વેકેશનના માહોલમાં, આવો જાણીએ ભારતીય રેલવેની જુદી જુદી સગવડ આપતી એપ્સ વિશે.
આગળ શું વાંચશો?
- આઇઆરસીટીસી રેલ કનેક્ટ
- આઇઆરસીટીસી ટુરિઝમ
- ફૂડ ઓન ટ્રેક
- મેનૂ ઓન રેલ્સ
- આઇઆરસીટીસી એર
- મહારાજાઝ એક્સપ્રેસ
ભારત અને ભારતીય રેલવે અભિન્ન છે. ભારતની ઓળખ મેળવવી હોય તો રેલવેમાં મુસાફરી કાફી છે. આમ રોજેરોજ ૨.૩ કરોડ ભારતીયો રેલવેમાં મુસાફરી કરે છે, પણ વેકેશન નજીક આવતાં આપણો રેલવે સાથેનો સંપર્ક ઘણો વધી જાય છે.
આ વેકેશનમાં તમે પ્રવાસ માટે રેલવે બુકિંગ કરાવી લીધું હોય કે પછી ઘેરબેઠાં, આર્મચેર ટ્રાવેલિંગ કરવું હોય, તો આઇઆરસીટીસીની કેટલીક એપ્સ હાથવગી રાખવા જેવી છે.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ભારતીય રેલવેની એક પેટાકંપની છે, જે રેલવે વતી કેટરિંગ, ટુરિઝમ અને ઓનલાઇન ટિકિટ બુકિંગની કામગીરી સંભાળે છે. આઇઆરસીટીસીની વેબસાઇટ દર મિનિટે ૧૨ લાખ હીટ્સ મેળવતી હોવાનો અંદાજ છે.
આવો જાણીએ, રેલવેની સફર જરા વધુ સગવડભરી બનાવતી, આઇઆરસીટીસીની કેટલીક સત્તાવાર એપ્સ.
રેલવે સંબંધિત બીજી અનેક એપ્સ છે, પણ અત્યારે માત્ર આઇઆરસીટીસી દ્વારા તૈયાર કરવામાં આવેલ એપ્સની વાત કરી છે.
આઇઆરસીટીસી રેલ કનેક્ટ
રેલવે રિઝર્વેશન માટેની એપ. ૨૦૧૪માં પહેલી વાર લોન્ચ થયેલી આ એપની ક્ષમતા સતત વધારવામાં આવી રહી છે. શરૂઆતમાં તેમાં દર મિનિટે ૨૦૦૦ ટિકિટ્સ બુક થતી હતી, હવે ૨૦,૦૦૦ થઈ શકે છે.
તમે આઇઆરસીટીસીમાં પહેલી વાર રજિસ્ટ્રેશન કરી રહ્યા હો તો એ વિધિ ઘણી લાંબી લાગશે. તમારે ૧૯-૨૦ પ્રકારની માહિતી આપવી પડશે. પછી કામ સહેલું બની જશે.
ઓનલાઇન રિઝર્વેશન વખતે, દરેક વાર માણસ તરીકે તમારી ઓળખ સાબિત કરવાની કેપ્ચા પદ્ધતિ તમને અકળાવતી હોય, તો આ એપમાં તમે મોબાઇલમાં ઓટીપી મેળવીને, કેપ્ચા બાયપાસ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
એપના હોમ સ્ક્રીન પર યૂઝરનેમની બાજુમાંના આઇ આઇકનને ક્લિક કરીને તમે એપમાં રિઝર્વેશનની સમગ્ર વિધિ સ્ક્રીનશોટ્સ સાથે સમજાવતી ૬૩ પેજની યૂઝર ગાઇડ ડાઉનલોડ કરી શકો છો.
આ એપ પરથી બુકિંગ ઉપરાંત તત્કાલ બુકિંગ, ટિકિટ કેન્સલેશન વગેરે કામ પણ થઈ શકે છે.
આઇઆરસીટીસી ટુરિઝમ
આઇઆરસીટીસી વિવિધ પ્રકારનાં ટુરિઝમ પેકેજ પણ ઓફર કરે છે. આ એપ પરથી તેની વિગતો મેળવીને બુકિંગ કરાવી શકાય છે. એપની સર્ચ સિસ્ટમ બહુ સારી નથી, પણ રેલવેનાં જુદાં જુદાં રોમાંચક પાસાંનો પરિચય મેળવવો હોય તો આ એપ ઉપયોગી થશે.
