ભારતમાં નોટબંધીને પગલે અચાનક ચલણમાં આવી ગયેલા મોબાઈલ વોલેટ્સ હવે તેની સામેના અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં કાર્યરત તમામ મોબાઇલ વોલેટ્સને તેના તમામ કસ્ટર્મસ માટે નો-યોર-કસ્ટમર્સ (કેવાયસી) પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૧૯ના અંત પહેલાં પૂરી કરી લેવાની ડેડલાઇન આપી છે અને મોટાભાગના મોબાઇલ વોલેટ્સ આ બહુ ઓછા પ્રમાણમાં આ કામગીરી પૂરી કરી શક્યા છે. નવી દિલ્હી સ્થિત એક પેમેન્ટ્સ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યા મુજબ ભારતના ૯૫ ટકાથી વધુ મોબાઇલ વોલેટ્સ કેવાયસી પ્રક્રિયા પૂરી ન થઈ હોવાને કારણે માર્ચ મહિનાથી ઠપ્પ થઇ શકે છે.
અત્યાર સુધી આધાર નંબરના આધારે કસ્ટમરનું બહુ ઝડપથી પેપરલેસ વેરિફિકેશન થઇ શકતું હતું પરંતુ સર્વોચ્ચ અદાલતે ખાનગી કંપનીઓને આધારનો ઉપયોગ કરવા પર મનાઈ કર્યા પછી ઇ-કેવાયસીના અભાવે કસ્ટમર વેરિફિકેશનની પ્રક્રિયા અત્યંત ધીમી પડી ગઈ છે. આ કારણે હવે મોબીક્વિક, ફોન પે અને એમેઝોન જેવી મોબાઇલ વોલેટ જેવી કંપની પ્રિપેઇડ મોબાઇલ વોલેટને બદલે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સિસ્ટમ અપનાવી લેવા ગ્રાહકોને મનાવી રહી છે. એક અંદાજ પ્રમાણે માત્ર પેટીએમ કંપનીએ તેના ૭૦ ટકાથી વધુ યૂઝર્સના કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી લીધી છે.
