(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લેપટોપ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો?

આજકાલ કોલેજમાં પહોંચતા વિદ્યાર્થી, ખાસ કરીને એન્જિનીયરિંગના વિદ્યાર્થી માટે લેપટોપ અનિવાર્ય થઈ ગયું છે. આવો જાણીએ તેની ખરીદી વખતે મૂંઝવતા સવાલોના જવાબો.

અગાઉના સમયમાં, પરીક્ષાઓ નજીક હોય ત્યારે છોકરાં સારી રીતે, ઉત્સાહથી ભણે એ માટે વડીલો કહેતા કે સારું પરિણામ આવશે, તો સાયકલ લાવી આપીશું! આ સાયકલ એટલે એક સરખી ડિઝાઇનની માત્ર કાળી સાયકલ મળતી એ જમાનાની વાત થઈ. પછી ઇનામમાં ઘડિયાળની લાલચ આવી, પછી મોબાઇલ-સ્માર્ટફોન આવ્યા અને હવે – જો કોલેજની વાત હોય – તો લગભગ અનિવાર્યપણે ઇનામમાં લેપટોપ મળે!

બી.એ., બી.કોમ. બી.એસસી.માં એડમિશન મળ્યું હોય તો લેપટોપ વિના ચાલી જાય, પણ ખાસ કરીને એન્જિનીયરિંગની લગભગ દરેક શાખાના વિદ્યાર્થીને હવે લેપટોપ વિના ચાલતું નથી. મોટા ભાગે તો કોલેજમાંથી, કેવું લેપટોપ લેવું જોઈશે એના સ્પેસિફિકેશન્સનું લિસ્ટ આપી દેવામાં આવે. જો મા-બાપની પહોંચ સારી હોય તો એ લિસ્ટ મુજબનું લેપટોપ ખરીદીને વાત આટોપી લઈ શકાય, પણ બજેટ જરા ટાઇટ હોય તો?

સ્ટુડન્ટની વાત બાજુએ રાખીએ તો પોતાના ઉપયોગ માટે લેપટોપ લેવાનું હોય, બજેટની બહુ ચિંતા ન હોય, પણ કોસ્ટ અને પર્ફોર્મન્સ બંનેનું બેલેન્સ થાય એવું લેપટોપ ખરીદવાનો વિચાર હોય તો?

આગળ શું વાંચશો?

  • રેમ
  • ગ્રાફિક કાર્ડ
  • સ્ક્રીન સાઇઝ
  • સ્ક્રીનની ક્વોલિટી
  • વજન
  • બેટરી લાઇફ
  • સ્ટોરેજ
  • કીબોર્ડ અને ટચપેડ
  • વોઇસ ક્વોલિટી
  • બૂટિંગ સ્પીડ
  • સિક્યોરિટી
  • કયું પ્રોસેસર પસંદ કરશો?
  • પ્રોસેસરના નામની પૂરી સમજ

ક્વિક નોટ્સ

  • કયું પ્રોસેસર, કેવા ઉપયોગ માટે સારું?
  • પ્રોસેસરની સામાન્ય સમજ
  • ઇન્ટેલ કે એએમડી?

અગાઉ, આપણે પોતે કમ્પ્યુટર એન્જિનીયર હોઈએ તો પ્રોસેસર, મધરબોર્ડ વગેરે બધું પોતાની રીતે ખરીદીને પોતાને જોઈતું કમ્પ્યુટર એસેમ્બલ કરીએ કારણ કે આપણા ઉપયોગ માટે કમ્પ્યુટરમાં શું શું જોઈશે એની આપણને પૂરી ખબર હોય. પરંતુ જો આપણે આવી કેટેગરીમાં આવતા ન હોઈએ તો કોઈ ઓળખીતા-પાળખીતા કમ્પ્યુટર એન્જિનીયર પાસે કે નજીકની કમ્પ્યુટર શોપમાંથી, એસેમ્બલ્ડ પીસી ખરીદીવાનું ચલણ હતું. તેમાં એ શોપના માલિક જે કંઈ સ્પેસિફિકેશન કહે તેમાં આછી-પાતળી પૂછપરછ કરીને, બજેટ મુજબ થોડા ફેરફાર કરીને આપણે પીસીનો ઓર્ડર આપી દેતા હતા.

