એન્ડ્રોઇડ અને આઇફોન લોક્ડ હોય ત્યારે પણ તેમાં આપણા સ્વાસ્થ્ય સંબધિત મહત્ત્વની માહિતી અને ઇમર્જન્સી કોન્ટેક્ટ અન્ય વ્યક્તિ જોઈ શકે તેવું સેટિંગ સમજીએ.
ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને ફુલગુલાબી ઠંડીના ખુશનુમા દિવસો નજીક આવી રહ્યા છે. સૌની જેમ કદાચ તમને પણ વહેલી સવારે ઊઠીને ચાલવા જવાનું મન થશે!
કુદરત ન કરે, પણ તમે જ્યારે એકલા ચાલવા નીકળી પડ્યા હો ત્યારે કોઈ કારણસર તમે મેડિકલ ઇમર્જન્સીનો ભોગ બનો તો? માની લો કે તમને ડાયાબિટીસ કે લો બ્લડ પ્રેશરની સમસ્યા છે. અચાનક તમારું બ્લડ સુગર લેવલ ઘટી ગયું અને તમે ફસડાઈ પડ્યા.
સ્વાભાવિક છે કે આજુબાજુના બીજા લોકો તમારી મદદે આવશે. તમારી ઓળખ માટે એ તમારાં ખિસ્સાં ફંફોસશે અને તેમના હાથમાં તમારો સ્માર્ટફોન આવશે. તેઓ તમારી ઓળખ મેળવવા અને તમારા સ્વજનને જાણ કરવા માટે સ્માર્ટફોન ઓન કરવાની કોશિશ કરશે.
પણ તમે તો સજાગ ડિજિટલ સિટિઝન છો! એટલે સ્માર્ટફોનમાંનો તમારો ડેટા સુરક્ષિત રાખવા તમે સ્માર્ટફોનને હંમેશાં લોક્ડ રાખો છો!
હવે?
જો મુશ્કેલી વધુ હશે તો કોઈ ૧૦૮ નંબર ડાયલ કરીને મેડિકલ સહાય મેળવવાનો પ્રયાસ કરશે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક બ્લડ સુગર માપવાની અને અન્ય મેડિકલ પેરામીટર્સ તપાસવાની સગવડ હોય છે પરંતુ એ બધું કરવામાં મૂલ્યવાન સમય વેડફાશે.
હવે જરા જુદી કલ્પના કરીએ.
તમારી મદદ કરવા ઇચ્છતા લોકો તમારો સ્માર્ટફોન હાથમાં લેશે ત્યારે તે લોક્ડ હોવાથી તેઓ તેમાં દાખલ તો નહીં થઈ શકે, પરંતુ લોક સ્ક્રીન પર નીચેની તરફ ‘મેડિકલ આઇડી’ કે ‘ઇમર્જન્સી ઇન્ફર્મેશન’ લખેલું તેમને જોવા મળશે. તેના પર ક્લિક કરતાં એક સ્ક્રીન ઓપન થશે, જેમાં (એન્ડ્રોઇડમાં) તમારા નામ સાથે ‘ઇન્ફો’ અને ‘કોન્ટેક્ટસ’ના બે ટેબ જોવા મળશે.
ઇન્ફો ટેબ પહેલેથી ઓપન હશે. તેમાં તમારું પૂરું સરનામું, બ્લડગ્રૂપ, તમને કોઈ એલર્જી હોય તો તેની વિગત, તમે કોઈ દવા લઈ રહ્યા હો તો તેની વિગત, તમે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હોય તો તેની વિગત અને તે ઉપરાંત તમે ઇચ્છો તે વધારાની મેડિકલ નોંધ (જેમ કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય કોઈ તકલીફ હોવા વિશેનો ઉલ્લેખ) વગેરે વિગતો જોવા મળશે.
મેડિકલ ઇમર્જન્સી દરમિયાન સહાય કરતી કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે મેડિકલ પ્રેક્ટિશનર આ માહિતીને આધારે આપણને વધુ સારી અને વધુ ઝડપી રીતે મદદ કરી શકે છે.
એ ઉપરાંત, કોન્ટેક્ટ્સ ટેબમાં આપણે પહેલેથી નિશ્ચિત કરેલા કોન્ટેક્ટ્સ જોવા મળે છે અને તેમને ફોન લોક્ડ હોય તો પણ આપણા ફોનથી કોલ કરી શકાય છે!
સ્માર્ટફોનમાં ફોન લોક્ડ રાખવો અનિવાર્ય છે, તેમ છતાં આવી મેડિકલ ઇન્ફર્મેશન તથા ઇમર્જન્સીમાં જેમનો સંપર્ક કરી શકાય તેવા કોન્ટેક્ટ્સ ઉમેરી શકવાની સુવિધા બહુ મહત્ત્વની છે. આવી ઇન્ફર્મેશન આપણા એન્ડ્રોઇડ કે આઇફોનમાં ઉમેરવાની રીત લગભગ સરખી જ છે. આપણે બંને માટેની વિધિ જોઈ લઈએ.
એન્ડ્રોઇડ ફોનમાં
એન્ડ્રોઇડના ૭મા વર્ઝનથી આ સુવિધા ઉમેરાઈ છે. પરંતુ કમનસીબી એ છે કે એન્ડ્રોઇડની ઓપરેટિંગ સિસ્ટમમાં ફોન મેન્યુફેકચરર્સ પોતપોતાની રીતે ફેરફાર કરી શકતા હોવાથી, અમુક કંપની પોતાના વર્ઝનમાં આ સુવિધા આપતી નથી અથવા જુદી રીતે આપે છે.
તમારા ફોનમાં આ સુવિધા છે કે નહીં એ તપાસવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે ફોનના સેટિંગ્સમાં જાઓ અને તેમાં સર્ચ કરવાની સુવિધા હોય તો ‘મેડિકલ કે ઇન્ફર્મેશન’ કે ‘લોક્ડ સ્ક્રીન’ જેવા શબ્દો સર્ચ કરી જુઓ.
મેડિકલ ઇન્ફર્મેશન લોકડ સ્ક્રીનને સંબંધિત સુવિધા હોવાથી તે કોઈ જુદા નામે હશે તો પણ લોક્ડ સ્ક્રીનના સેટિંગ્સ પેજમાં જઇને તેને એડિટ કરી શકાશે.
તમે બધી મેડિકલ ઇન્ફર્મેશન ઉમેરવા ન માગતા હો તો પણ લોક્ડ સ્ક્રીન પર ફક્ત તમારું નામ અને પરિવારના કોઈ નિકટના સ્વજનનો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે થાય તેવું સેટિંગ કરવું બહુ જરૂરી છે. આ સેટિંગ પણ લોકડ સ્ક્રીનના સેટિંગ પેજમાં મોટા ભાગે ‘લોક્ડ સ્ક્રીન મેસેજ’ શીર્ષક હેઠળ મળશે.
એપલ ફોનમાં
એપલના આઇફોનમાં પણ આ રીતે લોક્ડ સ્ક્રીન પર મેડિકલ ઇન્ફર્મેશન ઉમેરવાની સુવિધા છે.
એ માટે એપલની હેલ્થ એપ ઓપન કરીને તેમાં ‘મેડિકલ આઇડી ટેબ’ પર ક્લિક કરો. તેમાં એડિટ પર ક્લિક કરીને તમે તમારી મેડિકલ ઇન્ફર્મેશન ઉમેરી શકો છો, તેમજ ઇમર્જન્સી કોન્ટેક્ટસ ઉમેરી શકો છો.

