ઇન્ટરનેટ પર ફાઇલ્સની આપ-લે ઘણી સહેલી બન્યા પછી યુએસબી પેનડ્રાઇવનો ઉપયોગ હવે થોડો ઘટી રહ્યો છે. આમ છતાં ઘણા સંજોગમાં એવું બની શકે કે આપણે કોઈ મિત્ર કે ઝેરોક્ષ શોપના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરવા માટે આપણી પેનડ્રાઇવ આપવી પડે.
આપણે પોતાના કમ્પ્યુટરમાં નિયમિત રીતે અપડેટ કરેલ એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોઇએ તો પણ બીજાના કમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરેલ પેનડ્રાઇવની સલામતી પર ભરોસો ન રહે ત્યારે પેનડ્રાઇવને ફોર્મેટ કરી લેવી જરૂરી છે, જેથી તેમાં કોઈ પણ વાઇરસ કે માલવેર ઘૂસ્યા હોય તો તે ભૂંસાઈ જાય.
આ માટે તમારા પીસીમાં પેનડ્રાઇવ ઇન્સર્ટ કર્યા પછી વિન્ડોઝ ફાઇલ એક્સપ્લોરરમાં ‘ધીસ પીસી’ કે ‘કમ્પ્યુટર’ કે ‘માય કમ્પ્યુટર’ (વિન્ડોઝના વર્ઝન મુજબ આ શબ્દો જુદા જુદા હોઈ શકે છે)માં જાઓ. તેમાં પેનડ્રાઇવની ડ્રાઇવ પર રાઇટ ક્લિક કરો અને જે ઓપ્શન મેનૂ ખૂલે તેમાં ‘ફોર્મેટ’ પસંદ કરો. હવે જે વિન્ડો ખૂલે તેમાં કેપેસિટી, ફાઇલ સિસ્ટમ, એલોકેશન યુનિટ સાઇઝ વગેરે વિકલ્પો મળશે. પરંતુ તમે તેને યથાવત રાખી શકો. ફોર્મેટના ઓપ્શન્સમાં ‘ક્વિક ફોર્મેટ’ ટીક રાખ્યા વિના ‘સ્ટાર્ટ’ બટન ક્લિક કરો. અહીંથી ‘વોલ્યૂમ લેબલ’માં તમે તમારી પેનડ્રાઇવનું નામ બદલી શકો છો. તેમાં તમારું નામ અને ફોન નંબર લખતાં, પેનડ્રાઇવ ક્યાંક ભૂલી ગયા હશો તો તે પરત મળવાની શક્યતા વધશે.
હવે તમને ચેતવવામાં આવશે કે પેનડ્રાઇવને ફોર્મેટ કરતાં તેમાંનો તમામ ડેટા ભૂંસાઈ જશે. આપણે એ જ કરવું છે એટલે ‘ઓકે’ કહો. આપણી પેનડ્રાઇવનો જેટલી વાર બીજાના કમ્પ્યુટરમાં ઉપયોગ કરીએ એટલી વાર તેને ફોર્મેટ કરવી હિતાવહ છે.
