ થવા થતાં, પ્રોફેશનલ એસએલઆર (સિંગલ લેન્સ રિફ્લેક્સ) અને ડીએસએલઆર (ડિજિટલ સિંગલ લેન્સ રિફ્લેક્સ) કેમેરા કરતાં એ સતત પાછળ રહ્યા હતા.
સ્માર્ટફોનના કેમેરા સતત આધુનિક બનતા જાય છે, પણ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ જેનો ઉપયોગ કરે છે તે ડીએલએસઆર કેમેરા કરતાં તે હજી પાછળ છે. તેનાં ઘણાં કારણો છે.
દરેક મોબાઇલ કંપની અત્યારે પોતાના સ્માર્ટફોનથી રોજિંદા ડીએસએલઆર કેમેરાની ફોટો ક્વોલિટીની વધુમાં વધુ નજીક હોય તેવી ફોટોગ્રાફીની સગવડ આપવાની હરીફાઈમાં ઉતરી છે.
તેમાં સૌથી મોટો અવરોધ છે સ્પેસનો. પરંપરાગત ડીએસએલઆર કેમેરામાં લેન્સ માટે પૂરતી સ્પેસ હોય છે, જ્યારે સ્માર્ટફોનમાં બહુ સાંકડી જગ્યામાં શક્ય એટલી વધુ ખૂબીઓ ઉમેરવાની હોય છે.
સ્માર્ટફોનમાંના દરેક વધારાના કેમેરા જુદા જુદા પ્રકારના સેકન્ડરી લેન્સ ધરાવે છે અને એ દરેક ફોનથી થતી ફોટોગ્રાફીને વધુ ને વધુ પાવરફૂલ બનાવે છે.
બીજી તરફ, સ્માર્ટફોનનો પ્રોસેસિંગ પાવર વધવાને કારણે ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઝે તેમની મર્યાદાને તાકાતમાં પલટી નાખવાનો પ્રયાસ કર્યો. તેમણે એક જ લેન્સથી સારી ફોટોગ્રાફી કરવાને બદલે, એક જ ઇમેજ ખેંચવા માટે એકથી વધુ લેન્સનો ઉપયોગ કરવાનો કન્સેપ્ટ અજમાવ્યો અને પછી ફોનમાંના પ્રોસેસર્સની મદદથી, એક જ ઇમેજ તૈયાર કરવાની તરકીબ અજમાવી.
‘સાયબરસફર’ના જૂના વાચકો જાણતા હશે કે સ્માર્ટફોનમાંના કેમેરામાંના એચડીઆર મોડમાં આ જ તરકીબનો ઉપયોગ કરીને પ્રકાશ-છાયાનું બહેતર સંતુલન ધરાવતા ફોટોગ્રાફ મેળવવામાં આવે છે. તેમાં, એક જ લેન્સથી, પણ એકથી વધુ તસવીરો લઈને પ્રકાશ અને છાયાનું યોગ્ય પ્રમાણ ધરાવતા ભાગો એકબીજા પર સુપર-ઇમ્પોઝ કરવામાં આવે છે.
મલ્ટિપલ કેમેરા આ જ તરકીબને આગળ વધારવામાં આવે છે અને જુદા જુદા કેમેરા સેન્સરથી, એક જ દૃશ્યને જુદી જુદી રીતે કેપ્ચર કરી, છેવટે એક સારી તસવીર મેળવવામાં આવે છે.
એ જ કારણે લગભગ દરેક કંપની પોતાના ફોનમાં પાછળની બાજુએ કેમેરાની સંખ્યા વધારવા લાગી છે. આ દરેક વધારાના કેમેરા જુદા જુદા પ્રકારના સેકન્ડરી લેન્સ ધરાવે છે અને એ દરેક ફોનથી થતી ફોટોગ્રાફીને વધુ ને વધુ પાવરફૂલ બનાવે છે.
ફોટોગ્રાફીનો પાયાનો સિદ્ધાંત
ફોટોગ્રાફીના માહેર લોકો જાણે છે કે ફોટોગ્રાફીમાં ફોકલ લેન્થ એક બહુ મહત્ત્વની બાબત છે.
