આમ તો કમ્પ્યુટરમાં જાત ભાતની ગણતરીઓ કરવાની હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામને કોઈ ન પહોંચે. પરંતુ ક્યારેક પગમાંનો કાંટો કાઢવા માટે તલવાર કાઢવાની જરૂર ન હોય!જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે નાની મોટી ગણતરીઓ કરવાની થતી હોય તો એ કામ વર્ડમાં જ થઈ શકે છે.
અલબત્ત એ માટે પણ કમ્પ્યુટરનો વિન્ડોઝ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ હાથવગો હોય જ છે, પણ વર્ડમાં એક ખૂબી ઉમેરવાથી સામાન્ય ગણતરીઓ ઘણી વધુ સહેલી બની શકે છે.
એ માટે આપણે વર્ડના ક્વિક એક્સેસ ટૂલબાર (સૌથી ઉપર ડાબી બાજુએ દેખાતા શોર્ટકટ્સ)માં કેલ્ક્યુલેટરની સુવિધા ઉમેરવાની થાય. એ માટે…
- ક્વિક એક્સેસ ટૂલબારના છેડે ડ્રોપ ડાઉન એરો ક્લિક કરો.
- જે મેનૂ ખુલે તેમાં ‘મોર કમાન્ડસ’માં જાઓ.
- વર્ડના ઓપ્શન્સમાં ‘કસ્ટમાઇઝ’ વિભાગમાં જતાં પણ આ જ જગ્યાએ પહોંચાશે.
- તેમાં સૌથી ઉપલા ડ્રોપ ડાઉનમાં ‘ઓલ કમાન્ડઝ’ પસંદ કરો. પછી નીચે આપેલા વિકલ્પોમાંથી કેલ્ક્યુલેટ (calculate) પસંદ કરો અને જમણી તરફના બોક્સમાં ઉમેરી દો.
- આથી ક્વિક એક્સેસ ટૂલબારમાં એક નાનું વર્તુળ ઉમેરાશે.
હવે તમે વર્ડમાં કોઈ નાની ગણતરી લખો, જેમ કે ૩૫*૩, તેને સિલેક્ટ કરો અને પછી ક્વિક એક્સેસ ટૂલબારના વર્તુળ પર ક્લિક કરશો તો વર્ડના તળિયેના બારમાં તેનો જવાબ જોવા મળશે!

2 responses
આ ટાઈપના લેખ માં થોડી ગ્રાફિકલ ઈમેજ ઉમેરો તો યાદ રાખવામાં થોડું વધારે સરળતા રહેશે.
ચોકક્કસ પ્રશાંતભાઈ, પ્રિન્ટ મેગેઝિનમાં નિશ્ચિત પાનામાં વધુ સમાવવાની મર્યાદા હોય છે, પણ વેબસાઇટ પર એવી કોઈ મર્યાદા નથી. ગ્રાફિક્સનું પ્રમાણ ચોક્કસ ઉમેરીશું.
આવાં સૂચન આપતા રહેશો!