લેપટોપમાં માઉસનું કામ આપતું ટચપેડ એક એવી સુવિધા છે જે ઘણા લોકોને એકદમ માફક આવી જાય છે, તો ઘણા લોકોને માઉસ વિના ચાલતું નથી.
આવા લોકો લેપટોપ સાથે રોજિંદું માઉસ કનેક્ટ કરીને કામ કરવાનું પસંદ કરે છે. આ રીત તો સહેલી છે, પણ માઉસ કનેક્ટ કર્યા પછી પણ ટચપેડ ઇનેબલ રહે તો ભૂલથી તેના પર આંગળી જતાં ભૂલો થવાનો સંભવ રહે.
સારો વિકલ્પ એ છે કે આપણે જ્યારે પણ લેપટોપમાં વધારાનું માઉસ કનેક્ટ કરીએ ત્યારે ઇનબિલ્ટ ટચપેડ આપોઆપ ડિસેબલ થઇ જાય.
વિન્ડોઝ-૧૦માં એવું કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી વિન્ડોઝ સેટિંગ્સમાં જાઓ. તમે વિન્ડોઝ કી+આઈ પ્રેસ કરીને પણ સેટિંગ્સમાં જઈ શકો. તેમાં ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરો. તેમાં ડાબી પેનલમાં ટચપેડ પર ક્લિક કરો. હવે જમણી તરફ ‘લીવ ટચપેડ ઓન વ્હેન એ માઉસ ઇસ કનેક્ટેડ’નું ટીક દૂર કરી દો.
હવે જ્યારે પણ લેપટોપમાં માઉસ કનેક્ટ કરશો ત્યારે ટચપેડ બંધ થઇ જશે અને માઉસ દૂર કરતાં ટચપેડ ફરી એક્ટિવ થઇ જશે. કેટલીક લેપટોપ કંપની ટચપેડ માટે અલગ સોફ્ટવેર આપે છે, સામાન્ય રીતે તેનો આઇકન સ્ક્રીન પર જમણી તરફની ટ્રેમાં જોવા મળે છે. તેને ડબલ ક્લિક કરીને તેના સેટિંગ્સમાં જઈ શકાય.