હવે એવું રહ્યું નથી. સામાન્ય ઉપયોગ માટે પીસી ખરીદવાનો સમય પાછળ રહી ગયો છે. હવે મોટા ભાગે, મોબિલિટીને ધ્યાનમાં રાખીને લેપટોપ પર પસંદગી ઢોળાય છે. આવરદાની રીતે હજી પણ પીસી ચઢિયાતાં છે, પણ પર્ફોમન્સની રીતે પીસી અને લેપટોપમાં કોઈ ફેર રહ્યો નથી એટલે દેખીતું છે કે આપણે લેપટોપ ખરીદીએ.

લેપટોપ ખરીદવાની વાત આવે ત્યારે એસેમ્બલ્ડ નહીં, પણ બ્રાન્ડેડ લેપટોપની જ વાત આવે. નજીકની શોપમાં જાઓ કે ઓનલાઇન સાઇટ્સ પર તપાસ કરો, જુદી જુદી કંપનીનાં પાર વગરનાં મોડેલ્સમાંથી પસંદગી કરવાની વાત આવે. ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે આપણી જરૂરિયાત મુજબ તેમાંનું પ્રોસેસર કયું હોવું જોઈએ? ઇન્ટેલ જ જોઈએ કે એમએમડી ચાલે? ઇન્ટેલમાં વળી ગયું – આઇથ્રી કે આઇસેવન? દરેકમાં ફેર શું? કોરની સંખ્યા પણ ગૂંચવે અને પ્રોસેસરની જનરેશન પણ ગૂંચવે!

લેપટોપની ખરીદી વખતે ઘણાં પાસાંનો વિચાર કરવો પડે. સામાન્ય રીતે જો તમે ફિઝિકલ સ્ટોરમાં લેપટોપ ખરીદવા જશો તો સેલ્સમેન તમને જુદી જુદી ટેકનિકલ બાબતોમાં ગૂંચવી નાંખશે. જેમ કે પ્રોસેસર, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, સિક્યુરિટી ફીચર્સ વગેરે. આ બધું મહત્ત્વનું ચોક્કસ છે, પરંતુ એ ઉપરાંત આપણે સ્ક્રીનની ગુણવત્તા, લેપટોપનું કી-બોર્ડ અને ટચપેડ, લેપટોપનું વજન, બેટરી લાઇફ, સ્ટોરેજ વગેરે તરફ પણ ખાસ ધ્યાન આપવું જોઇએ.


આપણે આ તમામ પાસાં ટૂંકમાં સમજીએ અને પછી પ્રોસેસર વિશે વધુ વિગતવાર વાત કરીએ.

એટલું ખાસ ધ્યાને રાખશો કે અહીંથી જે આગળ વધીને કરી છે તે મોટે ભાગે લેપટોપના સરેરાશ ઉપયોગને ધ્યાનમાં રાખીને કરી છે. ગ્રાફિક્સ, એનિમેશન, વીડિયો એડિટિંગ વગેરે એકદમ રિસોર્સ ઇન્સેન્ટિવ કામ લેપટોપ પર કરવાનું હોય તો એ માટે લેપટોપનાં સ્પેશિફિકેશન્સ દેખીતી રીતે બહેતર હોવાં જરૂરી છે.

રેમ : હવે લગભગ બધા લેપટોપમાં ઓછામાં ઓછી ૪ જીબી રેમ હોય છે. સરેરાશ ઉપયોગ માટે આટલી રેમ પૂરતી છે. માત્ર ૮ જીબી રેમ ખાતર વધુ મોંઘું લેપટોપ લેવાનો આગ્રહ રાખશો નહીં.

ગ્રાફિક કાર્ડ : તમે લેપટોપ સ્ટડી કે બિઝનેસ માટે લો છો કે ગેમ્સ રમવા માટે? જો બહુ હેવી ગેમ્સ નિયમિત રીતે લેપટોપ પર રમવાની ન હોય તો ગ્રાફિક કાર્ડ વિશે ખાસ ચિંતા કરવાની જરૂર નથી.

