વાહન સંબંધિત દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સાચવવાની સગવડ આપતી આ એપ, વિચારની દૃષ્ટિએ ઘણી સારી છે, પણ અમલમાં હજી પ્રારંભિક અડચણો દેખાઈ રહી છે.
ટ્રાફિક ચલણના મુદ્દે સામાન્ય નાગરિકો પોલીસ સાથે અને રાજ્યો કેન્દ્ર સાથે બાખડી પડ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડમાં કરવામાં આવેલો વધારો આકરો છે કે નહીં અથવા વાજબી છે કે નહીં એની ચર્ચા બાજુએ રાખીએ અને હાલની સ્થિતિમાં આપણને જે ઉપયોગી થવાની શક્યતા છે, એ એપની વાત કરીએ.
નવા નિયમોની જાહેરાત સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટ્રાફિક પોલીસ આપણી પાસે વાહનનાં કાગળિયાં માગે અને આપણે તે ડિજિટલ સ્વરૂપે બતાવીએ તો તે માન્ય ગણાશે.
પરંતુ ડિજિટલ સ્વરૂપ એટલે ડ્રાઇવિંગ લાયસન્સ કે આરસી બુક કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટના સ્માર્ટફોનથી પાડેલા ફોટા નહીં, પરંતુ ‘ડિજિલોકર’ (digilocker.gov.in) કે ‘એમપરિવહન’ (mparivahan) એપમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહાયેલી આ બધી બાબતો.
છેલ્લા થોડા સમયથી ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાન હેઠળ ભારતમાં જુદી જુદી બાબતોને કાગળિયાંને બદલે ડિજિટલ સ્વરૂપ આપવાની રીતસર ઝૂંબેશ ચાલી છે. ડિજિલોકરમાં આપણે વિવિધ સત્તાતંત્રો તરફથી મળતાં પ્રમાણપત્રોને કાયમ માટે ડિજિટલ સ્વરૂપે સાચવી શકીએ છીએ. ડિજિલોકરનો વ્યાપ આરટીઓ સંબંધિત ડોક્યુમેન્ટ્સ કરતાં ઘણો વધુ વ્યાપક છે.
એમપરિવહન એપ તેના નામ પ્રમાણે વાહનના ઉપયોગ સંબંધિત એપ છે. તેમાં આપણે પોતાના મોબાઇલ નંબરથી સાઇનઅપ થઇ શકીએ છીએ. તે પછી તેમાં આપણા ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર આપતાં આ એપમાં તેની તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે સ્ટોર થઈ જાય છે. એ જ રીતે વાહનનો નંબર લખીને આરસી બુકમાંની વિગતો ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી શકાય છે. જે આપણે પોલીસને નેટ કનેક્શન વિના પણ બતાવી શકીએ છીએ.
એપમાં લખ્યા મુજબ આપણું ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક ડિજિટલી સાઇન્ડ ડોક્યુમેન્ટ તરીકે આઇટી એક્ટ ૨૦૦૦ હેઠળ, જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે (એટલે કે ફોનના સ્ક્રીન પર ટ્રાફિક પોલીસને બતાવવામાં આવે) ત્યારે તે માન્ય ગણાય છે.
એપમાં આરટીઓ તરફથી નોટિફિકેશન્સ, ચલણ અને વાહન ટો થયું હોય તો તેની જાણકારી મેળવવાની પણ સુવિધા છે.
અહીં સુધી બધું એકદમ બરાબર છે, પણ અમલની બાબતે એપમાં હજી થોડા લોચા છે. આ લેખ માટે ટેસ્ટિંગ કરતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો એપે સર્ચ કરી બતાવી અને ડિજિટલ સ્વરૂપે સ્ટોર કરી આપી પરંતુ વાહનનો નંબર આપ્યા પછી આરસી બુકની વિગતો ધરાર ન આપી (આ અનુભવ ઘણા લોકોનો છે)!
વાહનનો નંબર લખતી વખતે સ્પેસ આપવી કે ન આપવી, ડેશનો ઉપયોગ કરવો કે નહીં વગેરે સ્પષ્ટતા ન હોવાથી આપણે નંબર યોગ્ય રીતે સર્ચ કરી રહ્યા છીએ કે નહીં તેની અવઢવ રહે છે (આવી સ્પષ્ટતા ડિજિલોકર એપમાં છે!). આ સહેલાઈથી સુધારી શકાય તેવી ખામી છે.
એપના રીવ્યૂમાં સંખ્યાબંધ યૂઝર્સે લખ્યા મુજબ, આ એપમાં આપણા ડોક્યુમેન્ટસ ડિજિટલ સ્વરૂપે સ્ટોર થઈ જાય તો પણ જો એપ અપડેટ થાય તો ઘણા યૂઝર્સનો અનુભવ છે કે તેમણે ડોક્યુમેન્ટ્સ ફરી સર્ચ કરીને સ્ટોર કરવાં પડે છે.
આનો અર્થ સમજાયો? એવું બની શકે કે ટ્રાફિક પોલીસ રોકે ત્યારે આપણે હૈયે પૂરતી ધરપત સાથે એપ ઓપન કરીને ડોક્યુમેન્ટ્સ બતાવવા જઇએ, પણ ત્યારે એમાં આપણા ડોક્યુમેન્ટ્સ શોધ્યાં જડે જ નહીં!
આ એપના દાવા મુજબ તેમાં માત્ર વાહનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને કોઈ પણ પાર્ક થયેલ, એક્સિડેન્ટ થયેલ કે ચોરાયેલ વાહનની વિગતો જાણી શકાય છે. આપણે સેકન્ડ હેન્ડ વાહન ખરીદવા માગતા હોઈએ ત્યારે તેના અગાઉ કેટલા માલિકો બદલાઈ ચૂક્યા છે તેની હકીકત પણ આ એપ પર જાણી શકાય છે.
એ સિવાય આરટીઓ સંબંધિત વિવિધ માહિતી, ડ્રાઇવિંગ લાયસન્સના મોક ટેસ્ટની માહિતી (જે આ લખાઈ રહ્યું છે ત્યારે કોરી છે) વિવિધ જગ્યાએ ટ્રાફિકની સ્થિતિ વગેરે જાણી શકાશે (જેને માટે આપણને અલગ એપ ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે).
આ એપમાં આપણો ઇમરજન્સી પ્રોફાઇલ તૈયાર કરવાની, ૧૦૨ ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવવાની કે નજીકના સંબંધીઓના કોન્ટેક્ટ નંબર ઉમેરવાની પણ સગવડ છે, જે ઇમરજન્સીમાં કામ લાગી શકે. અલબત્ત આમાંનું ઘણું હજી ડેવલપમેન્ટના સ્ટેજ પર હોય તેવી સ્થિતિ છે.
ટૂંકમાં આ એપની સ્થિતિ ભારતના ટ્રાફિક જેવી છે, નિયમો સારા છે પણ અમલમાં ગરબડ છે!

