જો તમારી પાસે પીસી/લેપટોપ અને સ્માર્ટફોન બંને હશે તો તમારો અનુભવ હશે કે તમારી ડિજિટલ લાઇફ આ બંને ડિવાઇસ વચ્ચે વહેંચાયેલી રહે છે. ખરેખર તો, આપણી જિંદગી હવે મોબાઇલ,પીસી કે લેપટોપ, ટીવી વગેરે સ્ક્રીનમાં વહેંચાઈ ગઈ છે.
આમાં કિન્ડલ કે મૂવી સ્ક્રીન પણ ઉમેરી શકાય, પરંતુ તેના આપણે જરૂરિયાત મુજબ થોડો અંકુશ મૂકી શકીએ. જ્યારે કામકાજની વાત હોય ત્યારે મોટા ભાગના લોકોને મોબાઇલ અને લેપટોપ વિના ચાલતું નથી. કોલેજમાં પહોંચી ગયેલા લગભગ દરેક સ્ટુડન્ટ્સ પાસે હવે સ્માર્ટફોન વત્તા લેપટોપ હોય છે. તેમ યંગ એક્ઝિક્યુટિવ્સ કે વ્યસ્ત બિઝનેસમેન્સ કે નિવૃત્તિ પછી પણ સક્રીય રહી શકેલા લોકો પાસે પણ આ બંને સાધનો હોય છે.
મજા એ છે કે હજી થોડાં વર્ષ પહેલાં પીસી અને લેપટોપનો દબદબો હતો. પછી સ્માર્ટફોનનો જબરો જુવાળ આવ્યો અને પીસી/લેપટોપ ભૂલાવા લાગ્યાં. પછી લોકોને સમજાયું કે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા માટે સ્માર્ટફોન બરાબર છે, પણ કોઈ પણ પ્રકારનું ક્ધટેન્ટ જનરેટ કરવા માટે તો પીસી કે લેપટોપ જોઈશે જ. એ જોતાં, ગૂગલ અને તેના જેવી બીજી બધી જ ટેક કંપનીઝ આપણાં જુદાં જુદાં સાધનોમાં આપણને એક સરખો અનુભવ મળે એ માટે પ્રયત્નશીલ છે.
એટલે બંને વચ્ચેનો તાલમેલ સાધ્યા વિના કોઈને છૂટકો નથી.
જીમેઇલ કે ફેસબુક જેવી સર્વિસની વાત હોય ત્યાં સુધી આપણને આમાં કોઈ તકલીફ પડતી નથી કેમ કે આવી સર્વિસ આપણા બધા ડિવાઇસ વચ્ચે સિન્ક્ડ રહેવાથી આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે, જે ડિવાઇસમાં ઇચ્છીએ તે ડિવાઇસમાં તેનો લાભ લઈ શકીએ છીએ.
વાત જુદો વળાંક ત્યારે લે, જ્યારે આપણે કોઈ એવી સગવડનો લાભ લઈ રહ્યા હોઈએ જે બંને પ્રકારના ડિવાઇસમાં આપોઆપ સિન્ક્ડ ન હોય.
જેમ કે માની લો કે તમે ઓફિસમાં તમારા પીસી કે લેપટોપમાં બ્રાઉઝરમાં નેટ સર્ફિંગ કરી રહ્યા છો અને કોઈ રસપ્રદ લેખ વાંચી રહ્યા છો. અચાનક કોઈ કારણસર તમારે કોઈ ક્લાયન્ટને મળવા જવાનું થયું. તમે એમની ઓફિસે પહોંચ્યા, પરંતુ ક્લાયન્ટને મળવામાં વાર છે અને તમારે વેઇટિંગ રૂમમાં રાહ જોતા બેઠા રહેવાનું થયું. કાં તો તમે ત્યાં પડેલા મેગેઝિન કે અખબાર ઉઠાવશો અથવા ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને પેલો ઓફિસમાં અધૂરો રહેલો લેખ આગળ વાંચવાનું વિચારશો.