સ્ક્રીન સાઇઝ : સામાન્ય રીતે આપણે લેપટોપ મોબિલિટી માટે પસંદ કરીએ છીએ, જે ઇચ્છીએ ત્યારે કોલેજમાં લઈ જઈ શકીએ કે ઓફિસ-ઘર વચ્ચે હેરફેર કરી શકીએ. જો એ જ હેતુ હોય તો નાની કે મધ્યમ સાઇઝના સ્ક્રીનવાળું લેપટોપ વધુ અનુકૂળ રહેશે. ઉપરાંત જો સ્ક્રીન મોટો હશે પરંતુ તેનો ડિસ્પ્લે નબળો એટલે કે લો રેઝોલ્યુશનનો હશે તો તમને લાંબા ગાળા સુધી તે અસર કરશે. બહેતર છે કે તમે પ્રમાણમાં નાના પણ સારા ડિસ્પ્લેવાળું લેપટોપ પસંદ કરો.

પીસીની સરખામણીમાં લેપટોપની એક બહુ મોટી મર્યાદા એ છે કે લેપટોપ ખરીદી લીધા પછી તેના હાર્ડવેરમાં આપણે લગભગ કોઈ ફેરફાર કરી શકતા નથી.

સ્ક્રીનની ક્વોલિટી : લેપટોપનો સ્ક્રીન સૌથી સારી ગુણવત્તાનો હોવો બહુ જરૂરી છે કારણ કે આ બાબત આપણા રોજેરોજના અનુભવ પર અસર કરે છે. સ્ક્રીનનું રેઝોલ્યુશન અને બ્રાઇટનેસ બહુ મહત્ત્વનાં પાસાં છે. બજેટની ચિંતા ન હોય તો આઇપીએસ સ્ક્રીનવાળું અથવા ઓછામાં ઓછા ફૂલ એચડી સ્ક્રીનવાળું લેપટોપ પસંદ કરો. શક્ય હોય તો લેપટોપ પસંદ કરવા જાઓ ત્યારે પેનડ્રાઇવમાં તમારા પોતાના ફોટોગ્રાફ્સ (અને મ્યુઝિક પણ!) સાથે લઇ જાઓ અને તેને જુદાં જુદાં લેપટોપમાં સરખાવી જુઓ.

વજન : લેપટોપનું વજન એક બહુ મહત્ત્વનું પાસું છે. અલબત્ત સ્ક્રીન સાઇઝ, બેટરી લાઇફ વગેરેને લેપટોપના વજન સાથે સીધો સંબંધ છે. તમારે કઈ બાબત વધુ મહત્ત્વની છે એ નક્કી કરવું પડશે. શક્ય હોય ત્યાં સુધી બે કિલોથી ઓછા વજનનું લેપટોપ રોજિંદા ઉપયોગ માટે અનુકૂળ રહેશે.

બેટરી લાઇફ : લેપટોપ મેન્યુફેકચરર તરફથી કે સેલ્સમેન તરફથી બેટરી કેટલા કલાક ચાલશે તેના જે દાવા કરવામાં આવે તેને સંપૂર્ણ સાચા માની શકાય નહીં. બેટરી કેટલો સમય ચાલશે તેનો આધાર આપણા ઉપયોગ પર છે. આથી જેટલો દાવો કરવામાં આવતો હોય તેના કરતાં બે ત્રણ કલાક ઓછા માની લેવા વધુ હિતાવહ રહેશે. એ ધ્યાનમાં રાખીને, લેપટોપ મોબિલિટી માટે હોવાથી ઓછામાં ઓછા ૭ કલાક બેટરી ચાલે એવું લેપટોપ પસંદ કરવું જરૂરી છે.

સ્ટોરેજ : લેપટોપમાં મુખ્યત્વે બે પ્રકારની સ્ટોરેજ સુવિધા હોય છે – હાર્ડડિસ્ક ડ્રાઇવ (એચડીડી) અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી). આપણે ‘સાયબરસફર’ના જૂન, ૨૦૧૮ અંકમાં બંનેની વિગતવાર સરખામણી કરી છે. પરંતુ અત્યારે એટલું જાણી લો કે સામાન્ય એચડીડીવાળા અને આઇસેવન પ્રોસેસરવાળા લેપટોપ કરતાં એએસડીવાળા આઇથ્રી પ્રોસેસરવાળું લેપટોપ વધુ સારું પર્ફોર્મન્સ આપી શકે છે. એસએસડી ડ્રાઇવ લેટેસ્ટ ટેકનોલોજી છે, પણ મોંઘી છે. એસએસડીની કિંમત ઘટી રહી છે પરંતુ હજી આવાં લેપટોપ પ્રમાણમાં ઘણાં મોંઘા છે.

