દિલ પર હાથ મૂકીને જવાબ આપો – તમારો દીકરો કે દીકરી ઇંગ્લિશનું કોઈ વાક્ય સાચું છે કે નહીં એવી મૂંઝવણ લઈને તમારી પાસે આવે, તો તમે ગૂંચવણ અનુભવો છો? અથવા, તમારા બિઝનેસને લગતો કોઈ મેઇલ ઇંગ્લિશમાં ટાઈપ કરી રહ્યા હો ત્યારે સ્પેલિંગ તો ઠીક, વ્યાકરણમાં કંઈક લોચો તો નહીં હોયને એવી ચિંતા સતાવે છે?
તમને આવી મૂંઝવણ કે ચિંતા ન થતી હોય તો એ જ ચિંતાની વાત છે! કારણ કે આજના સમયમાં ઇંગ્લિશ પર પ્રભુત્વ વિના કોઈને ચાલી શકે તેમ નથી. વિદ્યાર્થીઓ માટે – પછી તે ગમે માધ્યમમાં ભણતા હોય – ઇંગ્લિશ પર કાબુ વિના વધુ જાણવું અને આગળ વધવું મુશ્કેલ છે, એમ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા સંતાન માટે રજાચિઠ્ઠી લખતી વખતે, નોકરી માટે બાયોડેટા મોકલતી વખતે કે કોઈ બિઝનેસ લેટર લખતી વખતે જો એમાં ગ્રામરના ગોટાળા હોય તો આપણને દેખીતું નુક્સાન છે.
પ્રોબ્લેમ એ છે કે વાત ગુજરાતીની હોય કે ઇંગ્લિશની, ભાષા એક એવી બાબત છે કે તેમાં આપણે કોઈ ભૂલ કરતા નથી એવું છાતી ઠોકીને કહેવું સૌ કોઈ માટે બહુ મુશ્કેલ છે. ભાષાનાં અનેક બારીક પાસાં હોય છે અને ઇંગ્લિશ જેવી ઘણે અંશે અટપટી ભાષામાં તો ભૂલો થવાની પૂરી શક્યતા હોય છે.
સદનસીબે, આજના સમયમાં આપણી એવાં ઘણાં સાધન છે, જે આપણી મદદે આવી શકે છે. આવી એક વેબસર્વિસ છે ગ્રામરલી : www.grammarly.com
ગ્રામરલી એ આપણા ઇંગ્લિશ લખાણનું ઓટોમેટિક પ્રૂફરીડિંગ કરી આપતી વેબસર્વિસ છે. સાઇટના દાવા મુજબ એ ૨૫૦ પ્રકારની સ્પેલિંગ, ગ્રામર અને પંક્ચ્યુએશનની ભૂલો શોધી શકે છે અને તેના સાચા વિકલ્પ આપી શકે છે. આ સર્વિસ ફ્રી અને પેઇડ એમ બે પ્રકારે ઉપલબ્ધ છે. ફ્રી સર્વિસ ૧૫૦ પ્રકારની ભૂલો શોધી બતાવે છે.
આમ જુઓ તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડ કે ઓપનઓફિસના રાઇટર જેવા વર્ડ પ્રોસેસરનો ઉપયોગ કરતા હોઈએ તો એમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવાની સુવિધા હોય છે. વિવિધ બ્રાઉઝરમાં પણ સ્પેલિંગ ચેક કરવાની સુવિધા હોય છે. જીમેઇલમાં પણ આવી સુવિધા છે.
પરંતુ તમે આવી સુવિધાઓનો ઉપયોગ કરતા હશો તો અનુભવ હશે કે આ બધી સર્વિસ મોટા ભાગે આખા વાક્યના સંદર્ભ વિના સ્પેલિંગ તપાસે છે. એટલે આપણે I want to by a new car એમ લખ્યું હોય તો સામાન્ય સ્પેલ ચેકિંગમાં કશી ભૂલ પકડાશે નહીં કારણ કે બધા જ શબ્દોના સ્પેલિંગ સાચા જ છે, પણ વાક્યના સંદર્ભ મુજબ ખરેખર by ને બદલે buy આવવું જોઈએ!
ગ્રામરલી આવી ભૂલો પકડી શકે છે અને ભૂલ શું છે તે વિગતવાર રીતે સમજાવે પણ છે!
(‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૬ અંકમાંથી ટૂંકાવીને. અહીં વાંચો આખો લેખ).

