મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે ડિજિલોકર વ્યવસ્થા ઘણી ઉપયોગી થઈ શકે છે.
સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૯ અંકમાં વાત કરી હતી કે ભારતમાં આપણા વિવિધ પ્રકારના ડેટાના જીવંત શેરિંગથી લોન મેળવવા જેવી બાબતો વધુ સરળ બનાવતી ‘સહમતી’ નામની એક પહેલ ટૂંક સમયમાં આવી રહી છે. એ લેખ સાથે જ વાત કરી હતી કે સહમતીની જેમ સરકારના વિવિધ વિભાગો તરફથી આપણને આપવામાં આવતાં કાયમી પ્રમાણપત્રોને સલામત રીતે ડિજિટલ સ્વરૂપમાં સાચવવા સરકારે ‘ડિજિલોકર’ની વ્યવસ્થા કરી છે.
ડિજિલોકર વિશે પણ આપણે ‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૬ અંકમાં વિગતવાર પરિચય મેળવ્યો છે. પરંતુ ભારત સરકારના મોટર વ્હિકલ્સ એક્ટમાં આવેલા સુધારાઓને પગલે ડિજિલોકરમાં વાહન સંબંધિત મહત્ત્વના દસ્તાવેજો કેવી રીતે સાચવી શકાય તેની મુદ્દાસર વાત, ફરી કરી લઈએ.
મોટર વ્હિકલ્સ એક્ટ મુજબ વાહનની આરસી બુક, લાયસન્સ, વાહનનો વીમો અને પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ વાહન ચલાવતી વખતે આપણી સાથે હોવાં જરૂરી છે. જો તમે આ દસ્તાવેજો અસલ સ્વરૂપમાં સતત સાથે રાખવા માગતા ન હો તો તેને ડિજિલોકરમાં સ્ટોર કરી શકો છો અને પોલીસ માગે ત્યારે બતાવી શકો છો. ડિજિલોકરમાં સાચવેલ ડિજિટલ ડોક્યુમેન્ટ્સ ઇન્ડિયન આઇટી એક્ટ ૨૦૦૦ હેઠળ કાયદેસર માન્ય છે.
ડિજિટલ લોકરનો આ વેબસાઇટ https://digilocker.gov.in અથવા https://digitallocker.gov.in પર ઉપયોગ થઈ શકે છે. તેની એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઇલ એપ્સ પણ ઉપલબ્ધ છે.
ડિજિલોકરમાં રજિસ્ટ્રેશન કરો
તમારો મોબાઇલ નંબર આપો, તેના પર આવેલો ઓટીપી આપો, તમારું આઇડી તૈયાર કરો. તમારો પાસવર્ડ તૈયાર કરો. રજિસ્ટ્રેશન પૂરું થયા પછી તમે ‘ઇસ્યુડ’ અને ‘અપલોડેડ’ ડોક્યુમેન્ટ્સ સેકશન્સમાં તમારાં ડોક્યુમેન્ટ્સ સાચવી શકો છો. ઇસ્યુડ ડોક્યુમેન્ટ્સ એટલે વિવિધ સરકારી વિભાગો તરફથી મળેલા દસ્તાવેજો જે, જે તે વિભાગની સિસ્ટમ પરથી આપણા એકાઉન્ટમાં આપોઆપ જોવા મળે છે.
આધાર સાથે લિન્ક કરો
ડિજિલોકરમાંના તમારા એકાઉન્ટને તમારા આધાર સાથે લિન્ક્ડ કરવાનો ફાયદો એ છે કે તેનાથી તમારા પ્રોફાઇલ સંબંધિત વિવિધ ડોક્યુમેન્ટસ ડિજિલોકર એકાઉન્ટમાં આપોઆપ અપડેટ થતા રહેશે. એ માટે ડિજિલોકરમાં લોગઇન થયા પછી આધાર વિકલ્પ પર ક્લિક કરો, આધાર નંબર, નામ અને ફોન નંબર જેવી વિગતો આપીને તમારા એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરો. ડિજિલોકર આધાર સાથે લિંક થયા પછી આપણે જુદી જુદી ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકીશું અને ડોક્યુમેન્ટ્સની આપલે ઘણી સરળ બની જશે.
ડ્રાઇવિંગ લાયસન્સ લિન્ક કરો
એપમાં ઉપર ડાબી તરફ આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને ‘ ઇસ્યૂડ ડોક્યુમેન્ટ્સ’માં જાઓ અને સર્ચ પર ક્લિક કરો. અહીં જે જે સરકારી વિભાગો તરફથી તમારા દસ્તાવેજો ઉપલબ્ધ હોય તે વિભાગોની યાદી જોવા મળશે.
સર્ચ બોક્સમાં ફક્ત જીયુ લખતાં ગુજરાતના વિભાગો જોવા મળશે. તેમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને તેમં ડ્રાઇવિંગ લાયસન્સ પર ક્લિક કરો.
તમને પૂછવામાં આવતી વિગતો આપતાં, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અહીં ડિજિટલ સ્વરૂપે આવી જશે. એ જ રીતે વાહનની આરસી બુક પણ મેળવી શકાશે.
અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો
આ માટે ‘અપલોડેડ ડોક્યુમેન્ટ્સ’માં જાઓ.અહીં ઉપરની બાજુએ પ્લસની નિશાની સાથેના ફોલ્ડર પર ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો અને તેમાં ઇચ્છો તે નામ લખો.
હવે તમારા પીસી કે મોબાઇલમાં તમે અગાઉથી સ્ટોર કરેલ ડોક્યુમેન્ટની ફાઇલ અહીં અપલોડ કરો. હવે તમે તમારા કમ્પ્યુટર કે મોબાઇલમાંનાં ડોક્યુમેન્ટ્સ ડિજિલોકરમાં અપલોડ કરી, તેને ‘ઇ-સાઇન’ કરી શકો છો. ઈ-સાઇનની ખરાઈ આધારમાં આપેલા મોબાઇલ નંબર પર આવતા ઓટીપીથી થશે.
ડિજિલોકર જે તે વ્યક્તિના આધાર સાથે કનેક્ટ થાય છે. આથી તે જ વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ તેમાં મેળવી શકાય છે.

