અગાઉ ફક્ત આઇફોન યૂઝર્સને એવી સગવડ હતી કે તેઓ ફેસબુક એપનો ઉપયોગ ન કરતા હોય, ત્યારે લોકેશન ટ્રેકિંગ બંધ રાખી શકે. હવે આ સુવિધા એન્ડ્રોઇડ યૂઝર્સને પણ મળી છે.
ફેસબુક પર આપણી જાસૂસી કરવાનો અવારનવાર આરોપ મુકાય છે, પરંતુ હમણાં કંપનીએ આપણી પ્રાઈવસી સંબંધિત પ્રમાણમાં સારું કહી શકાય એવું એક પગલું ભર્યું છે. આ પગલું આપણા લોકેશન ટ્રેકિંગને લગતું છે.
જો તમે તમારા સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઇન્સ્ટોલ કરી હોય (એવું કોઈ હશે ખરું જેની પાસે સ્માર્ટફોન હોય, પણ તેમાં ફેસબુક એપ ન હોય?!) તો લગભગ દરેક ડગલે ફેસબુક તમારો પીછો કરી શકે છે. તમે એપમાંથી ફેસબુક પર કોઈ સ્ટેટ્સ અપડેટ કરો ત્યારે તમે તમારું લોકેશન પણ મિત્રોને જણાવી શકો છો. આ સગવડ ફેસબુક એપને આપણે લોકેશન ટ્રેકિંગ માટે આપેલી મંજૂરીને કારણે સંભવ બને છે.
જોકે આઇઓએસ અને એન્ડ્રોઇડ બંનેના કિસ્સામાં, ફેસબુક એપને આપવામાં આવતી મંજૂરી અલગ અલગ હોય છે. એપલ પોતાના યૂઝર્સને લોકેશન શેરિંગ વિશેના ત્રણ વિકલ્પ આપે છે :
- ઓલ્વેઝ, એટલે કે ફોનમાં ફેસબુક એપ ઇન્સ્ટોલ હોય તો ફેસબુક સતત તમારું લોકેશન જાણી શકે છે, પછી ભલે તમે ફેસબુકની એપનો ઉપયોગ ન કરી રહ્યા હો.
- નેવર, એટલે કે ફોનમાં ફેસબુક એપ ઇન્સ્ટોલ કરી હોય, તો પણ ફેસબુક ક્યારેય તમારું લોકેશન જાણી ન શકે.
- વ્હાઇલ યૂઝિંગ, એટલે કે જ્યારે તમે ફેસબુક એપનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે જ તે તમારું લોકેશન જાણી શકે, એ સિવાય નહીં.
બીજી તરફ એન્ડ્રોઇડમાં યૂઝરને ફેસબુકમાં લોકેશન શેરિંગ ફક્ત ઓન અથવા ઓફ કરવાના જ વિકલ્પ મળે છે. આનો અર્થ એ થયો કે એપલ પોતાના યૂઝર્સને એવી સગવડ આપે છે કે તેઓ ફેસબુકનો ઉપયોગ ન કરતા હોય ત્યારે તેમાં લોકેશન શેરિંગ બંધ રાખી શકે, જ્યારે એન્ડ્રોઇડમાં એવી સગવડ ન હોવાથી ફેસબુક એપ ઓપન ન કરી હોય તો પણ દરેક સમયે ફેસબુક આપણું લોકેશન જાણી શકે.
અલબત્ત હવે ફેસબુકે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ એક નવો વિકલ્પ ઉમેર્યો છે. એ મુજબ હવે ફેસબુક ‘બેકગ્રાઉન્ડ લોકેશન’નો વિકલ્પ આપે છે. તેને ઓફ કરતાં તમે જ્યારે એપનો ઉપયોગ ન કરી રહ્યા હો ત્યારે ફેસબુક કંપની તમારું લોકેશન ટ્રેક કરી શકતી નથી.
અગાઉ જે એન્ડ્રોઇડ યૂઝરે ફેસબુક એપમાં પોતાની લોકેશન હિસ્ટ્રી ઓન રાખી હોય તેમને આ નવી સગવડની જાણ કરતા એલર્ટ મોકલવામાં આવી રહ્યા છે.
ફેસબુક ભારપૂર્વક કહે છે કે આપણે અગાઉ જે સેટિંગ કર્યા હોય તેમાં ફેસબુક કોઈ ફેરફાર કરતી નથી કે કોઈ નવી માહિતી એકઠી કરતી નથી, ફક્ત લોકોને પોતાની પ્રાઇવસી વધુ સારી રીતે મેનેજ કરવા માટેની સગવડ આપવામાં આવી રહી છે.
આ સગવડનો લાભ લેવા માટે…
- મોબાઇલમાં ફેસબુક એપ ઓપન કરો.
- તેમાં સેટિંગ્સમાં જાઓ.
- તેમાં લોકેશનનો વિકલ્પ પસંદ કરો.
- હવે ‘લોકેશન એક્સેસ’ વિકલ્પ પસંદ કરો.
- તેમાં ‘બેકગ્રાઉન્ડ લોકેશન’નો વિકલ્પ ઓફ કરવાથી, આપણે ફેસબુક એપનો ઉપયોગ ન કરી રહ્યા હોઈએ, ત્યારે ફેસબુક આપણું લોકેશન જાણી શકશે નહીં. લોકેશન
ફેસબુકને આપણું લોકેશન જાણવા દેવું કે નહીં એ દરેક વ્યક્તિની પોતાની મરજીનો પ્રશ્ન છે. પરંતુ આપણે જ્યારે તેનો ઉપયોગ ન કરતા હોઇએ ત્યારે પણ તે આપણું લોકેશન જાણી શકે એવી સ્થિતિ ચોક્કસ સલાહભરી નથી.
સ્માર્ટફોનમાં ફેસબુક એપનો ઉપયોગ કરતા મોટા ભાગના લોકોને એવી ખબર પણ હોતી નથી કે ફેસબુક દરેક સમયે તેમનું લોકેશન જાણી શકે છે. એ જોતાં ફેસબુકની આ સુવિધા પ્રાઇવસી અંગેની જાગૃતિ વધારવામાં ઉપયોગી થશે.