‘હિલ રેલવેઝ’ સેક્શનમાં તમે દક્ષિણની નિલગિરી માઉન્ટેઇન રેલવે, પૂર્વની દાર્જિલિંગ હિમાલયન રેલવેઝ, ઉત્તરની કાલકા-શિમલા રેલવે, માથેરાન રેલવે વિશે વધુ વિગતો જાણી શકશો. એટલું જ નહીં, આ ટ્રેન્સમાં સફર કેવી આહ્લાદક રહેશે એનો થોડો જાતઅનુભવ કરવા વર્ચ્ચુઅલ ટુરની મજા પણ માણી શકશો!
રેલવે મુસાફરી દરમિયાન, રેલવેના ફૂડની ક્વોલિટી સામે અવારનવાર સવાલો ઊઠતા હોય છે. તેમાં થોડી પારદર્શિતા લાવવા, ગયા વર્ષથી રેલવે કિચનના લાઇવ વીડિયો સ્ટ્રીમ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થયો છે, જેથી કોઈ રસોયાએ યોગ્ય યુનિફોર્મ ન પહેર્યો હોય, તો સિસ્ટમ તે પારખીને જવાબદાર અધિકારીને જાણ કરે છે. આ લાઇવ વીડિયો તમે આ એપમાં ‘હિલ રેલવેઝ’ સેક્શનમાં જોઈ શકો છો (એપમાં નેવિગેશનના ઘણા લોચા છે!).

‘ચાર્ટર’ સેક્શનમાં, રેલવેનું એક બિલકુલ અજાણ્યું પાસું તમે જાણી શકશો. બ્રિટિશ રાજના સમયમાં અંગ્રેજ અધિકારીઓ અને એ પહેલાં રાજા-મહારાજાઓ વૈભવી રેલવે સલૂનમાં મુસાફરી કરતા હતા. આઝાદી પછી એ વૈભવ ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પ્રધાનો માણતા આવ્યા છે. પરંતુ થોડા સમય પહેલાં, રેલવે પ્રધાન પિયૂષ ગોયલે, તેમના પોતાના માટે રિઝર્વ્ડ બે સલૂન કોચ સહિત, રેલવેનાં તમામ સલૂન્સ જાહેર જનતા માટે ઉપલબ્ધ કરી દીધાં છે.
હવે તમે ઇચ્છો તો નિશ્ચિત ચાર્જ ચૂકવી, લગભગ કોઈ પણ ટ્રેનમાં તમારું પોતાનું સલૂન જોડાવીને તેમાં મુસાફરી કરી શકો છો! આ સલૂનમાં સોફાસેટ અને ટીવી સાથેના લિવિંગ કમ ડાઇનિંગ રૂમ, કપબોર્ડ્સ, રાઇટિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, એટેચ્ટ બારૂથરૂમ વગેરે સાથેના બે ટવીન એસી બેડરૂમ તથા ગેસ સ્ટવ, ફ્રિઝ, જરૂરી વાસણો અને આરઓ વોટર પ્યુરિફાયર સાથેના કિચનની સગવડ મળે છે. અલબત્ત, આ લક્ઝરી ટુરનો ખર્ચ લાખોમાં છે. થોડા સમય પહેલાં મુંબઈના એક બિઝનેસમેને દીકરાના જન્મદિવસ માટે રૂા. ૨.૨ લાખના ખર્ચે આવું સલૂન બુક કરાવ્યું હતું.
ફૂડ ઓન ટ્રેક
રેલવે મુસાફરીની ખરી મજા, ટ્રેનમાં જાતભાતની ખાણીપીણીમાં છે. આ એપની મદદથી તમે આઇઆરસીટીસીની ઇ-કેટરિંગ સર્વિસનો લાભ લઈ શકો છે. આ સર્વિસ હેઠળ વેબસાઇટ, એપ કે ૧૩૨૩ નંબર પર કોલ કરીને ફૂડનો ઓર્ડર બુક કરી શકાય છે.
