અત્યાર સુધી વાત પીસી/લેપટોપ અને ટેબલેટ/સ્માર્ટફોન પૂરતી સીમિત હતી, પછી તેમાં કન્વર્ટિબલ્સ ઉમેરાયા એટલે કે લેપટોપ અને ટેબલેટની ભેળસેળ જેવાં સાધનો માર્કેટમાં આવ્યાં અને હવે માઇક્રોસોફ્ટ કંપનીએ મોબાઇલ ડિવાઇસમાં એક નવી જ કેટેગરી ઉમેરી છે.
વિન્ડોઝ ફોનના ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી આ વખતે માઇક્રોસોફ્ટે હાર્ડવેર પર ફોકસ કર્યું છે. કંપનીએ ‘સરફેસ ડ્યૂઓ’ નામે ડ્યૂઅલ સ્ક્રીન ધરાવતો સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ નવા પ્રકારના સાધનમાં ૫.૬ ઇંચના બે સ્ક્રીન રહેશે. બંને સ્ક્રીન વચ્ચેની હિંજ (મિજાગરાં!) એ પ્રકારની છે કે બંને સ્ક્રીનને ફોલ્ડ કરીને સાવ એક ફોન જેવું સ્વરૂપ પણ આપી શકાય છે.
આ ફોન આવતા વર્ષમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે. નોંધપાત્ર વાત એ છે કે આ ફોન ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. સરફેસ ડ્યૂઓની વિશેષતા એ છે કે બંને સ્ક્રીન પર અલગ અલગ બાબતો પર કામ કરી શકાશે અને તેને સંપૂર્ણ અનફોલ્ડ કરીએ તો ૮.૩ ઇંચના એક સ્ક્રીન તરીકે પણ તે કામ આપશે. આ સાથે કંપનીએ ‘નીઓ’ નામનું એક નવું ટેબલેટ પણ લોન્ચ કર્યું છે.
ટેબલેટ અને સ્માર્ટફોન વચ્ચેનું, બિલકુલ પુસ્તક જેવો દેખાવ ધરાવતું આ નવું સાધન કેટલું સફળ થશે એ તો સમય કહેશે, પણ તેનો પ્રમોશનલ વીડિયો જોતાં, આપણા ફોનના રોજિંદા ઉપયોગમાં ઘણી નવી સંભાવનાઓ ખૂલે તેવું લાગે છે.
વીડિયો જુઓ આ લિંક પર : https://www.microsoft.com/en-us/surface/devices/surface-duo

