ધીમે ધીમે આપણને સૌને એવી આદત પડવા લાગી છે કે આપણે કોઈ પણ સ્થળે જવાનું હોય ત્યારે રસ્તામાં કેટલો ટ્રાફિક નડશે એ આપણે ગૂગલ મેપ્સ ઓપન કરીને તપાસી લઈએ છીએ. ખાસ કરીને, ઘરથી ઓફિસ વચ્ચેની દૈનિક મુસાફરી મેપ્સથી વધુ સહેલી બની શકે છે.
એ માટે ગૂગલ મેપ્સ ઓપન કરો અને તેમાં નીચેની તરફ ‘કમ્યૂટ’ના બટન પર ક્લિક કરો. જો તમે મેપ્સમાં તમારા ઘર અને ઓફિસનું એડ્રેસ સેવ કર્યું હશે તો એક ક્લિકમાં, તમારા વર્તમાન લોકેશન મુજબ ઘર કે ઓફિસ તરફનો ટ્રાફિક બતાવવામાં આવશે. જો તમે તમારા કાયમી લોકેશન્સ સેવ ન કર્યાં હોય તો એમ કરવા અને લોકેશન સર્વિસ ઓન કરવા પણ કહેવામાં આવી શકે.
જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી, કમ્યૂટ સેટિંગ્સમાં તમે હંમેશાં કઈ રીતે મુસાફરી કરો છો એ પણ જણાવી શકશો.
જો તમારા રૂટ પર ટ્રાફિક કે અન્ય કારણસર વધુ સમય લાગી શકે તેમ હોય તો મેપ્સ દ્વારા તમને તેનું નોટિફિકેશન પણ મળશે. વિશ્વના ૮૦ જેટલા લોકેશન પર લોકો પોતાની કાયમી બસ કે ટ્રેન કેટલે પહોંચી છે તે પણ મેપ પર લાઇવ જોઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક ડગલું વધીને, સ્થાનિક ટ્રાન્સપોર્ટ કંપનીના સાથમાં એવી પણ સુવિધા આપવામાં આવે છે કે આગામી બસ કે ટ્રેન કેટલી ફૂલ છે અને તમને તેમાં સીટ મળશે કે નહીં એ પણ તમે જાણી શકો છો!
