રકમની આપલે માટેની એપ ગૂગલ પેમાં, આપણને ગમતી નોકરી ક્યાં મળી શકે તેમ છે તેનાં સૂચન કરવામાં આવશે, અલબત્ત આપણને આ સુવિધા મળતાં કદાચ વાર લાગશે.
આગળ શું વાંચશો?
- ગૂગલ પેમાં નોકરીનાં સૂચન કેવી રીતે મળશે?
ઇન્ટનેટની દુનિયામાં એક રસપ્રદ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આપણે જે કંઈ શોધવું હોય તે આપણે પોતે ગૂગલ પર શોધવા જવું પડતું હતું, ધીમે ધીમે એવું બનવા લાગ્યું છે કે આપણે પૂછીએ તે પહેલાં જ, આપણે જાણવી જરૂરી હોય તે વિગતો ગૂગલ આપણને કહેવા લાગે છે.
આવું જ કંઈક હવે નોકરી શોધવાની બાબતમાં બની રહ્યું છે.
અત્યાર સુધી નવી નોકરી મેળવવા ઈચ્છતા કે ચાલુ નોકરી ને બદલે વધુ સારી નોકરી ઇચ્છતા લોકો અખબારોનાં એપોઇન્ટમેન્ટ પેજિસ અને ઇન્ટરનેટ પર વિવિધ જોબ ઓફરિંગ સાઇટ્સ પર નોકરી શોધતા રહેતા હતા. થોડા સમય પહેલાં ગૂગલે પોતાના સર્ચ એન્જિનમાં ફેરફારો કર્યા અને તેને કારણે આપણે ગૂગલ પર નોકરીની શોધ સંબંધિત કંઈ પણ સર્ચ કરીએ એટલે તેને લગતી વિવિધ જોબ સાઇટ્સ પરની પોસ્ટ આપણને ગૂગલના જ પેજ પર દેખાવા લાગે એવું શક્ય બન્યું (આ વિશે ‘સાયબરસફર’ મિનિગાઇડ મેળવવા આ પેજ પર જાઓ https://duplics.cybersafar.in/sdm_downloads/job-search-in-google/).
ગૂગલની આ સુવિધા આપણા સર્ચમાં નોકરી સંબંધિત કીવર્ડ્સ સામેલ હોય ત્યારે જ એક્ટિવ થાય છે. હવે ગૂગલે તેમાં હજી વધુ એક સુધારો કર્યો છે. અલબત્ત આ સુધારો આ વખતે ગૂગલ સર્ચને બદલે ગૂગલ પે એપમાં કરવામાં આવ્યો છે.
ગૂગલ નોકરીની તક ઉપરાંત, આપણે દર્શાવેલા રસ મુજબ આપણને ઉપયોગી થઈ શકે તેવી વેબસાઇટ્સ, જુદા જુદા લેખો, વિવિધ વીડિયો વગેરે પણ બતાવશે.
ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ઓનલાઇન પેમેન્ટ વ્યવસ્થા ખાસ્સી લોકપ્રિય બનવા લાગી છે. ગૂગલે એ જ પ્લેટફોર્મ પર ગૂગલ પે નામની પેમેન્ટ એપ વિકસાવી છે. ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા લોકો ગૂગલ એકાઉન્ટ ધરાવે જ છે. આથી તેમના માટે ગૂગલ પે એપની મદદથી પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાંના લોકો સાથે રૂપિયાની લેવડદેવડ કરવી અત્યંત સહેલી બની ગઈ છે.
આ જ કારણે પેટીએમ, ફોન પે કે ભીમ પે જેવી અન્ય યુપીઆઈ એપની સરખામણીમાં ગૂગલ પેનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
આ બધું ધ્યાને રાખીને ગૂગલે ગૂગલ પે એપમાં જ જોબ સર્ચની નવી સુવિધા ઉમેરવાનું યોગ્ય માન્યું છે.
ગૂગલ પેમાં નોકરીનાં સૂચન કેવી રીતે મળશે?
હાલમાં આ સુવિધા માત્ર દિલ્હીના નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં કાર્યરત થઈ છે, પરંતુ ટૂંક સમયમાં તે ભારતના અન્ય વિસ્તારોમાં પણ ચાલુ થઈ જશે.
