તમને ક્યારેય તમારા જીમેઇલ એકાઉન્ટનું યૂઝરનેમ બદલવાની જરૂર લાગી છે? ઈ-મેઇલમાં ઈ-મેઇલ એડ્રેસ અને યૂઝરનેમ એ બંને જુદી જુદી બાબત છે.
માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ શરૂ કર્યો છે. એને માટે જીમેઇલમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમે કદાચ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તરીકે પોતાનું નામ-અટક આપ્યાં હશે અને પછી businessname@gmail.com જેવું કોઈ ઈ-મેઇલ એડ્રેસ પસંદ કર્યું હશે.
હવે જ્યારે પણ તમે કોઈને આ એકાઉન્ટમાંથી ઇમેઇલ મોકલશો ત્યારે સામેની પાર્ટીને પોતાના ઇનબોક્સમાં મથાળે તમારું નામ દેખાશે.
હવે તમારો બિઝનેસ વિસ્તર્યો અને લોકો તમારા કરતાં પણ તમારા બિઝનેસને વધુ ઓળખતા થયા. આથી તમને ઇચ્છા થશે કે ઇનબોક્સમાં તમારા વ્યક્તિગત નામને બદલે બિઝનેસનેમ જોવા મળે.
આમ કરવું સહેલું છે, પરંતુ યાદ રહે કે આપણે આખું ઈ-મેઇલ એડ્રેસ બદલી રહ્યા નથી, માત્ર સેન્ડર તરીકેનું આપણું નામ બદલી રહ્યા છીએ. આમ કરવા માટે આ પગલાં લેવાં જોઈશે…
જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. તેમાં એકાઉન્ટ્સ ટેબમાં જાઓ. અહીં ‘સેન્ડ મેઇલ એઝ’ વિકલ્પ મળશે. તેમાં તમારું નામ-અટક અને ઈ-મેઇલ એડ્રેસ જોવા મળશે. તેની જમણે આપેલ ‘એડિટ ઇન્ફો’ની લિન્ક ક્લિક કરો. તેમાં નવા નામના બોક્સમાં તમે ઇચ્છો તે નવું નામ આપો. હવે આ ફેરફાર સેવ કરી લો.
આટલું કરતાં હવે જ્યારે કોઈ વ્યક્તિને તમારો ઈ-મેઇલ મળશે ત્યારે તેને ઇનબોક્સમાં તમારું નહીં પરંતુ બિઝનેસનું નામ જોવા મળશે!

