સ્માર્ટફોન યૂઝર્સની દુનિયા બે પ્રકારના લોકોમાં વહેંચાયેલી છે – આઇફોન યૂઝર્સ અને એન્ડ્રોઇડ યૂઝર્સ! એન્ડ્રોઇડના યૂઝર્સનું પ્રમાણ હવે ઘણું વધુ છે, છતાં થેન્ક્સ ટુ સ્ટીવ જોબ્સ, આઇફોન એક આઇકોનિક બ્રાન્ડ છે! કદાચ એ જ કારણે એન્ડ્રોઇડ યૂઝર્સને ‘આઇફોનમાં એવું તે શું હોય છે?’ એ જાણવાની ખાસ ઉત્સુકતા હોય છે.
તમને પણ આવી જિજ્ઞાસા હોય કે તમે આઇફોનનો ઉપયોગ કરતા હો પણ તેનાં બધાં ફીચર્સની પૂરી સમજ ન હોય તો અહીં ટૂંકમાં, આઇફોન (અને એપલનાં વિવિધ ડિવાઇસ)માં ઉપલબ્ધ કેટલાંક મુખ્ય ફીચર્સની પ્રાથમિક માહિતી મેળવીએ. તમે આગળ જોશો તેમ, ફીચર્સની દૃષ્ટિએ એન્ડ્રોઇડ અને એપલ બહુ નજીક છે, છતાં એપલનો એક વાર ઉપયોગ કરનારા લોકોને એપલ જેવી મજા એન્ડ્રોઇડમાં ક્યારેય મળતી નથી, એ હકીકત છે!
આઇઓએસ
આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમનું નામ. જેમ આપણા જાણીતા પીસીમાં વિન્ડોઝ હોય છે તેમ. ૨૦૦૭માં ઍપલે આ પ્રોડક્ટ લોન્ચ કરી ત્યારે તેને આઇફોન ઓએસ નામ આપ્યું હતું, પછી આઇફોન ૩જીની શરૂઆત થઈ ત્યારથી એ નામ આઇઓએસ થઈ ગયું. હવે તેની પાછળ વર્ઝનનો નંબર ઉમેરાય છે, જેમ કે આઇઓએસ૧૨.
આઇક્લાઉડ
આઇક્લાઉડ એક પ્રકારની ક્લાઉડ સ્ટોરેજ વ્યવસ્થા છે, જેમાં તમે તમારા ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, એપ્સ વગેરે સ્ટોર કરી શકો છો, જે તમારા વિવિધ એપલ ડિવાઇસીસમાં સિન્ક્ડ રહે છે. આઇક્લાઉડમાં ૫ જીબી ફ્રી સ્ટોરેજ મળે છે, વધુ સ્પેસ ખરીદી શકાય. જો તમારી પાસે વિન્ડોઝ કમ્પ્યુટર હોય તો તમે તમારા બ્રાઉઝરમાં icloud.com પર જઈએ એપલ આઇડી ક્રિએટ કરી શકો છો! કેટલાક ખાસ રસ્તા અજમાવીને તમે એન્ડ્રોઇડમાં પણ આઇક્લાઉડની સગવડો મેળવી શકો.
સિરી
જેમ એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટ તેમ આઇફોનમાં આ તમારી પર્સનલ સેક્રેટરી. હોમ બટન પર પ્રેસ કરીને કંઈ પણ પૂછતાં સિરી જવાબ આપશે. સિરીને વોઇસ કમાન્ડ આપીને તમે ટાઇપ પણ કરી શકો અને રેસ્ટોરાંમાં બુકિંગ સહિતનાં ઘણાં કામ તેની પાસે કરાવી શકો.
સિરીની મદદથી સ્માર્ટ હોમ ગેજેટ્સને પણ કંટ્રોલ કરી શકાય.