આ સમયે, જો તમારું પીસીમાંનું બ્રાઉઝર અને સ્માર્ટફોનમાંનું બ્રાઉઝર સિન્ક્ડ નહીં હોય, તો તમારે સ્માર્ટફોનમાં બ્રાઉઝર ઓપન કરીને એ લેખ નવેસરથી શોધવો પડશે.
ગૂગલ ક્રોમ બ્રાઉઝર આનો એક સહેલો ઉપાય આપે છે. તેનો લાભ લેવા માટે તમારા પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર ઇન્સ્ટોલ્ડ હોવું જરૂરી છે. તેમજ બંને ડિવાઇસમાં ક્રોમ બ્રાઉઝરમાં તમારે એક જ ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન રહેવું પડશે. આટલું કરશો તો તમારી ડિજિટલ લાઇફ ઘણી ઇઝી બની જશે. એટલું યાદ રાખશો કે આ સુવિધા ઇનકોગ્નિટો મોડમાં કામ લાગશે નહીં.
બંને ડિવાઇસમાં તમારું એકાઉન્ટ સિન્ક્ડ રાખવા માટે…
- બંને ડિવાઇસમાં ક્રોમ બ્રાઉઝર ન હોય તો ઇન્સ્ટોલ કરો.
- પીસીમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ઉપર જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
- તેમાં ‘સિન્ક સેકશન’ ઓપન કરો. અહીં તમે જોશો તેમ જુદી જુદી ઘણી બાબતો તમે એ એકાઉન્ટથી જેટલાં ડિવાઇસમાં સાઇન્ડ ઇન હો તેમાં સિન્ક્ડ રાખી શકો છો.
- તમે ઇચ્છો એટલી જ બાબતો સિન્ક્ડ રહે એવું કરી શકાય છે. એટલું બરાબર યાદ રાખશો કે તમે પોતે – અને માત્ર તમે જ કે પરિવારની અંગત વ્યક્તિ- જે સાધનનો ઉપયોગ કરતા હો તેમાં જ બધી બાબતો સિન્ક્ડ રાખશો. હાલ પૂરતું, આપણે બધી બાબતો માટે સિન્ક્ડ ઇનેબલ કરીએ.
- હવે આ જ રીતે સ્માર્ટફોનમાં ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ.
- તેમાં તમારા એકાઉન્ટ પર ક્લિક કરો અને તેમાં ‘સિન્ક સેકશન’માં જાઓ.
- પીસીની જેમ અહીં પણ જુદી જુદી બાબતો સિન્ક કરવાના વિકલ્પ મળશે.
- હાલ પૂરતું આપણે ‘સિન્ક એવરીથિંગ’નું બટન ઓન કરી દઇએ.
હવે પછી તમે જ્યારે પણ પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં અધૂરો છોડેલો લેખ સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝરમાં આગળ વાંચવા માગતા હો ત્યારે સ્માર્ટફોનમાં ત્રણ ડોટ પર ક્લિક કરી ‘રિસન્ટ ટેબ્સ’માં જાઓ.
અહીં તમારા પીસીનું નામ જોવા મળશે અને તેમાં ક્રોમ બ્રાઉઝરમાં તમે ઓપન કરેલી બધી ટેબ્સ જોવા મળશે. પીસીમાં અધૂરા છોડેલા લેખની ટેબ અહીં પણ જોવા મળશે તેને ક્લિક કરો અને લેખ આગળ વાંચો!
ક્રોમમાં ઇનબિલ્ટ આ સુવિધાનો ઉપયોગ કરવા ઉપરાંત તમે બુકમાર્કસ કે અન્ય એપ્સથી વેબપેજિસ શેર કરવાના વિકલ્પો પણ અજમાવી શકો. પરંતુ જો તમે ગૂગલની જુદી જુદી ઘણી સુવિધાઓનો પૂરો લાભ લેતા હો તો તમારા જુદા જુદા ડિવાઈસીસમાં ગૂગલ એકાઉન્ટને સિન્ક્ડ રાખવું બહેતર રહેશે.