કીબોર્ડ અને ટચપેડ : પીસીની સરખામણીમાં લેપટોપની એક બહુ મોટી મર્યાદા એ છે કે તેમાં આપણે લગભગ કોઈ ફેરફાર કરી શકતા નથી. પીસીમાં કીબોર્ડ ન ફાવે તો બદલી શકાય, એવો લાભ લેપટોપમાં નથી. લેપટોપ પસંદ કરતી વખતે તેના કીબોર્ડ અને ટચપેડ પર ખાસ ધ્યાન આપો. શક્ય હોય તો થોડું ટાઇપિંગ પણ કરી જુઓ. જુદાં જુદાં લેપટોપના કીબોર્ડની કીના રિસ્પોન્સમાંનો તફાવત તમને તરત જ પરખાઈ આવશે.  એ જ રીતે ટચપેડની સ્મૂધનેસ પણ જુદાં જુદાં લેપટોપમાં અલગ અલગ હશે. આ બંને બાબત સાથે આપણો રોજરોજનો પનારો હોવાથી તેમાં કોઈ બાંધછોડ ન કરશો અને આ પાસા તરફ ખાસ ધ્યાન આપશો.

વોઇસ ક્વોલિટી : આપણે લેપટોપ માત્ર મ્યુઝિક સાંભળવા માટે લેતા નથી પરંતુ કામ કરતી વખતે કે બે ઘડી રીલેક્સ થવા માટે લેપટોપ પર મ્યુઝિક સાંભળવું હોય તો સ્પીકર્સની ગુણવત્તા સારી હોવી જરૂરી છે. એટલે જ આગળ કહ્યું તેમ પેનડ્રાઇવમાં તમારાં પોતાનાં સોંગ્સ સાથે લઇ ગયા હશો તો તમે પોતે સ્પીકરની ગુણવત્તા ચકાસી શકશો.

બૂટિંગ સ્પીડ : મોટા ભાગના સેલ્સમેન માટે આ મનપસંદ ટોપિક  છે, પરંતુ લગભગ તમામ નવા લેપટોપ્સ બહુ નજીવા સમયમાં સ્ટાર્ટ થઈ જતાં હોય છે. બહુ સારા સ્પેશિફિકેશન અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) ધરાવતા લેટેસ્ટ લેપટોપ ગણતરીની સેકન્ડમાં સ્ટાર્ટ થઇ જાય એ વાત સાચી, પરંતુ થોડી સેકન્ડસના ફેર ખાતર તમારા બજેટમાં બહુ મોટો ફેર પડી જશે.

સિક્યોરિટી : સેલ્સમેન તેમની પસંદગીના લેપટોપ તરફ આપણને વાળવા માટે સિક્યોરિટી ફીચર્સ પર પણ ખાસ ભાર આપતા હોય છે. જો તમે તમારા લેપટોપમાં ટોપ બિઝનેસ સિક્રેટ્સ સ્ટોર કરવાના હો તો જુદી વાત છે બાકી લેપટોપને સારા પાસવર્ડથી લોક રાખશો તો એ પણ પૂરતું છે. ફેન્સી સિક્યોરિટી ફિચર્સ દેખીતું છે કે તમારું બજેટ વધારશે.

ક્યું પ્રોસેસર પસંદ કરશો?

લેપટોપ ખરીદવાની વાત આવે ત્યારે કદાચ સૌથી વધુ મુંઝવતો મુદ્દો પ્રોસેસરનો હોય છે. આમ જુઓ તો નવા લેપટોપમાં આવતાં પ્રોસેસર આપણાં સામાન્ય ઉપયોગ માટે પૂરતી ક્ષમતાવાળાં હોય છે, તેમ છતાં જો તમે તેમાં ઊંડા ઊતરવા માગતા હો તો અહીંથી આગળ આપેલી વાતોમાં તમને રસ પડશે.

જો બજેટની કોઈ ચિંતા જ ન હોય તો સૌથી લેટેસ્ટ પ્રોસેસરવાળું લેપટોપ ખરીદો એટલે પછી બીજી કોઈ વાતનો વિચાર કરવાનો રહે નહીં! પરંતુ જ્યારે ટાઇટ બજેટમાં નિર્ણય કરવાનો હોય ત્યારે વિવિધ પ્રોસેસર વચ્ચેનો તફાવત સમજવો જરૂરી બની જાય છે.

