જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે.
જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ મેઇલને કોપી કર્યા વગર બે અલગ અલગ લેબલ આપી શકાય છે. ગૂગલ ફોટોઝમાં પણ આવી સુવિધા છે અને એક જ ફોટો આપણે અલગ અલગ આલબમમાં રાખીને ગમે તે આલબમમાંથી જોઈ શકીએ છીએ.
પરંતુ ગૂગલ ડ્રાઇવની વાત આવે ત્યારે નવાઈજનક રીતે, તેમાં કોઈ એક ફાઇલને આપણે એક જ ફોલ્ડરમાં મૂકી શકીએ છીએ. ગૂગલ ડ્રાઇવમાં ફાઇલ્સ કે ફોલ્ડરને લેબલ લગાવવાની સુવિધા નથી. જો તમે નવા સમય અનુસાર તમારા કામકાજની બધી ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરવા લાગ્યા હો તો તેમાં લેબલનો અભાવ તમને ચોક્કસ ખૂંચતો હશે. જોકે તેનો એક ઉપાય છે.
એ માટે પીસીમાં ડ્રાઇવમાં કોઈ પણ ફોલ્ડર કે તેમાંની ફાઇલને સિલેક્ટ કરો. હવે Shift+z ક્લિક કરો. આથી એક મેનૂ ખૂલશે અને તેની મદદથી, તમે સિલેક્ટ કરેલી ફાઇલને તમારા કમ્પ્યુટરમાં અથવા તમારી ડ્રાઇવમાં ઇચ્છો ત્યાં ઉમેરી શકો છો.
આ રીતે, એ ફાઇલની કોપી બીજા ફોલ્ડરમાં ઉમેરાતી નથી, માત્ર તેનો રેફરન્સ ઉમેરાય છે. આમ તમારી ડ્રાઇવમાં વધુ સ્પેસ રોકાશે નહીં અને સગવડ સચવાશે. એટલું યાદ રાખશો કે આ રીતે અલગ અલગ ફોલ્ડરમાં સાચવેલી ફાઇલ ગમે તે એક ફોલ્ડરમાંથી ડિલીટ કરતાં તે બીજા ફોલ્ડરમાંથી પણ આપોઆપ ડિલીટ થઈ જશે.
ડ્રાઇવના પાવરયૂઝર માટે ઉપયોગી સુવિધા!

