હેકર્સની જોખમી એપ ફોનના સત્તાવાર એપ સ્ટોરમાં પાસ ન થઈ શકતી હોય તો તે સોશિયલ સાઇટ્સ કે અન્ય રીતે આપણા ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેને અટકાવવા નિશ્ચિત પગલાં લેવાં જરૂરી છે.
આગળના લેખમાં આપણે જાણ્યું તેમ, હેકર્સ જુદી જુદી ઘણી રીતે આપણી બેન્કિંગ એપ્સના આઇડી-પાસવર્ડ મેળવે છે અને ત્યાર પછી ફોનમાં આવતા ઓટીપી સુધી પહોંચવાની કોશિશ કરે છે.
તેમને અટકાવવા માટેના અને તમારા જે સ્માર્ટફોનમાં મોબાઇલ બેન્કિંગ એપ્સ હોય તેને સલામત રાખવાના મુખ્ય બે ઉપાય છે :
- સ્માર્ટફોનમાં સત્તાવાર એપ સ્ટોર સિવાય અન્ય કોઈ રીતે, કોઈ એપ ઇન્સ્ટોલ ન થવા દેવી
- કોઈ પણ અજાણી એપને ફોનમાંના એસએમએસ વાંચવાની મંજૂરી ન આપવી.
આ લેખમાં આપણી જાણ બહાર ફોનમાં અજાણી-જોખમી એપ્સનું ઇન્સ્ટોલેશન કેમ અટકાવવું તે જાણીએ.
એન્ડ્રોઇડ ફોનમાં ઓફિશિયલ ગૂગલ પ્લે સ્ટોર સિવાય અન્ય સાઇટ્સ કે અન્ય એપ સ્ટોર્સમાંથી એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકાય છે. ફોનની સલામતી માટે સામાન્ય રીતે આ વિકલ્પ ડિસેબલ્ડ હોય છે, પરંતુ એવું બની શકે કે તમે પોતે કે પરિવારના કોઈ સભ્યે અજાણતાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા માટે આ વિકલ્પ ઓન કરી દીધો હોય અને હવે તમને તેની જાણ પણ ન હોય.
જો તમે ફોનમાં નવા નવા અખતરા ન કરવા માગતા હો તો અને ખાસ કરીને જે ફોનમાંથી નેટબેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરતા હો તે ફોનમાં ઓફિશિયલ પ્લે સ્ટોર સિવાયના કોઈ પણ સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ ન થાય એવું સેટિંગ અચૂકપણે રાખવું જોઈએ.
આપણે તમારા ફોનમાં એન્ડ્રોઇડના વર્ઝન મુજબ અજાણ્યા સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ થવા દેવાનો વિકલ્પ કેવી રીતે બંધ રાખી શકાય તે જોઇએ. તમારા ફોનમાં એન્ડ્રોઇડનું કયુ વર્ઝન છે એ તપાસવા માટે, ફોનના સેટિંગ્સમાં જાઓ તેમાં સૌથી નીચે ‘અબાઉટ ફોન’ કે ‘સિસ્ટમ’ના વિકલ્પમાં જાઓ. તેમાં જરા ખાખાંખોળાં કરશો તો એન્ડ્રોઇડ વર્ઝનનો નંબર જાણી શકાશે (દરેક ફોન કંપની અહીં સુધી પહોંચવાનો રસ્તો જરા જુદો જુદો રાખતી હોવાથી તમારે કદાચ થોડું મથવું પડશે).
હવે તમારા ફોનમાં એન્ડ્રોઇડના વર્ઝન મુજબ, નીચે જણાવેલાં પગલાં લો :
- એન્ડ્રોઇડના સૌથી જૂના ૨.૩ (જિંજર બ્રેડ)થી એન્ડ્રોઇડ ૫.૧ (લોલીપોપ) વર્ઝન સુધી લગભગ એકસરખી પદ્ધતિ છે. તમારે ફોનના સેટિંગ્સમાં સિક્યોરિટી વિભાગમાં જઇને અનનોન સોર્સિઝનો વિકલ્પ શોધવાનો રહેશે અને તે ઓપન હોય તો બંધ કરવાનો રહેશે.
- જો તમારા ફોનમાં એન્ડ્રોઇડ ૬.૦ (માર્શમેલો) કે ૭.૦ (નોગટ) વર્ઝન હોય તો તેમાં સેટિંગ્સમાં લોક્ સ્ક્રીન એન્ડ સિક્યોરિટી વિભાગમાં જાઓ અને તેમાં અનનોન સોર્સિઝનો વિકલ્પ શોધીને તેને બંધ કરો.
- જો તમારા ફોનમાં એન્ડ્રોઇડ ૮.૦ (ઓરિયો) વર્ઝન હોય તો આ વર્ઝનથી અનનોન સોર્સિઝમાંથી ઇન્સ્ટોલેશન સામે સલામતીની પ્રક્રિયા થોડી બદલવામાં આવી છે. આ પદ્ધતિ મુજબ તમે જ્યારે પણ તમારા ફોનમાંની કોઈ પણ એપ, જેમ કે બ્રાઉઝર એપ કે સોશિયલ એપમાં જઇને તેમાંથી કોઈ લિંક પર ક્લિક કરીને કે વેબસાઇટ પર જઇને ડાયરેક્ટ એપ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો ત્યારે એક પોપઅપ મેસેજ જોવા મળે છે, જે તમને એ એપમાંથી થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરીના સેટિંગ સુધી લઈ જાય છે.
- ધારો કે તમે ફેસબુકમાંની કોઈ લિંક પર ક્લિક કરીને એપ ઇન્સ્ટોલ કરવાના તબક્કા સુધી પહોંચ્યા હો તો ફોનની સિસ્ટમ તમને જાણ કરશે કે તમારી ફેસબુક એપ એન્ડ્રોઇડના પ્લે સ્ટોરને બાયપાસ કરીને સીધી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરી રહી છે તમે મંજૂરી આપવા ઈચ્છો છો? જો તમે હા પાડશો તો એ એપ ઇન્સ્ટોલ થશે અને ભવિષ્યમાં ફેસબુકમાંથી તમે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરશો ત્યારે આવી મંજૂરી માગવામાં આવશે નહીં.
તમે ફોનમાંની કોઈ પણ એપને આવી થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપી છે કે નહીં તે થોડે થોડે વખતે તપાસવું જરૂરી છે અને જો મંજૂરી આપી હોય તો તેને બંધ કરવી હિતાવહ છે.
એ માટે ફોનના સેટિંગ્સમાં જાઓ. ‘તેમાં એપ્સ એન્ડ નોટિફિકેશન’માં જાઓ. તેમાં ‘એપ પરમિશન’માં જાઓ. તેમાં ‘સ્પેશિયલ એક્સેસ’નો વિકલ્પ શોધી કાઢો. તેમાં ‘ઇન્સ્ટોલ અનનોન એપ્સ’ના વિકલ્પ સુધી પહોંચો.
આ મથામણ ન કરવી હોય તો સેટિંગ્સમાં જઇને સીધે સીધું ‘ઇન્સ્ટોલ અનનોન’ સર્ચ કરી શકાય. અહીં તમારા ફોનમાંની જુદી જુદી એપ્સ જોવા મળશે અને મોટા ભાગે દરેક એપ માટે અજાણી એપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી ન હોવાનું જણાવતા ‘નોટ એલાઉડ’ શબ્દો જોવા મળશે. જો કોઈ એપ માટે ‘એલાઉડ’ લખ્યું હોય તો તેને ક્લિક કરીને આ મંજૂરી પાછી ખેંચવી હિતાવહ છે.


