એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ ટેબમાં જુદી જુદી વેબસાઇટ્સ જોવી આમ તો સરળ છે, પરંતુ જ્યારે આપણે જુદી જુદી લિન્ક્સ પર ક્લિક કરીને સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરી લઈએ ત્યાર પછી કામ થોડું મુશ્કેલ બનતું હતું. જેમ કે આપણે ઓપન કરેલી ટેબ્સમાંથી બિનજરૂરી ટેબ્સ બંધ કરવી હોય તો એ માટે ઉપરથી નીચેની તરફ આંગળી લસરાવીને બધી ટેબનું લિસ્ટ જોવું પડતું હતું અથવા મથાળે ટેબની સંખ્યા દર્શાવતા ચોરસ પર ક્લિક કરીને ટેબનું લિસ્ટ જોવું પડતું હતું. પછી બિનજરૂરી ટેબ માટેની ચોકડી પર ક્લિક કરીને તેને ડિલીટ કરવી પડતી હતી.
ક્રોમમાં અપડેટ સાથે આ કામ હવે સહેલું બન્યું છે.
હવે આપણે ક્રોમમાં કોઈ પણ ટેબ જોઈ રહ્યા હોઇએ ત્યારે મથાળે જમણી તરફ આપેલ ટેબની સંખ્યા દર્શાવતા ચોરસ પર જરા લાંબો સમય પ્રેસ કરવાથી એ ટેબ બંધ કરવાનો, નવી ટેબ ઓપન કરવાનો અને નવી ઇનકોગ્નિટો ટેબ પણ ઓપન કરવાના વિકલ્પ મળે છે.
વાત એની એ જ છે, પણ પહેલાં કરતાં ચોક્કસ વધુ સરળ બની છે.
