ફોટોઝ એપમાં હવે નબળા નેટ કનેક્શનમાં પણ ઝડપથી બેકઅપ લઈ શકાશે.
‘‘દરેક તસવીરમાં કંઈક મજાની સ્ટોરી છૂપાયેલી હોય છે…’’ આ વાત રોજેરોજ વોટ્સએપ, ફેસબુક કે ટવીટરમાં ઢગલાબંધ આવતી તસવીરો જોવાથી ન સમજાય કે ન સમજાય,. પોતાના પરિવાર કે મિત્રો સાથેની તસવીરો ફંફોસીએ ત્યારે ચોક્કસ સમજાય!
આજે એવી સ્થિતિ છે કે આપણે રોજેરોજ, સંખ્યાબંધ તસવીરો લઈએ છીએ, પણ એ શા માટે લઈએ છીએ એ ભૂલી જઈએ છીએ. તસવીરો વહેતી ક્ષણને યાદગીરી રૂપે સાચવી લેવા માટે હોય છે, પણ એ તસવીરોને ફરી જોવાનું યાદ જ ન આવે તો તસવીર લીધાનો અર્થ શો?
અથવા યાદ આવે, તો એ તસવીરો ક્યાં હશે – મોબાઇલમાં, કમ્પ્યુટરમાં, પેનડ્રાઇવમાં કે જૂની સીડીમાં… ક્યાં હશે એ ખબર ન હોય તોય ફોટો લીધાનો શો અર્થ?
તમે આવી તકલીફનો સામનો કરતા હો તો તમને કદાચ તમને ખબર હશે, વર્ષ ૨૦૧૫માં ગૂગલે ફોટોઝ નામની બહુ મજાની સર્વિસ લોન્ચ કરી હતી (‘સાયબરસફર’ના જુલાઈ ૨૦૧૫ અંકમાં અને ત્યાર પછીના અંકોમાં આપણે તેની વિગતવાર વાત કરતા રહ્યા છીએ).
આ સર્વિસ તમારા ફોટોઝનું એક જ, કાયમી સરનામું બની શકે છે. હવે ઘણા ફોનમાં ડિફોલ્ટ ગેલેરી એપ તરીકે આ ફોટોઝ એપ જ હોય છે, પણ મોટા ભાગના લોકો તેની ખૂબીઓનો પૂરો લાભ લેતા હોય એવું લાગતું નથી!
એપના સેટિંગ્સમાં ‘બેક અપ એન્ડ સિન્ક’માં જાઓ.
તેમાં ‘બેકઅપ મોડ’માં જાઓ.
અહીં ‘એક્સ્પ્રેસ’ મોડની વિગતો તપાસો.
આ સર્વિસના લાભ જુઓ
- આ સર્વિસમાં આપણે અનલિમિટેડ ફોટોઝ અને વીડિયોઝ સ્ટોર કરી શકીએ છીએ.
- મોબાઇલમાં વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટાની મદદથી, આપણે ઇચ્છીએ તે ફોલ્ડરમાંના ફોટોઝ આપોઆપ ક્લાઉડમાં સેવ થાય એવું સેટિંગ થઈ શકે છે.
- તમે કોઈની પણ સાથે, તમારું આખું ફોટો કલેક્શન કે જુદાં જુદાં આલબમ શેર કરી શકો છો.
- આ એપના સેટિંગ્સમાં, એક ક્લિકે ક્લાઉડમાં સેવ થયેલા ફોટોઝ મોબાઇલમાંથી ડિલીટ કરી, મોબાઇલમાં જગ્યા કરી શકાય છે!
આ બધી વાત તમારે માટે અજાણી હોય તો આ એપ કે તેનું વેબ વર્ઝન ફંફોસી જુઓ.
મૂળ મુદ્દાની અને નવી વાત એ છે કે હવે આ એપમાં ‘એક્સ્પ્રેસ બેકઅપ’ની સુવિધા ઉમેરાઈ છે, તમે એપના સેટિંગ્સમાં બેકઅપના વિકલ્પો જોશો, તો તેમાં ‘હાઇ ક્વોલિટી’ અને ‘ઓરિજિનલ ક્વોલિટી’ ઉપરાંત ‘એક્સ્પ્રેસ બેકઅપ’ના વિકલ્પો દેખાશે.
નવા ઉમેરાયેલા એક્સ્પ્રેસ બેકઅપના વિકલ્પમાં હાઇ ક્વોલિટી કરતાં થોડા ઓછા રેઝોલ્યુશને, પણ નબળા વાઇ-ફાઇ કે ડેટા કનેક્શનમાં પણ ફટાફટ બેકઅપ લઈ શકાશે.
પહેલા વિકલ્પમાં અનલિમિટેડ ફોટોઝ હાઇ-રેઝોલ્યુશનમાં સ્ટોર કરી શકાય છે, જ્યારે બીજા વિકલ્પમાં ફૂલ રેઝોલ્યુશનમાં સ્ટોર કરી શકાય, પણ તેમાં મર્યાદિત પ્રમાણમાં ફોટો સેવ થાય.
નવા ઉમેરાયેલા એક્સ્પ્રેસ બેકઅપના વિકલ્પમાં હાઇ ક્વોલિટી કરતાં થોડા ઓછા રેઝોલ્યુશને, પણ નબળા વાઇ-ફાઇ કે ડેટા કનેક્શનમાં પણ ફટાફટ બેકઅપ લઈ શકાશે. ઇચ્છો તો દિવસમાં ફોટોઝ બેકઅપ માટે અમુક નિશ્ચિત લિમિટથી વધુ ડેટા ન વપરાય એવી સુવિધા પણ મળશે.
આ એપમાં તમે ફોટોઝ સ્ટોર કરશો તો બે-ચાર વર્ષ જૂના ફોટોઝ, બરાબર એ જ દિવસે ફરી નજર સામે લાવીને, તમને જૂની યાદોથી તરબતર પણ કરશે – ટ્રાય કરી જુઓ!