ફોકલ લેન્થ કેમેરાના લેન્સ અને ઇમેજ સેન્સર વચ્ચેનું અંતર દર્શાવે છે. ફોકલ લેન્થને આધારે બે બાબત નક્કી થાય છે – એક, તે દૃશ્યનો કેટલો ભાગ કેપ્ચર કરે છે અને બે, તે આપણને જે દેખાઈ રહ્યું હોય તેને કેટલું મોટું કરે છે.
જો કેમેરામાં ટૂંકી ફોકલ લેન્થ હોય તો તમે વધુ વાઇડ ઇમેજ કેપ્ચર કરી શકો, જ્યારે લાંબી ફોકલ લેન્થથી આપણે દૂરથી દેખાતા કોઈ પંખીને મેગ્નિફાય કરીને તેનો ફોટોગ્રાફ લઈ શકીએ. આટલી પાયાની વાતને આધારે એ સમજીએ કે સ્માર્ટફોનમાંના જુદા જુદા લેન્સ ધરાવતા કેમેરા કેવી કમાલ કરે છે.
ટેલિફોટો લેન્સ
સામાન્ય રીતે દૂર રહેલી કોઈ વસ્તુ પર ઝૂમ કરવાના કેમેરા પાસે બે રસ્તા હોય છે. ડિજિટલ ઝૂમ અને ઓપ્ટિકલ ઝૂમ. ડિજિટલ ઝૂમમાં વાસ્તવમાં ફૂલ રેઝોલ્યુશન ઇમેજ કેપ્ચર કરીને તેને એન્લાર્જ કરવામાં આવે છે એ કારણે જ્યારે દૂર રહેલી વસ્તુ પર ડિજિટલ ઝૂમ કરવામાં આવે ત્યારે ઇમેજની ક્વોલિટીમાં ખાસ્સો ઘટાડો થાય છે.
મોટાભાગના સ્માર્ટફોનમાં ડિજિટલ ઝૂમનો ઉપયોગ થાય છે. સારા કેમેરામાં (જે ફક્ત કેમેરા હોય છે!) ઓપ્ટિકલ ઝૂમનો ઉપયોગ થાય છે અને તેમાં ટેલિફોટો લેન્સનો ઉપયોગ થાય છે. આ પ્રકારના લેન્સથી ફોક્લ લેન્થમાં વધારો કરી શકાતો હોવાથી જે ઇમેજ કેપ્ચર થાય તેની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ થતી નથી.
વાત સ્માર્ટફોનમાંના કેમેરાની હોય ત્યારે તકલીફ એ છે કે તેમાં મોટા કેમેરા જેવા ટેલિફોટો લેન્સ મૂકવા માટે પૂરતી જગ્યા હોતી નથી. આના કામચલાઉ ઉપાય તરીકે, ફોનના કેમેરા પર ટેલિફોટો લેન્સ લગાડી શકાય એવો કીમિયો શોધાયો છે (જુઓ ઉપરની તસવીર), પણ આ કાયમી ઉપાય નથી !
આ સમસ્યાના કાયમી ઉપાય તરીકે આઇફોન એક્સ અને ગેલેક્સી નોટનાઇન જેવા હાઇ-એન્ડ સ્માર્ટફોનમાં ઊંચી ફોકલ લેન્થવાળા બીજા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
અમુક સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઝૂમ ફંકશનનો ઉપયોગ કરો ત્યારે તમે ખરેખર બીજા લેન્સ પર સ્વિચ થાઓ છો, જેેને કારણે ઇમેજની ક્વોલિટીમાં દેખીતો ઘટાડો થતો નથી.
તમે આવા સ્માર્ટફોનના કેમેરામાં ઓપ્ટિકલ ઝૂમ ફંકશનનો ઉપયોગ કરો ત્યારે તમે ખરેખર બીજા લેન્સ પર સ્વિચ થાઓ છો, જેેને કારણે ઇમેજની ક્વોલિટીમાં દેખીતો ઘટાડો થતો નથી.
ગૂગલ પિક્સેલ૧ જેવા ફોનમાં એડવાન્સ્ડ ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે જેથી બીજા લેન્સની જરૂરિયાત વિના ડિજિટલી, પણ ઇમેજની ક્વોલિટીમાં બાંધછોડ વિના ઝૂમ થઇ શકે છે.
