તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ!
માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે.
હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ ફોલ્ડર-બીમાં છે.
દેખીતું છે કે તમારે વર્ડમાં ફાઇલ-ઓપનનો ઓપ્શન પસંદ કરીને વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર-બી શોધવા જવું પડશે અને તેમાંથી ફાઇલ-૨ શોધીને તેને ઓપન કરવી પડશે.
હવે માની લો કે તમારે ત્રીજી ફાઇલ-૩ ઓપન કરવાની થઈ, જે પહેલી ફાઇલ-૧ જેમાં હતી (જેના પર તમે કામ કરી રહ્યા છો) એ જ ફોલ્ડર-એમાં છે.
તમે ફાઇલ-ઓપનનો વિકલ્પ પસંદ કરશો તો, તમે છેલ્લે ઓપન કરેલ ફોલ્ડર, એટલે કે ફોલ્ડર-બીનો પાથ બતાવવામાં આવશે. પરિણામે તમારે વળી નવેસરથી કસરત કરીને ફોલ્ડર-એ શોધવા જવું પડશે. તમારો અનુભવ હશે કે કમ્પ્યુટરમાં આવી કસરત જ વધુ સમય માગી લેતી હોય છે.
તેના ઉપાય તરીકે ફરી પહેલા ફોલ્ડર-એમાંથી ફાઇલ ઓપન કરવા માટે ફાઇલ-ઓપનનો કમાન્ડ આપવાને બદલે એફ-૧૨ પ્રેસ કરતાં, આપણી ફાઇલ-૧ને સેવએઝ કરવાની વિન્ડો ખૂલશે. જેમાં ફોલ્ડર-એનો જ પાથ હશે. એસ્કેપ કી પ્રેસ કરી આ વિન્ડો બંધ કરો અને પછી ફાઇલ-ઓપનનો કમાન્ડ આપશો તો હવે ફોલ્ડર-બી નહીં પરંતુ ફોલ્ડર-એનો પાથ જ ખૂલશે!
પહેલી નજરે આ થોડું ગૂંચવણભર્યું લાગશે પણ એક વાર ટેવ પડશે પછી તેના વિના ચાલશે નહીં.
