મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ છેલ્લા થોડા સમયથી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવાની મથામણ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ કંપનીના પ્રીમિયમ માટેની સર્વિસ શરૂ કર્યા પછી હવે પેટીએમ લોકોને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન પણ આપશે.આ અગાઉ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક, પેટીએમ પોસ્ટ પેઇડ સર્વિસ દ્વારા વેપારીઓને રૂપિયા ૬૦,૦૦૦ સુધીની ક્રેડિટ આપતી હતી, પરંતુ તે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની ન હોવાથી તેના આ પગલાંને અદાલતમાં પડકારવામાં આવ્યું હતું. આથી હવે પેટીએમ બેન્કે અન્ય સ્થાપિત બેન્ક કે નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીના સાથમાં ડિજિટલ લોન આપવાનું શરૂ કર્યું છે.
આ અગાઉ પેટીએમે આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે જોડાણ કર્યું હતું પરંતુ તે નિષ્ફળ ગયું હતું.
હવે પેટીએમે ક્લિક્સ ફાયનાન્સ નામની એક નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની તથા ટાટા કેપિટલ અને ઇન્ડિફાય નામની કંપની સાથે જોડાણ કરીને ડિજિટલ લોન્સ ઓફર કરવાનું શરૂ કર્યું છે.
આ માટે કંપની યૂઝર્સની લેવડદેવડની હિસ્ટ્રી તપાસીને તેમને કેટલી લોન મળી શકે તેમ છે તે નક્કી કરશે અને તેને આધારે ઇન્સ્ટન્ટ લોન આપશે. હાલ પૂરતું કંપની આ સર્વિસ માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પર ફોકસ કરી રહી છે.