બીજી તરફ ઝાયોમી રેડમી જેવા અમુક નવા સ્માર્ટફોનમાં ૪૮ મેગાપિક્સેલ જેટલી ઊંચી ક્ષમતાના કેમેરાનો ઉપયોગ થાય છે. આ કારણે તેમાં ડિજિટલ ઝૂમ હોવા છતાં મેગાપિક્સેલ બહુ ઊંચા હોવાથી ક્વોલિટીમાં ઘટાડો નોંધાતો નથી.
વાઇડ એંગલ લેન્સ
‘અંધાધૂંધ’ ફિલ્મથી ફરી લાઇમલાઇટમાં આવેલા આયુષ્યમાન ખુરાનાને ચમકાવતી સેમસંગ ફોનની જાહેરાતમાં ટ્રીપલ કેમેરાનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. જેમાં કેમેરાના વાઇડ એંગલનો ઉપયોગ કરીને ફોટોગ્રાફીમાં કેવા ઇન્ટરેસ્ટિંગ ટવીસ્ટ લાવી શકાય તે સ્માર્ટ રીતે દર્શાવવામાં આવ્યું હતું.
આપણે જ્યારે દરિયા કિનારે સૂર્યોદય કે સૂર્યાસ્તની ફોટોગ્રાફી કરી રહ્યા હોઈએ કે કોઈ શહેરની સ્કાયલાઇનનો ફોટોગ્રાફ લેવો હોય ત્યારે કેમેરા વધુમાં વધુ ભાગ કેપ્ચર કરી શકે તો ઇમેજ વધુ રસપ્રદ બની શકે.
ઉદાહરણ તરીકે સેમસંગ ફોનથી લેવાયેલી જમણી બાજુની તસવીરમાં શહેરના રીવરફ્રન્ટ અને સિટી સ્કાયલાઇનનો ભાગ વાઇડ એંગલથી ઝીલાયો છે.
એ માટે કેમેરામાં સામાન્ય કરતાં ઓછી ફોકલ લેન્થવાળો લેન્સ જરૂરી બને. આવા લેન્સ સામાન્ય રીતે વાઇડ-એંગલ લેન્સ તરીકે ઓળખાય છે.
જ્યારે કોઈ દૃશ્યને ઝૂમ કરવામાં આવે ત્યારે તેમાં દૃશ્યના કોઈ ચોક્કસ ભાગ પર ફોકસ કરીને ઇમેજ રીક્રિએટ કરી શકાય, પરંતુ વાઇડ એંગલ શોટમાં દૃશ્યનો વધુ ભાગ આવરી લેવા માટે આવી કોઈ સુવિધા હોતી નથી. તેના ઉપાય તરીકે કેમેરામાંના વાઇડ એંગલ લેન્સ બહુ સરસ પરિણામ આપી શકે.
ડેપ્થ સેન્સર
છેલ્લાં થોડાં વર્ષોથી લોકપ્રિય બનેલ ‘બોકેહ’ ફીચર વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. આ પ્રકારની ફોટોગ્રાફીમાં એસએલઆર કેમેરાની જેમ કેમેરા કોઈ વ્યક્તિ પર ફોકસ કરીને પાછળનો ભાગ ધૂંધળો હોય એવી ઇફેક્ટ ક્રિએટ કરી શકાય છે.
સામાન્ય રીતે બજેટ કે મીડરેન્જના કેમેરામાં કાં તો સોફ્ટવેરની મદદથી અથવા ઓછા રેઝોલ્યુશનવાળા બીજા લેન્સની મદદથી આવી ઇફેક્ટ મેળવવામાં આવે છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં સારા રેઝોલ્યુશનવાળો પહેલો લેન્સ આગળની વ્યક્તિનો ફોટોગ્રાફ લે છે જ્યારે ઓછા રેઝોલ્યુશનવાળો બીજો લેન્સ બેકગ્રાઉન્ડનો ફોટો લે છે.