સામાન્ય શોપમાંથી કે ઓનલાઇન શોપિંગ સાઇટ પરથી ખરીદી માટે જ્યારે આપણે અલગ અલગ કંપનીના કે એક જ કંપનીના જુદા જુદા મોડેલ સરખાવી રહ્યા હોઈએ ત્યારે માત્ર કિંમતને આધારે સરખામણી થઈ શકે નહીં. પ્રોસેસરના મોડેલ નંબરમાં નજીવા ફેરફારથી કિંમતમાં મોટો ફેર પડી શકે છે.

ઇન્ટેલમાં કોર આઇથ્રીથી કોર આઇનાઇન સુધીની રેન્જમાં પ્રોસેસર જોવા મળે છે. કોર આઇથ્રીથી જેમ આગળ વધતા જઇએ તેમ પ્રોસેસર વધુ પાવરફુલ બનતું જાય.

ઇન્ટેલમાં અત્યારે કોર આઇથ્રીથી કોર આઈનાઇન સુધીની રેન્જમાં પ્રોસેસર જોવા મળે છે. એ દેખીતું છે કે કોર આઇથ્રીથી જેમ આગળ વધતા જઇએ તેમ પ્રોસેસર વધુ પાવરફુલ બનતું જાય. પરંતુ એ ખાસ યાદ રાખવા જેવું છે કે પ્રોસેસરના નામમાં આઇ પછીનો જે આંકડો છે એ તેમાંના કોરની સંખ્યા દર્શાવતો નથી, માત્ર પર્ફોર્મન્સમાં વધારો સૂચવવા માટે વધતા ક્રમમાં આંકડાનો ઉપયોગ થાય છે.

હવે એવો સવાલ થઈ શકે કે આ ‘કોર’ શું છે?!

કમ્પ્યુટરના સંદર્ભમાં કોરના જુદા જુદા અર્થ હોઈ શકે છે, પણ અત્યારે આપણા સવાલના સંદર્ભમાં, કોર એટલે પ્રોસેસરનો એક એવો હિસ્સો, જે તેને મળેલી સૂચનાઓ મુજબ કેલ્ક્યુલેશન્સ કરવાનું કે એક્શન્સ લેવાનું કામ કરે છે, જેને કારણે કમ્પ્યુટરમાંના જુદા જુદા પ્રોગ્રામ્સ, આપણે ઇચ્છીએ તે મુજબનું કામ આપે છે.

કમ્પ્યુટરના પ્રોસેસરમાં એકથી વધુ કોર હોઈ શકે છે. બે કોર ધરાવતું પ્રોસેસર ડ્યુઅલ-કોર કહેવાય અને ચાર પ્રોસેસર ધરાવતા પ્રોસેસરને ક્વાડ-કોર કહેવાય છે. અત્યારનાં લેટેસ્ટ પ્રોસેસરમાં આવા ૧૮ કોર સમાઈ શકે છે. પ્રોસેસરમાં કોરની સંખ્યા જેમ વધુ, તેમ તે એક જ સમયે વધુ પ્રમાણમાં સૂચનાઓ મેળવીને તેને પ્રોસેસ કરી શકે. મતલબ કે, પ્રોસેસરમાં કોરની સંખ્યા જેમ વધુ તેમ પ્રોસેસર વધુ ઝડપી.

હવે મજા જુઓ. જ્યારે ઇન્ટેલ પોતાના પ્રોસેસરના નામમાં ‘કોર’ શબ્દ ઉમેરે છે, ત્યારે તે ફક્ત એક નામ છે. મતલબ કે, કોર આઇથ્રીમાં ત્રણ કોર અને આઇસેવનમાં સાત કોર હોય એવું નથી!

ડેસ્કટોપ માટેના કોર આઈથ્રી ક્વાડ-કોર પ્રોસેસર હોય છે, જ્યારે લેપટોપ માટેના આઇથ્રી પ્રોસેસરમાં ફક્ત બે કોર એટલે કે ડ્યુઅલ-કોર હોય છે. આઇથ્રી પછીની સીરિઝમાં ડ્યુઅલ-કોર અને ક્વાડ-કોર પ્રોસેસરના વિકલ્પ મળે છે.

જેમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમના એક પછી એક નવા વર્ઝન લોન્ચ કરે છે એ જ રીતે ઇન્ટેલ ચિપસેટ્સના જુદા જુદા વર્ઝન રીલિઝ કરે છે. ઇન્ટેલના કિસ્સામાં આવા જુદા જુદા વર્ઝનને ‘જનરેશન્સ’ કહે છે.

