ભારતમાં ફેસબુક કંપનીની માલિકીની વોટ્સએપ પર, મેસેજ જેટલી જ સરળતાથી રૂપિયાની આપલે કરી શકાય તેવી યુપીઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમ તદ્દન તૈયાર છે, પણ કાયદાકીય ગૂંચવણોને કારણે અટકી પડી છે, ત્યાં ફેસબુકે યુએસમાં ‘ફેસબુક પે’ સર્વિસ લોન્ચ કરી દીધી છે.ફેસબુક અને તેની માલિકીની ઇન્સ્ટાગ્રામ પર મોટા પાયે શોપિંગ થતું હોય છે, ફક્ત રકમની આપલે માટે અન્ય પેમેન્ટ સર્વિસીઝનો ઉપયોગ થતો હોય છે. હવે ફેસબુકે, ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ – ચારેય સર્વિસ પર ચાલે તેવી ઇન્ટીગ્રેટેડ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી છે.
હાલમાં આ સર્વિસ માત્ર યુએસ પૂરતી સીમિત છે અને કાયદાના અવરોધો નહીં નડે તો વહેલામોડી ભારતમાં આવશે.
ફેસબુક અને મેસેન્જર એપ્સમાં સેટિંગ્સમાં ફેસબુક પેના વિકલ્પો મળશે. યૂઝર્સ મોટા ભાગનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડને તતા પોતાના પેપાલ એકાઉન્ટને ફેસબુક પે સાથે કનેક્ટ કરી શકશે. આ પછી, ફેસબુક પરના ફ્રેન્ડ્સ વચ્ચે રકમની આપલે કરી શકાશે, ઇવેન્ટ્સની ટિકિટ્સ ખરીદી શકાશે, ગેમ્સમાંની ખરીદી થઈ શશે અને ફેસબુક પેજીસ તથા માર્કેટપ્લેસમાંના પેજીસમાંથી પણ ખરીદી કરી સરળતાથી પેમેન્ટ કરી શકાશે.
ફેસબુકની સ્પષ્ટતા અનુસાર, ફેસબુક વર્તમાન કાર્ડ્સ અને પેપાલ જેવી પરંપરાગત વ્યવસ્થાનો જ ઉપયોગ કરશે, તે ફેસબુકની સૂચિત ક્રિપ્ટોકરન્સીથી સાવ અલગ છે.

