મોબાઇલ પર ફટાફટ ટાઇપ કરવાની લ્હાયમાં ભાષા શુદ્ધિ ક્યાંય ખોવાઈ ગઈ છે, પરંતુ જ્યારે ઔપચારિક એટલે કે ફોર્મલ કમ્યુનિકેશન કરવાનું હોય ત્યારે જોડણી અને વ્યાકરણના નિયમોનું કાળજીપૂર્વક પાલન થાય એ જરૂરી છે. આખરે આપણી ભાષા જ આપણી ઓળખ ઊભી કરતી હોય છે.
એટલે જ હવે જ્યારે બધુ કમ્યુનિકેશન સ્માર્ટફોન પર થવા લાગ્યું છે ત્યારે તેમાં ભાષામાં ચોકસાઈ સંબંધિત વિવિધ સુવિધાઓ પણ સતત ઉમેરાતી રહે છે.
જો તમે સ્માર્ટફોનમાં ટાઇપ કરીને કોઈ ઇન્ટરનેશનલ ક્લાયન્ટને ઇંગ્લિશમાં ઇમેઇલ કરી રહ્યા હો ત્યારે ગુજરાત કે ઇન્ડિયા જેવા શબ્દોમાં જી અને આઇ કેપિટલ હોવા જરૂરી છે.
સ્માર્ટફોનમાં ઇમેઇલ ટાઇપ કરતી વખતે દરેક શબ્દે અટકીને તમે તેનો પહેલો અક્ષર કેપિટલ કરવા ન માંગતા હો જી બોર્ડ તેનો સહેલો ઉપાય આપે છે. સ્માર્ટફોનમાં જી બોર્ડની મદદથી ટાઇપ કરતા હો ત્યારે ટાઇપિંગ પૂરું થયા પછી જે શબ્દમાં કેપિટલાઇઝેશન બદલવું હોય તેને ડબલ ટેપ કરો. આથી એ શબ્દ સિલેક્ટ થશે.
હવે સિફ્ટ કી પ્રેસ કરતા પહેલો અક્ષર કેપિટલ થશે. બીજી વાર ટેપ કરતાં શબ્દના બધા અક્ષરો કેપિટલ થશે. અને ત્રીજીવાર ટેપ કરશો તો શબ્દ ફરી પહેલાં હતો તેવો જ થઈ જશે!

