બર્થ ડે પાર્ટી કે ફેમિલી ટૂરના ઢગલાબંધ ફોટોગ્રાફ લીધા? સરસ, તમે ઇચ્છો તો તેમાંથી પસંદગીના ફોટોગ્રાફ્સની સરસ મૂવી પણ બનાવી શકો છો!
જો તમે સ્માર્ટફોનથી આ ફોટોઝ લીધા હશે, ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હશે, ફોટોઝનો ઓટોમેટિક બેકઅપ અને આસિસ્ટન્ટ ફીચર ઓન રાખ્યાં હશે, તો પૂરી શક્યતા છે કે એપ પોતે જ જે તે ઇવેન્ટમાંથી મજાના ફોટોગ્રાફ્સ તારવીને તેમાંથી સ્લાઇડ શો જેવી એક મૂવી બનાવી આપશે. પરંતુ તેમાં ફોટોગ્રાફની પસંદગી મશીને કરી હશે.
જો તમે તમારી પસંદગીના ફોટોઝમાંથી મૂવી બનાવવા ઇચ્છતા હો તો, આમ તો ગૂગલ ફોટોઝ એપ સિવાય પણ ઘણા બધા રસ્તા છે, કેટલાક ઘણા વધુ ફીચરરીચ પણ છે, છતાં, બહુ સહેલો રસ્તો કોઈ હોય તો તે છે ગૂગલ ફોટોઝ.
પહેલું કામ એ કરો કે એપમાં નીચેની તરફ ‘આલબમ’ પર ક્લિક કરી, ‘ન્યૂ આલબમ’ ક્લિક કરો અને તેમાં તમને ગમતા ફોટોઝ ઉમેરી દો.
એપમાં તમે ડાયરેક્ટ ઉપરની તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી, ક્રિએટ ન્યૂ મૂવી’ ક્લિક કરી શકો છો, પણ પહેલેથી આલબમ બનાવ્યું હશે તો ફોટો-સિલેક્શન સહેલું બનશે. હવે આગળની વિધિ માટે બાજુમાં આપેલાં સ્ટેપ્સને અનુસરો.
આ એપમાં તમે નિયમિત ફોટોઝ અપલોડ કરતા હશો તો અહીંથી તમારી સેલ્ફી, સ્માઇલીઝ, મધર્સ ડે કે ફાધર્સ ડે, લવ-સ્ટોરી વગેરે શીર્ષક હેઠળ ઓટોમેટિક મૂવી પણ બનાવી શકો છો!
ગૂગલ ફોટોઝ એપમાં મૂવી બનાવવાનાં સ્ટેપ્સ
1
પસંદગીના ફોટોઝનું આલબમ ઓપન કરી, મૂવી માટેના ફોટોઝ સિલેક્ટ કરો.
2
ઉપર ‘+’ ક્લિક કરતાં સિલેક્ટ કરેલા ફોટોઝમાંથી શું ક્રિએટ થઈ શકે તે મેનૂમાં ‘મૂવી’ પસંદ કરો.
3
મૂવીમાં ફોટોઝ અને વીડિયો સામેલ હોઈ શકે છે. હવે એપ, પોતાની રીતે મૂવી ક્રિએટ કરશે.
4
હવે તમે દરેક ફોટો કેટલો સમય દર્શાવવા માગો છો તે સ્લાઇડરની મદદથી નક્કી કરી શકશો.
5
ચાહો તો ફોટોને આંગળીથી ડ્રેગ કરી, ઉપર-નીચે લઈ જઈને તેમના ક્રમ બદલી શકો છો.
6
મ્યુઝિકના આઇકન પર ક્લિક કરી, તમે નવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરી શકો અથવા બીજું પસંદ કરી શકો.
7
‘સેવ’ પર ક્લિક કરતાં, થોડી વારમાં મૂવી તૈયાર થઈ જશે, તેને એ જ આલબમમાં ઉમેરી શકાય.
8
ઇચ્છો ત્યારે આ મૂવી ઓપન કરીને શેર કરો અથવા મરજી પડે તેમ તેને એડિટ કરો!