આવી દરેક સીરિઝમાં છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી વગેરે જનરેશનમાં પ્રોસેસરના વિકલ્પો મળે! આપણને ગૂંચવવા માટે અહીં પૂરતી તૈયારી કરવામાં આવી છે – જોકે ટેક્નોલોજીમાં સતત નવી નવી શોધ થતી હોવાને કારણે અને અલગ અલગ બજેટનાં કમ્પ્યુટર તૈયાર કરવાં જરૂરી હોવાથી, આવું અનિવાર્ય પણ છે.

પ્રોસસરના નામ પરથી આપણે જાણી શકીએ કે તે પ્રોસેસર કઈ જનરેશનનું છે. જો તમે કમ્પ્યુટરના પ્રોસેસરના નામમાં ઊંડા ઊતરો તો તેમાંથી ઘણું જાણવા મળી શકે.

જો પ્રોસેસરનું નામ Intel Core i7-7500U હોય, તો આ નામના દરેક ભાગના શું અર્થ છે એ સમજીએ.

નામમાં, ‘ઇન્ટેલ કોર’ એ તો આગળ વાત થઈ એ મુજબ ફક્ત એક બ્રાન્ડ નેમ છે. આઇસેવન કે આઇફાઇવ પણ આખરે તો એક પ્રકારનાં બ્રાન્ડનેમ જ છે. બ્રાન્ડનેમ્સ પછી આગળ જે કંઈ વાંચવા મળે, તેના અમુક સ્પષ્ટ અર્થ હોય છે.

ઇન્ટેલ પ્રોસેસરના નામમાં આઇ પછીનો જે આંકડો છે એ તેમાંના કોરની સંખ્યા દર્શાવતો નથી, માત્ર પર્ફોર્મન્સમાં વધારો સૂચવવા માટે વધતા ક્રમમાં આંકડાનો ઉપયોગ થાય છે.

આંકડાનો પહેલો અક્ષર, એ પ્રોસેસર, જે તે સીરિઝમાં કઈ જનરેશનનું દર્શાવે છે. Intel Core i7-7500U  બતાવે છે કે આ પ્રોસેસર, આઇસેવન સીરિઝમાં, સાતમી જનરેશનનું છે. જનરેશનનો આંક જેમ ઊંચો તેમ પ્રોસેસર વધુ લેટેસ્ટ. તે પછીના આંકડા કંપનીના પોતાના ઉપયોગ માટે છે, છતાં તેનો આપણા  માટે પણ એક અર્થ છે. એક જ જનરેશનમાં, જનરેશન પછીના અંક જેમ ઊંચા તેમ તે પ્રોસેસર ચઢિયાતું.

આપણે માટે વધુ કામની બાબત, આ આંકડા પછી જોવા મળતા આલ્ફાબેટ્સ છે. તે દરેકના અર્થ નીચે મુજબ છે :

U : અલ્ટ્રા લો પાવર. આ પ્રકારનાં પ્રોસેસર માત્ર લેપટોપ માટે ઉપયોગમાં લેવાય છે. તે બહુ ઓછો પાવર વાપરે છે અને બેટરી માટે લાભદાયી છે.

Y : લો પાવર. આમાં કંપનીએ વાય કેમ લખ્યો એ સ્પષ્ટ નથી, પણ આ પ્રોસેસર સામાન્ય રીતે થોડાં જૂનાં લેપટોપમાં ઉપયોગમાં લેવાય છે.

T : પાવર ઓપ્ટિમાઇઝ્ડ. ફરી, ટી કેમ એ સ્પષ્ટ નથી, પણ તે ડેસ્કટોપ માટે ઉપયોગી છે.

Q : ક્વાડ-કોર. હવે નામ અને કામનો મેળ બેસે છે! આ પ્રકારનાં પ્રોસેસરમાં ચાર કોર હોય છે.

H : હાઈ-પર્ફોર્મન્સ ગ્રાફિક્સ. માત્ર ઓફિસ સોફ્ટવેર અને ઇન્ટરનેટ સર્ફિસને બદલે, કમ્પ્યુટર પાસેથી વધુ કામ લેવાનું હોય, વિવિધ ડિઝાઇન, ગ્રાફિક્સ કે એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો હોય તો આ પ્રકારનાં પ્રોસેસર વધુ સારાં. આ પ્રકારનાં પ્રોસેસર લેપટોપ્સમાં પણ ઉપયોગમાં લેવાય છે, પણ તેમાં હાઇ-પર્ફોર્મન્સ માટે પાવરનો ઉપયોગ વધુ હોવાથી, બેટરીની લાઇફ ઓછી રહે છે.

