એપલ કંપનીએ તેની ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું ૧૩મું વર્ઝન લોન્ચ કરી દીધું છે. મજાની વાત એ છે કે આ નવું વર્ઝન લોન્ચ થયાને હજી એક અઠવાડિયું પણ નહોતું થયું ત્યાં તેમાં ૧૩.૧નો અપડેટ પણ આવી ગયો છે!
આઇઓએસ ૧૩ વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો પર ફટાફટ નજર ફેરવી લઇએઃ
- નવી આઇઓએસ ૧૩ આઇફોન એક્સએસ, આઇફોન એક્સએસ મેક્સ, આઇફોન એક્સઆર, આઇફોન એક્સ, આઇફોન-૮, આઇફોન ૮ પ્લસ, આઇફોન ૭, આઇફોન ૭ પ્લસ, આઇફોન ૬એસ, આઇફોન ૬ એસ પ્લસ, આઇફોન એસઇ અને આઇપોડ ટચ (સેવન્થ જનરેશન) માટે ઉપલબ્ધ રહેશે. આગામી આઇફોન ૧૧, ૧૧ પ્રો અને ૧૧ પ્રો મેક્સમાં પહેલેથી આઇઓએસ ૧૩ હશે.
- નવી આઇઓએસમાં હવે સમગ્ર સિસ્ટમમાં ડાર્કમોડ ઉપલબ્ધ થશે.
- ફેસ આઇડી ડિટેક્શન વધુ ઝડપી બનશે.
- સમગ્ર સિસ્ટમમાં અન્ડર-ધ-હૂડ અપડેટ્સને કારણે આઇફોન હજી વધુ ઝડપી બન્યો છે.
- સમગ્ર સિસ્ટમ ઉપરાંત એપલે તેની પોતાની એપ્સમાં પણ સંખ્યાબંધ અપડેટ્સ ઉમેર્યા છે.
- એપલ મેઇલ, મેસેજિસ, સફારી, ફોટોઝ, ફાઇલ્સ, હેલ્થ, એપ સ્ટોર, મ્યુઝિક, રિમાઇન્ડર્સ અને નોટ્સ એપમાં નવી ફંકશનાલિટી ઉમેરાઈ છે તેમજ લૂક એન્ડ ફિલમાં પણ ફેરફાર કરાયા છે.
- ફોટોઝ એપમાં હવે ફોટોગ્રાફમાં ફેરફાર કરવા માટે એડિટીંગ ટૂલ્સ પણ ઉમેરાયા છે.
- હવે એક જ આઇફોન સાથે બે પેર એરપોડ્સ કનેક્ટ કરી શકાશે. અને એક સાથે બે વ્યક્તિ એક આઇફોન પર ઓડિયો વિઝ્યુઅલનો આનંદ લઈ શકશે.
- નવી આઇઓએસથી એપલ સિરી ઇન્ડિયન ઇંગ્લિશનો સપોર્ટ મળશે. ઉપરાંત સિરી હવે વધુ ભારતીય લાગે તેવો ઇન્ડિયન મેલ અને ફિમેલ વોઇસ ધરાવશે.
- આઇઓએસ ૧૩માં હવે કુલ ૨૨ ભારતીય ભાષાઓને સપોર્ટ મળ્યો છે. અલબત્ત આપણે કામની ભાષાઓ તેમાં પહેલેથી જ છે.
- આઇઓએસ ૧૨થી હિન્દી કીબોર્ડનો સપોર્ટ મળ્યો હતો તેમ છતાં હિન્દીમાં ટાઇપિંગ થોડું મુશ્કેલ હતું કેમ કે તેમાં હિન્દી શબ્દોનું પ્રીડિકશન્સ ઉપલબ્ધ નહોતું. આ સુવિધા નવી આઇઓએસમાં મળી ગઈ છે જેને કારણે આપણે હિન્દીમાં કંઈક ટાઇપ કરશું તો સિસ્ટમ પોતે આગલું હિન્દી શબ્દ સૂચવશે.
- નવી આઇઓએસથી હિન્દી ઉપરાંત ગુજરાતી, ગુરમુખી, કન્નડ અને ઉડિયા ભાષા માટેના સિસ્ટમ્સ ફોન્ટસ પણ મળ્યા છે.
- નવી આઇઓએસથી હોટસ્ટાર, નેટફ્લિક્સ જેવી એપ પર સ્ટ્રીમિંગ વધુ સરળ બનશે અને આવી એપ્સ નેટવર્ક પર ભીડ ન હોય ત્યારે સ્ટ્રીમિંગ કરી શકશે.
- તમારા એપલ ડિવાઇસમાં આઇઓએસ ૧૩ ઇન્સ્ટોલ થઈ શકે તેમ હોય તો સેટિંગ્સમાં આપનું નામ, આઇક્લાઉડ, આઇક્લાઉડ બેકઅપ, બેકઅપ નાઉ પર ક્લિક કરીને તમારા આઇફોનને બેકઅપ કરો અથવા આઇટ્યૂન્સની મદદથી આપના પીસી કે મેક ડિવાઇસમાં ફોનનો બેકઅપ લઇ લો.
- આઇઓએસ ૧૩થી તમારા ડેટા, ડોક્યુમેન્ટસ, ફાઇલ્સ, એપ્સ અને સેટિંગ્સમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ છતાં સાવચેતીરૂપે આ ડેટાનો પણ બેકઅપ લઈ લેવો ઇચ્છનીય છે.
- એ પછી સેટિંગ્સ, જનરલ અને તેમાં સોફ્ટવેર અપડેટમાં જાઓ. અહીં તમને ડાઉનલોડ પ્રક્રિયા શરૂ કરવા માટે ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલ બટન જોવા મળશે. તેને ક્લિક કરવાથી નવી આઇઓએસ ડાઉનલોડ થવાની પ્રોસેસ શરૂ થશે. ફોનમાં પૂરતી બેટરી હોય અને સારું વાઇ-ફાઇ કનેકશન હોય તે સુનિશ્ચિત કરી લેશો.
- નવી આઇઓએસ ડાઉનલોડ થયા પછી ઇન્સ્ટોલ બટન ક્લિક કરીને તમારા ડિવાઇસમાં નવી આઇઓએસનું ઇન્સ્ટોલેશન શરૂ કરો.
- આ દરમિયાન તમારે નવા સોફ્ટવેર અને તેના ફીચર્સ સંબંધિત એપલની શરતો અને નિયમોને મંજૂરી આપવી પડશે.
- આખી પ્રોસેસ પૂરી થયા પછી આપનું ડિવાઇસ રીસ્ટાર્ટ થશે અને તમે નવી આઇઓએસનો આનંદ માણી શકશો.
