એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે.
જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ ફાઇલ્સને કમ્પ્રેસ કરીને એક ઝીપ ફાઇલ બનાવી શકાય છે. આપણને કોઈએ આ રીતે ઈ-મેઇલમાં ઝીપ ફાઇલ મોકલી હોય તો તેને પીસીમાં કોઈ ફોલ્ડરમાં સેવ કરીએ પછી રાઇટ ક્લિક કરી, તેને અનઝીપ કરવાનો એટલે કે તેમાંની ફાઇલ્સ બહાર કાઢવાનો વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
એન્ડ્રોઇડમાં આપણે આ રીતે ઝીપ ફાઇલ ડાઉનલોડ તો કરીએ, પણ પછી તેને અનઝીપ કેવી રીતે કરવી? અત્યાર સુધી આ માટે આપણે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડતો હતો, પણ હવે ગૂગલની પોતાની ‘ફાઇલ્સ’ એપમાં આ કામ થઈ શકે છે (આ એપનું નામ પહેલાં ‘ફાઇલ્સ ગો’ હતું, આપણે તેનો માર્ચ ૨૦૧૮ અંકમાં વિગતવાર પરિચય મેળવ્યો હતો).
ફોનમાં ઝીપ ફાઇલ ડાઉનલોડ કર્યા પછી, ફાઇલ્સ એપમાં ડાઉનલોડ્સમાં તેને શોધી કાઢો. તેને ક્લિક કરતાં, તેમાંની ફાઇલ્સનો પ્રીવ્યૂ બતાવવામાં આવશે. ‘એક્સ્ટ્રેક્ટ’ બટન ક્લિક કરતાં, એમાંની ફાઇલ્સ ઓરિજિનલ ઝીપ ફાઇલના ફોલ્ડરમાં સેવ થઈ જશે.
ઝીપ જેવી જ ‘રાર’ ફાઇલને એક્સ્ટ્રેક્ટ કરવા હજી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ જરૂરી છે.