G : ડિસ્ક્રીટ ગ્રાફિક્સ સહિત. ટેકનિકલ બાબતો બાજુએ રાખીએ તો, આ પ્રકારનું પ્રોસેસર મોટે ભાગે લેપટોપમાં વધુ જોવા મળે છે.

K : અનલોક્ડ. પોતાની રીતે પોતાનું કમ્પ્યુટર ડિઝાઇન કરતા ‘ગીક’ લોકો માટેનું પ્રોસેસર! પ્રોસેસર પાસેથી તેની નિશ્ર્ચિત ક્ષમતા કરતાં વધુ કામ લેવા માગતા ‘ખાંટુ’ લોકો પ્રોસેસરને ‘ઓવરક્લોક’ કરી શકતા હોય છે, એમ કરવા જતાં સીપીયુ વધુ ગરમી પેદા કરે અને તેમાં વધારાની કૂલિંગ સિસ્ટમ પણ લગાવવી પડે, પણ મુદ્દો એ છે કે પ્રોસેસર અનલોક્ડ હોય તો આ બધું શક્ય છે.

આ બધા ઉપરાંત, ઇન્ટેલ ‘હાયપર થ્રેડિંગ’ અને ‘ટર્બો બૂસ્ટ’ તરીકે ઓળખાતી પદ્ધતિઓથી પણ પોતાના પ્રોસેસરને વધુ પાવરફુલ બનાવે છે. ઇન્ટેલ કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરે માટેનાં ખાસ પ્રોસેસર્સ પણ બનાવે છે. અલબત્ત, તમારે પોતાને માટે કે સંતાન માટે પ્રમાણમાં સરેરાશ ઉપયોગ માટે પ્રોસેસર પસંદ કરવું હોય તો ઉપર જણાવેલી માહિતી પૂરતી થશે.

પરીક્ષા માટે, સારા પરિણામ માટે અને પછી સારા લેપટોપ માટે ઓલ ધ બેસ્ટ!

ક્વિક નોટ્સ

કયું પ્રોસેસર, કેવા ઉપયોગ માટે સારું?

  • કોર આઇથ્રી : પ્રાથમિક ઉપયોગ માટે. કિંમતમાં ઘણું ઓછું. ઇન્ટરનેટ સર્ફિંગ કરવું, માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ ચલાવવા વગેરે માટે સારું. ગેમર્સ કે પ્રોફેશનલ્સને માટે આ પ્રોસેસર કામનું નથી.
  • કોર આઇફાઇવ : મધ્યમ સ્તરના ઉપયોગ માટે. કિંમત પણ વચ્ચેની. પ્રમાણમાં ઓછી કિંમતે, સારું પર્ફોમન્સ શોધતા લોકો માટે. પ્રોસેસરના નામમાં છેલ્લે જી કે ક્યુ લખેલું હોય તો તે ગેમિંગ માટે પણ ચાલી શકે.
  • કોર આઇસેવન : કમ્પ્યુટરનો કસ કાઢનારા લોકો માટે! સંખ્યાબંધ વિન્ડોઝમાં સંખ્યાબંધ પ્રોગ્રામ્સ ચલાવવા કે ડિઝાઇન, એનિમેશન વગેરેનાં સોફ્ટવેર ચલાવવા માટે જરૂરી.
  • કોર આઇનાઇન : અત્યારનાં સૌથી સારાં, પણ બહુ મોંઘાં પ્રોસેસર! હાલની સ્થિતિમાં મોટા ભાગના લોકોને આઇનાઇનની જરૂર નથી. સતત લાઇવ સ્ટ્રીમિંગ કરવાનું હોય કે સંખ્યાબંધ વિન્ડોઝમાં એક સાથે વીડિયો ક્લિપ્સનું એડિટિંગ કરવાનું હોય તેને કોર આઇનાઇન ઉપયોગી થઈ શકે.
  • તદ્દન પ્રાથમિક ઉપયોગ હોય, બજેટ પણ એકદમ ઓછું હોય, તો તમે આઇથ્રી પહેલાંના સેલેરોન જેવા પેન્ટિયમ કે પ્રોસેસરથી પણ કામ ચલાવી શકો.

