(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જુદા જુદા એકાઉન્ટ્સમાંથી સાઇન-આઉટ કેવી રીતે થશો?

હાલમાં તમે જેનો ઉપયોગ કરો છો, એ સ્માર્ટફોન કે પીસી ઉપરાંત, અન્ય સાધનોમાં, જુદી જુદી સર્વિસમાં તમે સાઇન-ઇન હોઈ શકો છો. જાણી લો તેમાંથી, દૂરબેઠાં સાઇન-આઉટ થવાની રીત.

આગળ શું વાંચશો?

  • જીમેઇલ

  • ફેસબુક

  • લિન્ક્ડ-ઇન

  • પિન્ટરેસ્ટ

  • ઇન્સ્ટાગ્રામ અને ટવીટર

આજે આપણે સૌ ઇન્ટરનેટ પર ખાસ્સા એક્ટિવ રહીએ છીએ ત્યારે, આપણી આ ડિજિટલ લાઇફનાં કેટલાંક નાનાં-નાનાં પણ મહત્ત્વનાં પાસાં તરફ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.

જેમ કે, આજે ઇન્ટરનેટ પર આપણી પ્રવૃત્તિઓ કોઈ એક સાધન પરથી જ થાય એવું નથી. પહેલાં આપણી પાસે માત્ર કમ્પ્યુટર અને લેપટોપ હતાં, પણ હવે તો પોતાના સ્માર્ટફોન અને ટેબલેટ્સ ઉપરાંત, પરિવારજનો-મિત્રોનાં આવાં સાધનો પણ આપણને સતત હાથવગાં રહે છે.

આથી ઘણી વાર એવું બને કે આપણે પોતાના સિવાયનાં, બીજી કોઈ વ્યક્તિના પીસી કે મોબાઇલ ડિવાઇસમાં આપણા જીમેઇલ, ફેસબુક કે અન્ય કોઈ સર્વિસમાં લોગ-ઇન થયા હોઈએ અને પછી ત્યાંથી લોગ-આઉટ થવાનું ભૂલી ગયા હોઈએ.

ક્યારેક એવું પણ બને કે આપણા પોતાના, પણ હવે ઉપયોગમાં ન લેતા હોઈએ એવા સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે હજી પણ વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સમં લોગ્ડ-ઇન રહ્યા હોઈએ!

આ બધાં સાધનો પોતાનાં જ કે નજીકની વ્યક્તિઓનાં હોય તો તો ખાસ ચિંતાની વાત નથી, પણ ક્યારેક ઓફિસમાં કે કોઈ સાયબર કાફે કે હોટેલની બિઝનેસ લોન્જમાં કમ્પ્યુટરમાં આપણે કોઈ સર્વિસમાં લોગ-ઇન કર્યું હોય અને ત્યાંથી લોગ-આઉટ થવાનું ભૂલી જઈએ તો?

જો તમે, જ્યારે પણ પોતાના સિવાયના કોઈ પણ સાધનમાં, કોઈ પણ સર્વિસમાં લોગ-ઇન થવાના સંજોગ ઊભા થાય ત્યારે બ્રાઉઝરના ઇન-કોગ્નિટો મોડનો જ ઉપયોગ કરવાની ટેવ કેળવી હોય તો ચિંતાનું કોઈ કારણ ન રહે, કેમ કે ઇનકોગ્નિટો મોડમાં બ્રાઉઝર બંધ કરતાં આપણે ભૂલી ગયા હોઈએ તો પણ આપોઆપ લોગ-આઉટ થઈ જઈએ છીએ.

પરંતુ આ વાત તો કમ્પ્યુટરની થઈ. મોબાઇલની વાત આવે ત્યારે વાત ઓર મુશ્કેલ બને! મોબાઇલમાં આપણે બ્રાઉઝર ઉપરાંત, જે તે સર્વિસની એપમાં પણ લોગ-ઇન થઈ શકીએ છીએ!

ઉપરાંત, સૌથી વધુ ચિંતાનો મુદ્દો તો ત્યારે ઊભો થાય, જ્યારે આપણે પોતાના કે પરિચિતના સાધનમાં નહીં, પરંતુ કોઈ સાવ અજાણી જગ્યાએ, સાવ અજાણ્યા સાધનમાંથી લોગ-ઇન થયા હોવાનું ધ્યાનમાં આવે!


હવે સવાલ એ થાય કે આવું થયું હોવાની ખબર કેવી રીતે પડે?

સદભાગ્યે, જુદી જુદી સર્વિસમાં આપણે સહેલાઈથી જાણી શકીએ છીએ કે આપણે પોતાના વર્તમાન સાધન ઉપરાંત, બીજા કોઈ સાધનમાં પણ જે તે એકાઉન્ટમાં લોગ્ડ-ઇન છીએ કે નહીં અને હોઈએ તો તેમાંથી આપણે દૂરબેઠાં, એટલે કે એ સાધન હાથવગું ન હોય તો પણ તેમાંથી લોગ-આઉટ થઈ શકીએ છીએ. 