આઇમેસેજ
એપલને વર્ષોથી સમજાઈ ગયું કે એસએમએસને સ્માર્ટ બનાવ્યા વિના ચાલશે નહીં. એટલે તેણે પોતાની મેસેજિંગ સર્વિસ વિક્સાવી. આ સર્વિસ એપલ ડિવાઇસીસ (મેક કમ્પ્યુટર્સ સહિત)માં જ અંદરોઅંદર કામ કરે છે અને તેનો મની પેમેન્ટ, ગેમ્સ રમવા અને બીજી ઘણી બાબતો માટે ઉપયોગ કરી શકાય છે. મજા એ છે કે એપલ ડિવાઇસીઝમાં તેનાં બધાં ફીચર્સ કામ લાગે, પણ સામેની વ્યક્તિ પાસે એપલ ડિવાઇસ ન હોય ત્યારે તેને સાદો ટેક્સ્ટ મેસેજ મળે!
ડુ નોટ ડિસ્ટર્બ
આ ફીચર તમે પસંદ કરેલા સમયે ઇનકમિંગ કોલ્સ અને નોટિફેકશન્સને સાઇલન્ટ કરી દે છે. જોકે તમારા ફેવરિટ લોકો કે વારંવાર કોલ કરતા લોકોના ફોન આવે તેને તે મ્યુટ નથી કરતું.
કંટ્રોલ સેન્ટર
તમારા આઇફોનનાં તમામ ફીચર્સનાં સેટિંગ્સ અહીંથી થઈ શકે છે. સેટિંગ્સ ઉપરાંત, કંટ્રોલ સેન્ટરની મદદથી ફોટો લેવો, લાઇટ્સ ઓન કરવી, મીડિયા પ્લેને કંટ્રોલ કરવો વગેરે જુદાં જુદાં ઘણાં કામ કરી શકો. આઇફોનના પાવર યૂઝર બનવા તમારે આ કંટ્રોલ સેન્ટર, તેનું કસ્ટમાઇઝેશન અને તેના શોર્ટકટ્સ શીખવા રહ્યા.
ટચ આઇડી/ફેસ આઇડી
એન્ડ્રોઇડની જેમ જ આઇફોનને અનલોક કરવા, ખરીદીને મંજૂર કરવા કે બીજાં પગલાં લેવા ફિંગરપ્રિન્ટ (ટચ આઇડી) કે ચહેરાની ઓળખ (ફેસ આઇડી) જેવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાની સુવિધા.
ફેસટાઇમ
તમારી જેમ, અન્ય એપલ ડિવાઇસીસ પર આ સર્વિસનો ઉપયોગ કરતા લોકો સાથે ફ્રી વોઇસ કોલ્સ અને વીડિયો કોલ્સ કરી શકો છો. તમે ફેસટાઇમ એપ ઓપન કરીને અથવા કોન્ટેક્ટ્સમાં જઈને ફેસટાઇમ વીડિયો કે ઓડિયો બટન પર ક્લિક કરીને કોલ કરી શકો.
પર્સનલ હોટસ્પોટ
તમારા આઇફોનનું પર્સનલ હોટસ્પોટ, જેનાથી તમે તમારું ઇન્ટરનેટ કનેક્શન બીજા ડિવાઇસ સાથે વાઇ-ફાઇ, બ્લ્યુટૂથ કે યુએસબી દ્વારા શેર કરી શકો છો.
એપલ પે
આ પણ એપલે પોતે વિક્સાવેલી આગવી પેમેન્ટ સિસ્ટમ છે. તેમાં તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો ઉમેરી દો પછી ગમે ત્યાં તમારા ફોનથી પેમેન્ટ કરી શકો છો. વિકસિત દેશોમાં એપલપે અત્યંત લોકપ્રિય સર્વિસ છે.