હાલમાં મળતી માહિતી મુજબ…
- આ નવી વ્યવસ્થા હેઠળ, આપણા સ્માર્ટફોનમાં ગૂગલ પે એપ ઓપન કર્યા પછી આપણને ‘જોબ્સ’નું એક બટન જોવા મળશે.
- તેના પર ક્લિક કરતાં આપણી કેટલીક મંજૂરીઓ માગવામાં આવશે, જેમાં મુખ્યત્વે આપણું નામ અને સ્થળ જેવી વિગતો સાથેનો આપણો પ્રોફાઇલ નવી વ્યવસ્થા એક્સેસ કરી શકશે એવી મંજૂરી માગવામાં આવશે.
- એ પછી સિસ્ટમ આપણને બે પાયાના સવાલો પૂછશે. પહેલો એ છે કે ‘‘તમે શું કરવા ઈચ્છો છો?’’ જેના જવાબના વિવિધ વિકલ્પોમાં ‘‘હું નોકરી શોધું છું’’ કે ‘‘હું વધુ શીખવા ઈચ્છું છું’’ જેવા વિકલ્પો જોવા મળશે.
- એ પછી આપણને પૂછવામાં આવશે કે આપણને કઈ બાબતોમાં રસ છે. એ ખાસ નોંધવા જેવું છે કે આપણે કઈ નોકરી શોધીએ છીએ તેવું સ્પષ્ટપણે પૂછવામાં આવતું નથી.
- તેને બદલે એવું પૂછવામાં આવશે કે ‘‘તમને કસ્ટમર્સ સાથે સીધી વાત કરવી ગમશે’’ કે ‘‘અન્ય કોઈ રીતે કસ્ટમર સર્વિસ આપવી ગમશે’’. આવા 12 જેટલા વિકલ્પો આપવામાં આવશે જેમાંથી આપણે ત્રણ પસંદ કરી શકીશું.
- બીજી તરફ ગૂગલે ઝોમાટો, સ્વિગી, ડુન્ઝો, 24સેવન અને ફેબ હોટેલ્સ જેવી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. આ કંપનીઓ તેમને જોઈતા ઉમેદવારોની જરૂરિયાતો ગૂગલ પર પોસ્ટ કરશે.
- ગૂગલ પેની સિસ્ટમ આ કંપનીની જરૂરિયાતો અને આપણે દર્શાવેલ રસનો મેળ બેસાડીને, આપણને જે નોકરી સૌથી વધુ અનુકૂળ આવી શકે તેમ હોય તે બતાવવાનું શરૂ કરશે!
- નોકરીની બાબતે નોકરીનું સ્થળ બહુ મહત્ત્વનો મુદ્દો હોય છે. સામાન્ય રીતે ગૂગલ આપણું લોકેશન જાણીને તેની નજીકમાં ઉપલબ્ધ હોય તેવી જ નોકરીઓ બતાવશે. પરંતુ તે ઉપરાંત કોઈ વ્યક્તિ દૂરના કોઈ સ્થળે પણ નોકરી કરવા તૈયાર હોય તો તે પણ ગૂગલને જણાવી શકાશે.
ગૂગલ પે પર આપણને નોકરીની તક બતાવવામાં આવે તે પછી આપણે ત્યાંથી જ નોકરી માટે અરજી કરી શકીશું અને તેના પર આગળનાં પગલાં જાણી શકીશું.
વાત અહીં પૂરી થતી નથી. ગૂગલ જાણે છે કે નોકરી શોધનાર વ્યક્તિ માટે એ પણ જરૂરી છે કે તે ઇન્ટરવ્યૂ પાર કરવા જેટલું જ્ઞાન ધરાવતો હોય. આથી દેખીતું છે કે નોકરી શોધતા લોકો તેમનું જુદા જુદા પ્રકારનું જ્ઞાન વધારી શકે તેવું કન્ટેન્ટ પણ શોધતા હશે. આથી ગૂગલ આપણે દર્શાવેલા રસ મુજબ આપણને ઉપયોગી થઈ શકે તેવી વેબસાઇટ્સ, જુદા જુદા લેખો, વિવિધ વીડિયો વગેરે પણ બતાવશે. ગૂગલે ૨૦૧૮માં આ સર્વિસ બાંગ્લાદેશમાં લોન્ચ કરી હતી અને ૫૦,૦૦૦ જેટલા લોકોને નોકરી સાથે કનેક્ટ કરી આપ્યાનો તેનો દાવો છે.

