વિશ્વની અગ્રણી જોબ-સર્ચ સાઇટ ગ્લાસડોરે ગયા વર્ષે દુનિયાની એવી ટોચની કંપનીઓની યાદી બનાવી, જે નવા ટેલેન્ટને આવકારતી હતી, પણ એ કંપનીમાં નોકરી મેળવવા ઉમેદવાર પાસે કોઈ કોલેજની ડિગ્રી હોવી અનિવાર્ય નહોતી. આ કંપનીઓની યાદીમાં ગૂગલ, એપલ અને આઇબીએમ પણ સામેલ છે.
કદાચ આ જ સંદર્ભમાં લખાયેલું અને વોટ્સએપ પર મળેલું નીચેનું લખાણ વાંચવા અને સમજવા જેવું છે. લખાણ વોટ્સએપ પર મળ્યું છે અને તેમાં લેખકનું નામ નથી, પણ લખાણ ચોક્કસ વિચારપ્રેરક છે.
“વિખ્યાત સર્ચ એન્જિન ગૂગલે તેના કર્મચારીઓની ભરતી નીતિ રાતોરાત બદલાવી છે અને એમાં ડિગ્રીનો છેદ ઉડાડી દીધો છે. માત્ર આવડત, કાર્યદક્ષતા એ જ યોગ્યતાનો નિયમ ગૂગલે અપનાવી લીધો છે. આમ જુઓ તો આ ગૂગલ કંપનીનો પોતાનો નિયમ લાગે પરંતુ હકીકતમાં આ એક ઐતિહાસિક પગલું છે જેમાં ગૂગલે દુનિયાભરની તમામ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાનો એક જ ઝાટકે શિરચ્છેદ કરી નાખ્યો છે. હવે વ્યક્તિમાં રહેલી પ્રતિભાને જ તેઓ જોબ આપશે.
ગૂગલે સાહસ કરીને આ કદમ ઉઠાવ્યું છે ને આવતી કાલે દુનિયાની તમામ કોર્પોરેટ કંપનીઓએ એને અનુસરવું પડશે. પીએચ.ડી. થયેલા લોકોનું ફંડામેન્ટલ નોલેજ કેવું હોય છે એ બધાને ખબર છે. હોય છે કેટલાક પોતાના વિષય પર પ્રભુત્વ ધરાવતા દિગ્ગજો, પરંતુ એવા વિદ્વાન વિદ્યાધરોનું પ્રમાણ તો એક કે બે ટકા માંડ હોય. ગૂગલમાં કોઈ પદ પર હવે જોબ કરવી હોય તો પદવી, પ્રમાણપત્રો અને ગુણપત્રકો ઘરે મૂકીને જ જવાનું રહે છે.
તમે શું ભણ્યા છો એમાં ખરેખર જ હવે કોઈને રસ નથી. તમને શું આવડે છે એના જ તોલમોલ હવે થાય છે. એક રીતે નહિ, અનેક રીતે આ પ્રણાલિકા જ આગળ જતાં ખરી પૂરવાર થવાની છે. આમ જુઓ તો ગૂગલે આ પરિવર્તનનું વૈશ્વિક નેતૃત્વ લીધું છે અને શૈક્ષણિક પદવીઓ નોકરી અપાવે છે એ માન્યતાનો જગતના ચોકમાં મૃત્યુઘંટ વગાડયો છે એટલું જ, બાકી તો ડિગ્રીની નિરર્થકતા અને બીબાંઢાળ અભ્યાસક્રમોમાંથી પેદા થતી શૂન્યતાઓનો દરેક બેરોજગારને અનુભવ છે જ.
નવાઈ એ છે કે આગળની પેઢીના અનુભવો અને એનાં પરિણામોનો સમાજની નજર સામે સાક્ષાત દુ:ખદ અનુભવ હોવા છતાં હજુય વાલીઓ પોતાના સંતાનોને ટકાવારી અને ડિગ્રીની રેસમાં ધકેલ્યા જ કરે છે. ભણવું એ હવે તો માત્ર પંદરથી પચીસ વરસની ઉંમર સુધી પહોંચવાનો એક પૂલ છે, આ કાંઠેથી પેલે કાંઠે, ન તો એ કોઈ રસ્તો છે કે જે મંઝિલ સુધી લઈ જાય.
ગૂગલની હ્યુમન રિસોર્સ પોલિસી (માનવ સંસાધન નીતિ)માં કરવામાં આવેલા આ પરિવર્તનને એલાર્મ માનીને વાલીઓએ જાગી જવું જોઈએ અને પોતાના સંતાનોમાં આવડત આવે, કાર્યકુશળતા આવે અને તેઓ નાની ઉંમરથી કંઈ ને કંઈ કમાતા થાય એ દિશામાં સક્રિય થવાની જરૂર છે.
પરંતુ ખાતરી રાખો કે આ વાલીઓને રાજકારણમાં જેટલો રસ છે એટલો રસ સંતાનોમાં નથી, એટલે ગૂગલનું પરિવર્તન આત્મસાત કરતાં ભારત જેવા દેશને હજુ દસ વરસ લાગશે.

