તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે?
કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી બનાવી શકો છો. આ સેટિંગ સુધી પહોંચવા માટે તમારા કમ્પ્યુટરમાં કોર્ટના સર્ચ બોક્સમાં Sysdm.cpl લખીને સર્ચ કરો અથવા વિન્ડોઝ એક્સપ્લોરરમાં ‘ધીસ પીસી’ પર રાઇટ ક્લિક કરીને ‘પ્રોપર્ટીઝ’ પસંદ કરો. તેની વિન્ડો ઓપન થાય તે પછી તેમાં ‘એડવાન્સ્ડ સિસ્ટમ સેટિંગ્સ’ ક્લિક કરો.
હવે જુદી જુદી ટેબ્ઝ ધરાવતી એક વિન્ડો ખૂલશે. તેમાં ‘એડવાન્સ્ડ’ ટેબમાં ‘પર્ફોર્મન્સ’માં સેટિંગ્સ પર ક્લિક કરો. તેમાં ‘વિઝ્યુઅલ ઇફેક્ટસ’ ટેબમાં ‘એડજસ્ટ ફોર બેસ્ટ પર્ફોર્મન્સ’ પસંદ કરી ઓકે કહો.
આમ કરવાથી કમ્પ્યુટરમાં વિવિધ એકશન લેતાં જોવા મળતાં એનિમેશન્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટસ બંધ થઈ જશે. કમ્પ્યુટરના આઇકન્સ અને ફોન્ટ્સમાં પણ તમને દેખીતો ફર્ક લાગશે પરંતુ તેને કારણે કમ્પ્યુટરના પર્ફોર્મન્સમાં ખાસ્સો ફેર પડી જશે.
જોકે આ કારણે કમ્પ્યુટરના ઉપયોગની મજા થોડી ઓછી થઈ જશે. તમે બધું જતું કરવા ન માગતા હો તો આ જ વિન્ડોમાં ‘કસ્ટમ’ બટન ઇનેબલ કરીને તેમાં આપેલા વિવિધ વિકલ્પોમાંથી તમે જે સેટિંગ્સ ઓન રાખવા માગતા હો તેને સિલેક્ટ કરીને બાકીના એનિમેશન્સ બંધ કરીને ઓકે કહી દો.
આ રીતે તમે કમ્પ્યુટરમાં કામકાજની મજા જાળવીને તેનું પર્ફોર્મન્સ સુધારી શકશો.