એરપ્લે
એપલની પોતાની લોકલ સ્ટ્રીમિંગ ટેક્નોલોજી, જેની મદદથી તમે તમારા એપલ ડિવાઇસમાંથી વીડિયો, ફોટોઝ, મ્યુઝિક વગેરે તમારા એપલ ટીવી કે સ્પીકર્સ પર પ્લે કરી શકો છો. ટૂંક સમયમાં એરપ્લે એપલ સિવાયનાં સ્માર્ટ ટીવી પર પણ ચાલશે.
રીડિંગ લિસ્ટ
એપલના સફારી બ્રાઉઝરમાં ‘રીડ ઇટ લેટર’ની સુવિધા છે, જે મેકમાં પણ ચાલે છે. એટલે કે એપલના કોઈ પણ ડિવાઇસમાં સફારી બ્રાઉઝરમાં નેટ સર્ફિંગ કરતી વખતે, જે કન્ટેન્ટ ગમે તેને રીડિંગ લિસ્ટમાં ઉમેરવા માટે શેર બટનની મદદ લો. પછી રીડિંગ લિસ્ટમાં તે ઓફલાઇન પણ વાંચી શકાશે.
એરડ્રોપ
આઇફોન, આઇપેડ અને મેકમાં ફાઇલ્સની આપલે કરવા માટેની વાયરલેસ, બ્લુટૂથ ટેક્નોલોજી આધારિત મેથડ.
એનિમોજી
એપલની વધુ એક આગવી સુવિધા. એનિમેશન અને ઇમોજીઝનું મિશ્રણ એટલે એનિમોજી. તમે તમારા ચહેરાના હાવભાવ એનિમોજીના રૂપમાં અદલોઅદલ બતાવી શકો છો. આ એનિમોજી અત્યારે આઇફોન એક્સ-એક્સક્લુઝિવ ફીચર છે કારણ કે તેમાં તમારા ચહેરાની ઓળખ માટે ટ્રુ ડેપ્થ કેમેરાનો ઉપયોગ થાય છે.
હેન્ડઓફ
એપલનાં વિવિધ ડિવાઇસીઝ વચ્ચે કામ ચાલતું રાખવાની એક મજાની સુવિધા. તમે આઇફોનમાં કોઈ ઈમેઇલ ડ્રાફ્ટ કરી રહ્યા હો અને પછી મેક પર કંઈ તપાસીને ત્યાંથી તેને પૂરો કરવો હોય તો એ કામ હેન્ડઓફથી શક્ય બને. ચાહો તો આ જ રીતે, મેકમાં શરૂ કરેલું કામ તમે આઇફોનમાં પૂરું કરી શકો.
નાઇટ શિફ્ટ
સ્માર્ટફોનથી લોકોની ઊંઘ હરામ થાય છે એવી ચર્ચાનોજવાબરૂપે એપલે વિક્સાવેલી સુવિધા. તેનાથી રાતના સમયે આઇફોન કે આઇપેડના ડિસ્પ્લેનું કલર સ્પેક્ટ્રમ બદલાય છે, જેથી આપણી આંખોને આરામ મળે. તમે ઇચ્છો ત્યારે તેને ઇનેબલ કરી શકો અથવા નિશ્ચિત સમયે તે ઓટોમેટિક ઓન થાય એવું સેટિંગ પણ કરી શકો.
કારપ્લે
એન્ડ્રોઇડના એન્ડ્રોઇડ ઓટો જેવી એપલની સુવિધા.
તેની કારપ્લે સર્વિસથી તમારા આઇફોનને બ્લુટૂથ કે યુએસબીથી કારના ડેશબોર્ડ સાથે કનેક્ટ કરી શકાય. એમ પછી તમે નેવિગેશન માટે એપલ મેપ્સનો ઉપયોગ કરી શકો, સિરી સાથે વાત કરી શકો, કોલ્સ રીસિવ કરી શકો, આઇફોનમાંથી મ્યુઝિક પ્લે કરી શકો વગેરે ઘણું કરી શકાય.