પ્રોસેસરની સામાન્ય સમજ

  • ઇન્ટેલ કોર આઇથ્રી, આઇફાઇવ, આઇસેવન વગેરે માત્ર એક પ્રકારનાં બ્રાન્ડનેમ છે. તેને આપણે એક પ્રકારની સીરિઝ કહી શકીએ.
  • થ્રી, ફાઇવ, સેવન વગેરે આંકડા એ પ્રોસેસરમાં કોરની સંખ્યા દર્શાવતા નથી.
  • આઇ પછીનો વધતો જતો આંક, વધતી જતી ક્ષમતા જરૂર દર્શાવે છે.
  • ઇન્ટેલ કંપની આઇથ્રી, આઇસેવન વગેરે દરેક સીરિઝમાં, જુદાં જુદાં જનરેશનનાં પ્રોસેસર આપે છે. જેમ જનરેશનનો આંક ઊંચો તેમ પ્રોસેસર વધુ લેટેસ્ટ અને પાવરફુલ.
  • પ્રોસેસરના નામના અંતે, જુદા જુદા આલ્ફાબેટ તેની જુદી જુદી ખાસિયત દર્શાવે છે.
  • બિલકુલ સરેરાશ, સામાન્ય રોજિંદા કામકાજ માટે પીસી-લેપટોપ લેવું હોય તો આઇથ્રીથી પણ કામ ચાલી શકે.
  • લેપટોપમાં, બેટરી લાંબો સમય ચાલે તેવું પ્રોસેસર જોઈતું હોય તો છેલ્લે યુ લખેલું પ્રોસેસર સારું.
  • લેપટોપનો ભરપૂર ઉપયોગ કરવાનો હોય તો છેલ્લે એચ લખેલું પ્રોસેસર સારું.
  • છેલ્લે એચકે લખેલાં પ્રોસેસર એથી પણ વધુ સારાં, પણ તે સરેરાશ યૂઝર માટે નથી.

ઇન્ટેલ કે એએમડી?

  • કમ્પ્યુટર જગતમાં આ લાંબા સમયથી ચર્ચાતો સવાલ છે, આપણા જેવા સરેરાશ યૂઝર માટે તેનો સહેલો જવાબ મેળવવા માટે, વધુ એક સવાલ – તમને કોકા-કોલા જ જોઈએ કે પેપ્સી ચાલે? જવાબ કદાચ એવો હોઈ શકે કે જોરદાર તરસ લાગી હોય ત્યારે તો બંનેમાંથી કોઈ પણ ચાલે!
  • અર્થ એ કે એએમડી કે ઇન્ટેલમાં, સરેરાશ યૂઝર માટે બહુ મોટો ફેર નથી. અત્યાર સુધી એએમડી પ્રોસેસર્સ ઇન્ટેલ કરતાં સસ્તાં ગણાતાં હતાં, હવે એવો મોટો ફેર નથી. તેમ, પર્ફોર્મન્સમાં બહુ મોટો ફેર નથી. ઇન્ટેલના દરેક રેન્જના પ્રોસેસર સામે એએમડીનું કોઈ ને કોઈ પ્રોસેસર ઉપલબ્ધ છે.
  • એએમડી લેપટોપ માટે એ સીરિઝ, એફએક્સ પ્રોસેસર, એથલોન અને રાયઝેન (સૌથી ચઢિયાતું) પ્રોસેસર્સ આપે છે. એટલે જો સામાન્ય ટ્રેન્ડ સાથે જ ચાલવું હોય અને પોતે કોઈ ‘કોમ્પ્રોમાઇઝ’ કર્યું નથી એવો સંતોષ લેવો હોય તો ઇન્ટેલના પ્રોસેસરવાળું લેપટોપ પસંદ કરો.
  • જો કિંમત તમારે માટે એક બહુ મહત્ત્વનું પાસું હોય અને એએમડી પ્રોસેસરવાળું લેપટોપ તમારી એ ચિંતા સાચવી લેતું હોય તો તમે એએમડી પર કળશ ઢોળી શકો – ચિંતા વિના.

લેપટોપની ખરીદી સંબંધિત હજી આપને કોઈ સવાલ હોય તો himanshu@duplics.cybersafar.in પર આપનો સવાલ જરૂર મોકલી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!