થોડા થોડા સમયે, આ તપાસવું અને બિનઉપયોગી સેશનમાંથી લોગ-આઉટ થઈ જવું જરૂરી પણ છે!

તો આવો જાણીએ, વિવિધ સર્વિસ પર, આપણા પોતાના એક્ટિવ લોગ્ડ-ઇન સેશન્સ કેવી રીતે તપાસાય અને તેમાંથી લોગ-આઉટ કેવી રીતે થઈ શકાય.

જીમેઇલ

જીમેઇલમાં આપણે બે પ્રકારના સાધનોમાં સાઇન-ઇન હોઇએ તેવી શક્યતા છે, એક છે કમ્પ્યુટર અને બીજું છે સ્માર્ટફોન કે ટેબલેટમાંની એપમાં. આ બંને પ્રકારના સાધનમાંથી જ્યારે જરૂર ન હોય ત્યારે સાઇન-આઉટ થવું જરૂરી છે. 

આપણે હવે જેનો ઉપયોગ ન કરતા હોઇએ તેવા મોબાઇલમાં કે ટેબલેટમાં કે કોઈ મિત્ર કે સ્વજનના મોબાઇલ ડિવાઇસમાં જીમેઇલ એપમાં લોગ-ઇન થયા હોઇએ, એટલે કે તેમના સાધનમાં ગૂગલ એકાઉન્ટ ઉમેર્યું હોય તો તેમાંથી લોગ-આઉટ થવા માટે…

  1. તમારા પીસી કે મોબાઇલ/ટેબલેટમાં 
  2. myaccount.google.comમાં જાઓ.
  3. તેમાં ‘સાઇન-ઇન એન્ડ સિક્યુરિટી’ વિભાગમાં જાઓ.
  4. તેમાં ‘ડિવાઇસ એન્ડ એક્ટિવિટી નોટિફિકેશન’માં જાઓ.
  5. અહીં તમને ‘રીસન્ટલી યૂઝ્ડ ડિવાઇસીસ’માં તમે જે જે પીસી કે મોબાઇલ ડિવાઈસીસમાં તમારા જીમેઇલ એટલે કે ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન હશો તેની યાદી જોવા મળશે.
  6. તમારા વર્તમાન ફોન સિવાય અન્ય સાધનોમાંથી આ એક્સેસ દૂર કરવી હોય તો અહીં એક પછી એક સાધનો સિલેક્ટ કરો અને પછી ‘રીમૂવ’ પર ક્લિક કરી એ સાધનોમાંથી લોગ-આઉટ થઈ જાઓ.
  7. અહીંથી તમે પીસીનાં વેબ વર્ઝનમાંથી પણ લોગ-આઉટ થઈ શકશો.

મોબાઇલને બદલે પીસીનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ આવી સગવડ છે, અલબત્ત તેમાંથી માત્ર વેબ વર્ઝનમાંથી લોગ-આઉટ થઈ શકાશે. કોઈ પણ પીસીમાં કે મોબાઇલના બ્રાઉઝરમાં આપણે સાઇન-ઇન કર્યું હોય અને પછી લોગ-આઉટ થવાનું ભૂલી ગયા હોઇએ તો તેમાંથી લોગ-આઉટ થવા માટે…

  1. તમારા પીસીમાં જીમેઇલ.કોમ સાઇટ પર જઇને લોગ-ઇન થાઓ. 
  2. હવે ઇનબોક્સમાં છેક નીચેની તરફ સ્ક્રોલ કરતાં, ઇનબોક્સના છેડે ‘લાસ્ટ એકાઉન્ટ એક્ટિવિટી’ અને ‘ડિટેઇલ્સ’ જોવા મળશે. 
  3. તેમાં ડિટેઇલ્સ પર ક્લિક કરો. 
  4. હવે એક ટેબલ ખૂલશે, જેમાં આપણા એકાઉન્ટથી ક્યા ક્યા સાધનોમાં આપણે લોગ્ડ-ઇન છીએ કે થયા હતા તે જોવા મળશે. 
  5. સાધનની સાથે આપણે ક્યા લોકેશન (આઇપી એડ્રેસ) પરથી અને કઈ તારીખ અને સમયે લોગ-ઇન થયા હતા તેની યાદી જોવા મળે છે.
  6. તમે છેલ્લા કેટલાય સમયથી ભારતમાં જ હો, પરંતુ લોગ-ઇનના લોકેશનમાં ભારત સિવાયના કોઈ દેશનું નામ જોવા મળે તો તરત જ ઉપરની તરફ આપેલ ‘સાઇન-આઉટ ઓફ ઓલ અધર જીમેઇલ વેબ સેશન્સ’ બટન ક્લિક કરીને, વર્તમાન સેશન સિવાયનાં અન્ય તમામ સાધનોનાં સેશન બંધ કરી શકાય છે.

એટલું યાદ રાખવા જેવું છે કે અહીંથી આપણે માત્ર અન્ય વેબ સેશન્સમાંથી એટલે કે પીસી કે મોબાઇલના બ્રાઉઝરમાંથી લોગ-ઇન થયા હોઇએ તો તે સેશન્સમાંથી લોગ-આઉટ થઈ શકીશું.

