(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં જાહેરાતનો ત્રાસ કરતી એપ્સ કેવી રીતે દૂર કરશો?

ફોનમાંની એપ્સ આપણને જાહેરાતો બતાવે એ સમજી શકાય એવું છે, પણ કેટલીક એપ માત્ર જાહેરખબર બતાવીને કમાણી કરવાના બદઈરાદાથી આપણા ફોનમાં ઘૂસે છે. આવી એપ કઈ રીતે શોધવી તે સમજાય તો જ તેને દૂર કરી શકાય.

આગળ શું વાંચશો?

  • આખો સ્ક્રીન રોકી લેતી એપ કેવી રીતે દૂર કરવી?

  • પુશ નોટિફિકેશનમાં જાહેરાત બતાવતી એપ કેવી રીતે દૂર કરવી?

મોટા ભાગની મોબાઇલ એપ્સ અને ગેમ્સની મજા માણતી વખતે આપણે જાહેરાતોનો સામનો કરવો પડે છે. ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ પાસેથી કોઈ ચાર્જ લીધા વિના એડવર્ટાઇઝર્સ પાસેથી આવક મેળવવાના મોડેલ પર ચાલે છે (ગુજરાતી જેવી ઘણી ભાષાની સાઇટ્સ પર એવું હજી શક્ય નથી!) એટલે એપ્સ અને ગેમ્સમાં જાહેરાતો હોય તે સ્વાભાવિક છે, પરંતુ કેટલીક એપ્સ જાહેરાતો બતાવવામાં કેટલાંક ડગલાં આગળ વધી જાય છે. 

જેમ કે ઘણી એપ્સ આપણા સ્માર્ટફોનના નોટિફિકેશન્સમાં જાહેરાતોનો મારો કરે છે તો કેટલીક એપ્સ આપણે બીજી કોઈ એપનો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે પણ, આખો સ્ક્રીન ઢંકાઈ જાય તેવી એપ્સ બતાવવા લાગે છે. 

કોઈ એપના ભાગરૂપે જાહેરાત બતાવવામાં આવે તે સમજી શકાય, પરંતુ બીજી એપ્સ પર પણ જાહેરાત દેખાવા લાગે તો એ એપ જોખમી સાબિત થઈ શકે છે. 

સામાન્ય રીતે આવી એપ્સ પ્લે સ્ટોરમાં ટકવી જ ન જોઇએ પરંતુ ઘણી વાર એવું બને છે કે ગૂગલનું ધ્યાન મોડે મોડે આવી એપ્સ તરફ જાય અને પછી તેને દૂર કરવામાં આવે. પરંતુ જો આપણે તેને ડાઉનલોડ કરી લીધી હોય તો એ આપણને નડવાનું ચાલુ રાખે છે. 

યૂઝર્સને ધરાર જાહેરાતો બતાવીને કમાણી કરવાના ઇરાદાથી જ બનાવવામાં આવી હોય તેવી કેટલીક એપ્સ ઘણી વાર એવી કરામત કરતી હોય છે કે ઇન્સ્ટોલ થયા પછી એપનું ટાઇટલ જ બદલાઈ જાય છે, જેથી ખરેખર કઈ એપને કારણે જાહેરાતોનો ત્રાસ થઈ રહ્યો છે તે શોધવું જ આપણે માટે મુશ્કેલ બની જતું હોય છે.

સદભાગ્યે આવી એપ્સ પારખીને દૂર કરવાના કેટલાક સહેલા રસ્તા છે!

આખો સ્ક્રીન રોકી લેતી એપ કેવી રીતે દૂર કરવી?

અહીં એક વાર બરાબર સમજવા જેવી છે – હવે ઘણી જાણીતી એપ્સ પણ આપણને આખો સ્ક્રીન ઢાંકી દેતી જાહેરાતો બતાવતી હોય છે. આપણને વાંધો ત્યારે થવો જોઈએ, જ્યારે જે એપમાં આવી આખો સ્ક્રીન રોકતી જાહેરાત જોવા ન મળતી હોય, તેનો ઉપયોગ કરતી વખતે પણ, કોઈ અન્ય એપ દ્વારા ટ્રિગર થયેલી જાહેરાતો જોવા મળવા લાગે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આપણા ફોનમાં કોઈ એવી એપ ઘૂસી છે, જે આપણી નજર ચૂકાવીને આખા સ્ક્રીનને ઢાંકી દેતી એડ બતાવવા લાગી છે.


