સ્માર્ટફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી દરેક એપમાં સમયાંતરે નવાં ફીચર્સ ઉમેરાતાં હોય છે કે તેમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારવામાં આવતી હોય છે.
આ બધું આપણને અપડેટ સ્વરૂપે મળે છે.
આથી આપણે ઇન્સ્ટોલ કરી એપ્સને નિયમિત રીતે અપડેટ કરવી હિતાવહ છે. એમ કરવા માટે આપણે વારંવાર પ્લે સ્ટોરમાં આપણી એપ્સ તપાસીને તેના અપડેટ ઉપલબ્ધ છે કે નહીં તે ચકાસવાની જરૂર નથી, આ કામ ઓટોમેટિક થઈ શકે છે.
અલબત આ બેધારી તલવાર છે, જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજ સ્પેસ હોય અને બધી એપ્સ ઓટોમેટિક અપડેટ થતી રહે તો ફોન પર ભાર વધતો જાય, બીજી તરફ ફોનમાં પૂરતી સ્પેસ હોય તો એપ્સ ઓટોમેટિક અપડેટ થાય એ જ સગવડભર્યું છે.
એપ્સ ઓટોમેટિક અપડેટ કરવા માટે પ્લે સ્ટોર ઓપન કરો. ડાબી પેનલમાં સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘ઓટો અપડેટ એપ્સ’ વિકલ્પ ટેપ કરો.
અહીં તમે નક્કી કરી શકશો કે એપ્સ ઓટો અપડેટ કરવી કે નહીં અને કરવી હોય તો માત્ર વાઇ-ફાઇ પર અપડેટ થાય કે પછી મોબાઇલ ડેટાનો ઉપયોગ કરીને પણ એપ અપડેટ થઈ શકે.
આ સેટિંગ કર્યા પછી નોટિફિકેશન્સ પર ટેપ કરો અને તેમાં એપના અપડેટ ઉપલબ્ધ હોય ત્યારે અને પ્લે સ્ટોર ઓટોમેટિકલી એપ્સ અપડેટ કરે ત્યારે આપણને તેનું નોટિફિકેશન મળે એવું સેટિંગ કરી દો.

