સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે!
જો તમે ‘સાયબરસફર’ના જૂના વાચક હશો તો તમે જાણતા હશો કે આપણે છેક જુલાઈ ૨૦૧૫માં આપણા ડિજિટલ ફોટોઝના એક કાયમી સરનામા તરીકે ગૂગલ ફોટોઝ વેબસર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો. એ પછીના અંકોમાં આપણે આ એપની અવનવી ખૂબીઓ વિશે વાત કરતા રહ્યા છીએ.
જો તમારે માટે ગૂગલ ફોટોઝ પ્રમાણમાં અજાણી વાત હોય તો પણ બની શકે કે તમે તેનો ઓલરેડી ઉપયોગ કરી રહ્યા હો!
હવે ઘણા બધા એન્ડ્રોઇડ ફોનમાં ફોટોગેલેરી એપની જગ્યાએ ગૂગલ ફોટોઝ એપનો જ ઉપયોગ થાય છે. આથી તમારા સ્માર્ટફોનમાં લીધેલા બધા ફોટોગ્રાફ અને વોટ્સએપ જેવી સર્વિસમાં ડાઉનલોડ કરેલા ફોટોગ્રાફ્સ પણ અલગ અલગ ફોલ્ડરમાં આ એપમાં જ જમા થતા હશે. એટલે તમે કદાચ આ એપ જોતા હશો છતાં, તેની બીજી ખૂબીઓ તરફ ખાસ ધ્યાન આપ્યું ન હોય એવું બની શકે.
ગૂગલ ફોટોઝમાં આપણા ફોટોગ્રાફ્સ તારીખ, મહિના અને વર્ષ મુજબ આપોઆપ સોર્ટ થાય છે, તેમ જ આપણે મંજૂરી આપીએ તો જુદી જુદી વ્યક્તિના ચહેરા ઓળખી તેમનું આપોઆપ નેમ ટેગિંગ થતું રહે છે, જેથી આપણા પરિવારની કે કોઈ પણ પરિચિત વ્યક્તિના ફોટોગ્રાફ આપણે બહુ સહેલાઈથી શોધી શકીએ.
એ ઉપરાંત, જુદી જુદી જગ્યાઓ અને વિવિધ પ્રકારના ફોટોગ્રાફ (જેમ કે કાર, વરસાદ, ફૂડ, સનસેટ વગેરે)નું પણ આપોઆપ ટેગિંગ થાય છે, આથી આપણને માત્ર ‘રેઇન’ સર્ચ કરીએ તો આપણા આખા કલેક્શનમાંથી વરસાદી વાતાવરણના તમામ ફોટોગ્રાફ પલકવારમાં આપણને મળી જાય છે!
એક બે મહિના પહેલાં આ મજાની સર્વિસમાં, ‘લાઇવ આલબમ’ નામની એક સગવડ ઉમેરાઈ છે.
તેની મદદથી આપણે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે પાલતુ પ્રાણીના ફોટોગ્રાફ્સનું આલબમ ક્રિએટ કરીએ અને તેને લાઇવ આલબમ તરીકે સેટ કરીએ તો પછી એ વ્યક્તિ કે પાલતુ પ્રાણીના જે જે ફોટોગ્રાફ આપણે લઇએ તે એ આલબમમાં આપોઆપ ઉમેરાતા જાય છે. આ આલબમ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શેર પણ કરી શકીએ છીએ અને તેમના શેર્ડ આલબમમાં પણ આપણે લીધેલા ફોટોગ્રાફ ઉમેરાતા જાય છે.
આ પ્રકારના પ્રાઇવેટ આલબમમાં અત્યાર સુધી દસ હજાર ફોટોગ્રાફ મૂકવાની મર્યાદા હતી પરંતુ લાઇવ આલબમની સુવિધા આપ્યા પછી ગૂગલને લાગ્યું કે આ મર્યાદા ઘણા લોકોને ઓછી પડે તેમ છે એટલે હવે તેને વધારીને વીસ હજાર ફોટો સુધીની કરી દેવામાં આવી છે!
ગૂગલ ફોટોઝ વિશે વધુ જાણો આ લેખમાંઃ ગૂગલ ફોટોઝઃ આપણા તમામ ફોટોઝનું એક કાયમી સરનામું!