એપના હોમસ્ક્રીન પર સૌથી પહેલાં તમારો પીએનઆર નંબર પૂછવામાં આવશે. પછી જે સ્ટેશન પર ફૂડ ડિલિવર કરાવવું હોય તે પસંદ કરતાં, એ સ્ટેશન માટે ઉપલબ્ધ મેનૂ અને દરેક ફૂડ આઇટમની કિંમતો જોવા મળે છે. આપણે કેશ ઓન ડિલિવરી અથવા ઓનલાઇન પેમેન્ટના વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
આ સર્વિસ સવારના ૬ થી રાતના ૧૦ સુધી ઉપલબ્ધ છે, જો આપણી ટ્રેન ફૂડ ડિલિવરી માટે નિર્ધારિત સ્ટેશને રાતના ૧૦ પછી પહોંચે અને ફૂડ ડિલિવર ન થાય તો પૂરું રિફંડ મળે છે. તમારી પાસે કન્ફર્મ્ડ ટિકિટ ન હોય, વેઇટ લિસ્ટેડ ટિકિટ હોય તો પણ તમે ફૂડ બુક કરાવી શકો છો, અલબત્ત, ટિકિટ કન્ફર્મ થાય તો જ ફૂડની ડિલિવરી થાય છે.
મેનૂ ઓન રેલ્સ
આઇઆરસીટીસી દ્વારા જુદી જુદી ટ્રેનમાં વિવિધ પ્રકારની ફૂડ આઇટમ્સ આપવામાં આવે છે, જે રાજધાની, શતાબ્દિ જેવી ટ્રેનમાં ટિકિટની કિંમતમાં જ સામેલ હોય છે અથવા અન્ય ટ્રેન્સમાં પ્રવાસી ખરીદી શકે છે. પરંતુ આ ફૂડ આઇમ્સના પ્રમાણ અને કિંમતો માટે વારંવાર ફરિયાદો ઊઠતી હોય છે.
તેના ઉપાય તરીકે, ગયા વર્ષે ‘મેનૂ ઓન રેલ્સ’ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ વિવિધ ટ્રેન્સમાં આઇઆરસીસીટીસી તરફથી, જુદા જુદા ક્લાસમાં આપવામાં આવતી તમામ ફૂડ આઇટમ્સ અને તેનું પ્રમાણ દર્શાવવામાં આવે છે.
જે ટ્રેન્સમાં આ વાનગીઓ ખરીદી શકાય તેમ હોય તેની કિંમત પણ દર્શાવવામાં આવે છે. એ જ પેજ પરથી, ફૂડ ઓન ટ્રેક એપમાં જઈને આપણે ફૂડ ઓર્ડર પણ કરી શકીએ છીએ.
આઇઆરસીટીસી એર
આપણે આઇઆરસીટીસીને માત્ર રેલવે માટે ઓળખીએ છીએ, પણ આ કંપની ફ્લાઇટ બુકિંગની સેવા પણ આપે છે.
આ એપ ડાઉનલોડ કરીને તમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સર્ચ કરીને તેનું બુકિંગ કરી શકો છો. યૂઝર ઇન્ટરફેસ ઘણો સરળ છે.
મહારાજાઝ એક્સપ્રેસ
ભારતીય રેલવે પર અંગ્રેજોના જમાનાની ઘેરી અસર છે, જે મહારાજાઝ એક્સ્પ્રેસ નામની અતિ વૈભવી ટ્રેન સ્વરૂપે હજી જળવાઈ રહી છે.
ભારતીય રેલવે રાજાશાહી ઠાઠમાઠ સાથે વિવિધ ટુરિસ્ટ પ્લેસીઝની સફર કરાવતી સ્પેશિયલ ટ્રેન દોડાવે છે, જેનો ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ વધુ લાભ લે છે. આ એપ, આવા મુસાફરો માટેના ડિજિટલ બ્રોશર જેવી છે. તેમાં વિવિધ ટુર અને તેમાંના દરેક સ્થળનાં સાઇટ-સીઇંગનું લિસ્ટ, ટ્રેનમાં ઉપલબ્ધ, ખરીદી શકાય તેવી ચીજવસ્તુઓ તથા કોકટેઇલ્સ, મોકટેઇલ્સ, વાઇન્સ વગેરેનું પ્રાઇસલિસ્ટ વગેરે જોઈ શકાય છે.
તમે હાલના સમયના ‘રાજા-મહારાજા’ ન હો તો આ એપ ખાસ ઉપયોગી નથી, ફક્ત આપણે જે રેલવે જોઈએ છીએ, તેના બિલકુલ બીજા છેડાના પાસા પર પણ જરા નજર નાખવા જેવી છે!