આવી એપ શોધવા માટે, હવે પછી જ્યારે પણ તમને આખો સ્ક્રીન રોકી લેતી જાહેરાત જોવા મળે ત્યારે એ જાહેરાત બંધ કરવાને બદલે ‘રીસન્ટ’ કે ‘મલ્ટિ ટાસ્કિંગ વ્યૂ’ એટલે કે ફોનમાં તમે ઓપન કરેલી બધી એપ્સ નાની નાની વિન્ડો સ્વરૂપે જોવા મળે તેવા વ્યૂમાં જાઓ. આ બધી વિન્ડોમાં સૌથી ટોચ પરની એપ તમને આખા સ્ક્રીનની જાહેરાત બતાવી રહી છે! જો એ તમારી જાણીતી એપ જ હોય, તમને એ એપ વિના ચાલે તેમ ન હોય તો આખો સ્ક્રીન રોકતી એડનો ત્રાસ વેઠી લો, પણ ટોચ પરની એપ બીજી કોઈ ભળતી એપ લાગે તો ચેતી જાઓ. 

ખરેખર તો દરેક એપની વિન્ડોમાં ટોચ પર તેનું સાચું નામ લખ્યું હોવું જોઇએ. પરંતુ ધરાર જાહેરાત બતાવીને કમાણી કરવાનો ઇરાદો ધરાવતી એપ્સના ડેવલપર અહીં એપનું શીર્ષક બદલી નાખે છે. 

આવી સ્થિતિમાં આપણે એપનું જે પણ નામ દેખાઈ રહ્યું હોય તેને જરા લાંબો સમય પ્રેસ કરી રાખીએ તો ‘ઇન્ફો’નું બટન જોવા મળશે અને તેને ક્લિક કરતાં આપણે એ એપના ઇન્ફો સ્ક્રીન પર પહોંચી શકીશું. અહીંથી આપણે તેને ડિલીટ કરી શકીશું.

પુશ નોટિફિકેશનમાં જાહેરાત બતાવતી એપ કેવી રીતે દૂર કરવી?

ફોનના શટર સ્ક્રીન પર નોટિફિકેશન્સમાં જ જાહેરાતો બતાવવાનું પ્રમાણ હવે વધી રહ્યું છે. નોટિફિકેશનમાં આવી જાહેરાતોથી તમે કંટાળ્યા હો તો તેનાથી છૂટકારો મેળવવાના બે રસ્તા છે. 

એક, એ એપ પારખીને તેને જ ડિલીટ કરી દો અથવા એ એપના નોટિફિકેશન બંધ કરી દો.

આવી એપ શોધીને ડિલીટ કરવા માટે, જો તમારા ફોનમાં એન્ડ્રોઇડનું ૫.૦ લોલિપોપ કે ત્યાર પછીનું વર્ઝન હોય તો નોટિફિકેશનમાં જાહેરાત જોવા મળે એ સાથે એ નોટિફિકેશનને જરા લાંબો સમય પ્રેસ કરો. આથી આ એપના ‘ઇન્ફો’ સ્ક્રીન પર જવાનો વિકલ્પ ખુલશે. અહીંથી આપણે તેને દૂર કરી શકીશું અથવા નોટિફિકેશન બંધ કરવાનો વિકલ્પ પણ મળશે.

એટલું ખાસ નોંધશો કે તમારા એન્ડ્રોઇડના વર્ઝન અનુસાર કાં તો ‘ઇન્ફો’ બટન જોવા મળી શકે અથવા તમામ નોટિફિકેશન બંધ કરવાનું બટન જોવા મળી શકે છે. 

એન્ડ્રોઇડ ૮.૦ વર્ઝનથી નોટિફિકેશન ચેનલ્સની પણ સુવિધા મળી છે, જેને કારણે આપણે કેટલાક નિશ્ચિત પ્રકારના નોટિફિકેશન્સ જોઈ શકીએ છીએ કે તેને બંધ કરી શકીએ છીએ.

એટલું યાદ રાખશો કે…

હવે વિવિધ ફોન મેન્યુફેકચરિંગ કંપની તથા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર કંપની પણ નોટિફિકેશનમાં તથા આખો સ્ક્રીન રોકી લે તેવી જાહેરાતો બતાવવા લાગી છે!

આવી જાહેરાતો બંધ કરવી બહુ જ મુશ્કેલ છે અથવા કેટલાક કિસ્સામાં અસંભવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!