આમ બે લેન્સ વચ્ચેના સંકલનથી ફોરગ્રાઉન્ડમાંની વ્યક્તિની શાર્પ ઇમેજ અને બેકગ્રાઉન્ડ બ્લર્ડ હોય તેવી ઇમેજ મળે છે. જે સામાન્ય રીતે ‘એજ ડિટેકશન’ તરીકે ઓળખાય છે. પ્રમાણમાં મોંઘા ફોનમાં આવી ઇફેક્ટ મેળવવા માટે બહેતર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
જેમ કે વન પ્લસ૬૦ ફોનમાં વધારાનો ૨૦ મેગા પિક્સેલનો લેન્સ હોય છે, જે ડિજિટલ ઝૂમની ક્વોલિટી સુધારે છે, સાથોસાથ પોટ્રેઇટ મોડમાં બહેતર બ્લર્ડ ઇફેક્ટ પણ આપે છે. એ જ રીતે આઇફોન એક્સમાં ટેલિફોટો લેન્સની મદદથી ડેપ્થ ઇન્ફર્મેશન મેળવીને વધુ સારો ફોટોગ્રાફ મેળવવામાં આવે છે!
મોનોક્રોમ લેન્સ
તમને ફોટોગ્રાફીમાં અખતરા કરવાનો શોખ હશે તો તમે ક્યારેક અનુભવ કર્યો હશે કે અમુક ફોટોગ્રાફ કલર્ડ હોય તેને બદલે બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો વધુ અસરકારક બને છે.
અત્યાર સુધી આપણે રોજિંદા સ્માર્ટફોનમાં કલર્ડ ફોટોગ્રાફ લઇને તેમાં ફિલ્ટર્સ એપ્લાય કરવાની સગવડ આપતી વિવિધ એપ્સની મદદથી ફોટોગ્રાફને બ્લેક એન્ડ વ્હાઇટ બનાવવાની અખતરા કરતા આવ્યા છીએ.
ફોટોગ્રાફ કેવો આવશે તેનો બધો આધાર, કેમેરા કરતાં પણ વધુ તો ફોટોગ્રાફ લેનાર પર હોય છે!
પરંતુ હવે ઘણા સ્માર્ટફોનમાં ખાસ અને પહેલેથી બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ કેપ્ચર કરવા માટે આગવો મોનોક્રોમ લેન્સ હોય છે. ફિલ્ટરથી બ્લેક એન્ડ વ્હાઇટ બનાવેલા ફોટોગ્રાફની સરખામણીમાં આવા પહેલેથી મોનોક્રોમ ફોટોગ્રાફની ક્વોલિટીમાં આસમાન-જમીનનો ફેર જણાઇ આવે છે. હુવેઈ, મોટોરોલા, સોની જેવી ઘણી કંપની પોતાના ફ્લેગશિપ ફોનમાં આવા ડેડિકેટેડ મોનોક્રોમ લેન્સ આપે છે. જે રંગીન ફોટોમાં પણ જબરો ઉઠાવી લાગી શકે છે.
અન્ય પ્રકારના કેમેરા
ઉપર જણાવ્યા તેવા ખાસ પ્રકારનું કામ આપતા કેમેરા ઉપરાંત, સ્માર્ટફોનમાં અન્ય રસપ્રદ રીતે પણ વધારાના કેમેરાનો ઉપયોગ થાય છે. જેમ કે ૨૦૧૯માં લોન્ચ થયેલા હુવેઇ કંપનીના હોનર વ્યૂ૨૦ ફોનમાં ‘ટાઇમ-ઓફ-લાઇટ’ તરીકે ઓળખાતા કેમેરાનો ઉપયોગ થયો છે, જે થ્રીડી ઇમેજ કેપ્ચર કરે છે! આ બધી વિગતો ધ્યાનમાં રાખીને નક્કી કરો કે તમે કેવા અને કેટલા કેમેરાવાળો સ્માર્ટફોન લેવા ઇચ્છો છો?!
અલબત્ત એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે – ફોટોગ્રાફ કેવો આવશે તેનો બધો આધાર, કેમેરા કરતાં પણ વધુ તો ફોટોગ્રાફ લેનાર પર હોય છે!
વાઇડ એંગલનાં વિવિધ ઉદાહરણ
સેમસંગ ફોનથી લેવાયેલી તસવીરોથી વાઇડ, અલ્ટ્રા વાઇડ અને ટેલિફોટો વચ્ચેનો તફાવત સ્પષ્ટ થશે.





