ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર કરવાના ઉત્સાહમાં તમે પ્રેઝન્ટેશનની ફાઇલને થોડા થોડા વખતે સેવ કરવાનું ભૂલી ગયા. હવે બનવા જોગ પાવર સપ્લાયમાં ઊંચ-નીચ થઇ કે બીજા ગમે તે કારણસર તમારું કમ્પ્યુટર ક્રેશ થયું એટલે કે અચાનક બંધ થઇ ગયું. આવા સંજોગમાં તમને તમારા પ્રેઝન્ટેશનની ફાઇલ સેવ કરીને બંધ કરવાનો મોકો જ ન મળ્યો. બની શકે કે તમે પાંચ પંદર સ્લાઇડ્સ પર ખાસ્સી મહેનતથી કામ કર્યું હોય અને તે સેવ થાય તે પહેલાં ફાઇલ બંધ થઇ ગઈ હોય.
અલબત્ત ચિંતા કરવાની જરૂર નથી. માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ આપણી ફાઇલ્સને નિયત સમયાંતરે ઓટોસેવ કરતા હોય છે. પરિણામે આપણે જ્યારે બીજી વાર એ ફાઇલ ઓપન કરીએ ત્યારે ડાબી તરફ ડોક્યુમેન્ટ રીકવરીની એક પેનલ ખૂલે છે અને તેમાં તમારા સેવ થયા વગર બંધ થયેલા પ્રેઝન્ટેશનની ફાઇલ જોવા મળશે. આ ફાઇલ ક્લિક કરતાં પાવરપોઇન્ટ પ્રોગ્રામે ફાઇલને જ્યારે છેલ્લે ઓટોસેવ કરી હશે તે તબક્કાની ફાઇલ રીકવર થશે.
ઓટો રીકવરી માટે ઓટોસેવનો સમય પસંદ કરવા માટે પાવરપોઇન્ટના ઓપ્શન્સમાં સેવ વિભાગમાં જઇને સેટિંગ્સ કરી શકાશે.
ડાબી તરફની ડોક્યુમેન્ટની રીકવરી વિન્ડો બંધ થયા પછી પણ તમે ઓટો રીકવરી ફાઇલ ઓપન કરવા ઇચ્છતા હો તો ફાઇલ ટેબમાં, ઓપનમાં, રીસન્ટ પ્રેઝન્ટેશન્સની યાદીના અંતે રીકવર અનસેવ્ડ પ્રેઝન્ટેશન્સનો વિકલ્પ મળશે. આ સગવડ પાવરપોઇન્ટ ઉપરાંત વર્ડ અને એક્સેલ જેવા માઇક્રોસોફ્ટના અન્ય પ્રોગ્રામ્સમાં પણ મળે છે.