ફેસબુક

એવું બની શકે છે કે તમે તમારા પોતાના પીસી કે મોબાઇલ ઉપરાંત અન્ય ડિવાઈસીસમાંથી ક્યારેક તમારા ફેસબુક એકાઉન્ટમાં સાઇન-ઇન થયા હો અને પછી તેમાંથી લોગ-આઉટ થવાનું ભૂલી ગયા હો.

હાલની ક્ષણે તમે ક્યા ક્યા ડિવાઈસમાંથી ફેસબુકમાં લોગ્ડ-ઇન છો તે તપાસવા અને બિનજરૂરી સાધનોમાંથી લોગ-આઉટ થવા માટે…

  1. તમારા પીસી કે મોબાઇલમાં ફેસબુકના સેટિંગ્સમાં જાઓ.
  2. તેમાં ફરીથી ‘સેટિંગ્સ’માં અને તેમાં ‘સિક્યોરિટી એન્ડ લોગ-ઇન’માં જાઓ.
  3. અહીં તમે જોઈ શકશો કે તમે ક્યા ક્યા મોબાઇલ કે પીસીમાં ફેસબુક એકાઉન્ટમાં લોગ્ડ-ઇન છો.
  4. આ યાદીમાંથી જે ડિવાઇસમાંથી તમે લોગ-આઉટ થવા માગતા હો તેના નામ પછી આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને લોગ-આઉટ પર ક્લિક કરી શકાય.
  5. અહીં જ નીચેની તરફ તમામ સેશન્સમાંથી એક સાથે લોગ-આઉટ થવાનો વિકલ્પ પણ મળશે.
  6. અહીં જો તમને કોઈ ડિવાઇસમાં એવું લોગ-ઇન જણાય જે તમારું ન હોય તો તેને સિલેક્ટ કરીને લોગ-આઉટ થવા ઉપરાંત ‘સિક્યોર એકાઉન્ટ’ બટન ક્લિક કરીને તમે તમારા એકાઉન્ટને સિક્યોર કરવાનાં પગલાં લઈ શકો છો.

લિન્ક્ડ-ઇન

ફેસબુકની જેમ લિન્ક્ડ-ઇનમાં પણ સેટિંગ્સમાં જઈને તમે હાલમાં ક્યાં ક્યાં સાઇન્ડ-ઇન છો તે તપાસી શકાય છે તેમજ દરેકમાંથી સાઇન-આઉટ થઈ શકાય છે. એ માટે…

  1. તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો.
  2. ‘સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી’માં જાઓ.
  3. તેમાં ‘લોગ-ઇન એન્ડ સિક્યોરિટી’ વિભાગમાં ‘વ્હેર યુ આર સાઇન્ડ-ઇન’ વિભાગમાં તમારાં હાલમાં એક્ટિવ સેશન્સની યાદી જોઈ શકાશે. 
  4. જે સેશન હવે બિનજરૂરી હોય તેમાંથી અહીંથી લોગ-આઉટ થઈ શકાશે.

પિન્ટરેસ્ટ

ફેસબુક અને લિન્ક્ડ-ઇનની જેમ પિન્ટરેસ્ટમાં પણ અન્ય એક્ટિવ સેશન્સમાંથી સાઇન-આઉટ થવું સહેલું છે. 

એ માટે…

  1. કોઈ પણ સાધનમાં પિન્ટરેસ્ટમાં લોગ-ઇન થયા પછી સેટિંગ્સમાં જાઓ.
  2. તેમાં ‘સિક્યોરિટી’ અને ‘શો સેશન્સ’માં જાઓ.
  3. અહીં તમને વર્તમાન અને અન્ય સેશન્સ જોવા મળશે.
  4. અહીંથી તમે જે પણ સેશન બિનજરૂરી લાગે તેમાંથી લોગ-આઉટ થઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ અને ટવીટર

ટવીટર અને ઇન્સ્ટાગ્રામમાંથી વિવિધ સેશન્સમાંથી રીમોટલી સાઇન-આઉટ થવાનો કોઈ સહેલો રસ્તો નથી. આથી બંનેમાં તમને જો એવું લાગે કે તમારા પોતાના ડિવાઇસ સિવાય તમે ક્યાંકથી સાઇન-ઇન થયા હશો અને પછી લોગ-આઉટ થવાનું ભૂલી ગયા હશો, તો આ સર્વિસમાંનો તમારો પાસવર્ડ બદલી નાંખવો એ જ સૌથી સહેલો રસ્તો રહેશે.

આપણા ઓનલાઇન એકાઉન્ટ્સ અને ઇન્ટરનેટ કનેક્ટેટ સાધનો બંનેની સંખ્યા બહુ વધુ ગઈ હોવાથી, આ રીતે જરૂરી હોય એટલાં જ સેશનમાં લોગ-ઇન રહેવાની  કાળજી રાખવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!